
ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) દ્વારા થતા ડિજિટલ પેમેન્ટ્સમાં નવેમ્બરમાં ભારે વૃદ્ધિ જોવા મળી છે. 28 નવેમ્બર સુધીના આંકડા મુજબ, યુપીઆઈ દ્વારા રૂપિયા 24.58 લાખ કરોડ મૂલ્યના 19 અબજથી વધુ ટ્રાન્ઝેક્શન થયા છે. ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ (NPCI) દ્વારા જારી કરાયેલા ડેટા પાછલા વર્ષના સમાન મહિનાની તુલનામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. નવેમ્બર 2024માં યુપીઆઈ દ્વારા રૂ.21.55 લાખ કરોડ મૂલ્યના 15.48 અબજ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા.

યુપીઆઈ ટ્રાન્ઝેક્શન 23 ટકા વધ્યું
ડેટા મુજબ, ગયા મહિને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન નવેમ્બર 2024ની સરખામણીમાં લગભગ 23 ટકા વધ્યું છે, જ્યારે ટ્રાન્ઝેક્શનના મૂલ્યમાં લગભગ 14 ટકાની વૃદ્ધિ થઈ છે. છેલ્લા બે વર્ષમાં ટ્રાન્ઝેક્શનમાં લગભગ 70 ટકા અને મૂલ્યમાં 41 ટકાની વૃદ્ધિ થઈ છે.

યુપીઆઈથી ગત વર્ષ કરતા ટ્રાન્જેક્શનમાં વધારો
નાણાકીય વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં યુપીઆઈ દ્વારા 12.41 અબજનું ટ્રાન્ઝેક્શન થયું છે, જેની સરેરાશ દૈનિક મુજબ 68.96 કરોડ અને દૈનિક મૂલ્ય રૂ.91,324 કરોડ નોંધાયું છે. જ્યારે નાણાકીય વર્ષ 2024-25માં આ જ સમયગાળા દરમિયાન સરેરાશ દૈનિક મુજબ 51.60 કરોડ અને સરેરાશ દૈનિક મૂલ્ય રૂ.71,839 કરોડ નોંધાયું હતું.






