
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આગામી ચોથી અને પાંચમી ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવવાના છે. તેઓ દિલ્હીમાં 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. આ સિવાય વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. ભારત પ્રવાસ અગાઉ તેમણે મોટું નિવેદન આપ્યું છે.

ભારત અને ચીન સાથે વધ્યો વેપાર: પુતિન
પુતિને રશિયામાં એક કાર્યક્રમમાં જણાવ્યું, કે હું ટૂંક સમયમાં જ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરવાનો છું. જેમાં ભારત સાથેના વેપાર અને આયાત-નિકાસ અંગે વિસ્તૃત ચર્ચા થશે. રશિયા સ્વતંત્ર આર્થિક નીતિ પર કામ કરતું રહેશે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારત અને ચીન સાથે રશિયાના વેપારમાં ઘણો વધારો થયો છે.

યુરોપના દેશો પર સાધ્યું નિશાન
આ સિવાય યુરોપ પર નિશાનો સાધતાં પુતિને કહ્યું, કે યુરોપિયન દેશો જ યુદ્ધ ભડકાવવા માંગે છે. પણ જો તેઓ યુદ્ધ જ કરવા માંગતા હોય તો અમે પણ હવે તૈયાર છીએ. દુનિયા ભારે ઉથલપાથલથી પસાર થઈ રહી છે. એવામાં અમુક દેશો બીજા દેશો પર દબાણ નાંખવા પ્રયાસ કરી રહ્યા છે. પશ્ચિમી દેશો દુનિયાથી ‘મુકાબલો’ ખતમ કરવા માંગે છે. પરંતુ તેઓ આમાં નિષ્ફળ રહ્યા છે અને આગળ પણ નિષ્ફળ જ રહેશે.

છેલ્લે યુદ્ધ પહેલા ભારત આવ્યા હતા પુતિન
નોંધનીય છે કે આ પહેલા વ્લાદિમીર પુતિને છેલ્લે વર્ષ 2021માં ડિસેમ્બર મહિનામાં ભારતની મુલાકાતે આવ્યા હતા. જે બાદ રશિયા અને યુક્રેન યુદ્ધ શરુ થઈ જતાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓના કારણે તેઓ ભારત આવી શક્યા નહોતા. એવામાં ચાર વર્ષ બાદ તેમની ભારત યાત્રા પર દુનિયાના અનેક દેશોની નજર રહેશે. આ દરમિયાન ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ ડીલ થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.











