HomeAllવિકસિત ભારતના બણગાં: ઘુંટુની રામકો સોસાયટીમાં 15 વર્ષથી પ્રાથમિક સુવિધાના ધાંધીયા

વિકસિત ભારતના બણગાં: ઘુંટુની રામકો સોસાયટીમાં 15 વર્ષથી પ્રાથમિક સુવિધાના ધાંધીયા

સ્વચ્છતાના સુત્રનું પણ ધોવાણ: ઘરે-ઘરે માંદગીના ખાટલા પડવા ભય: બિલ્ડર દ્વારા પંચાયતને જગ્યા સોંપવામાં વિલંબ…

મોરબીના ઘુટુ ગામ નજીક આવેલ રામકો સોસાયટીમાં વર્ષોથી લોકો રહે છે તેમ છતાં પણ આજની તારીખે રોડ રસ્તા, લાઈટ, પાણી, ગટર જેવી કોઈ પ્રાથમિક સુવિધા તે લોકોને મળતી નથી અને સ્થાનિક સરપંચથી લઈને ધારાસભ્ય સુધી તમામને રજૂઆતો કરવા છતાં પણ તેમનો પ્રશ્ર્ન ઉકેલતો નથી જેથી કરીને લોકોને નાછૂટકે સુવિધાઓના અભાવ વચ્ચે લોકોને રહેવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઘૂટું ગામ પાસે ગામ રામકો સોસાયટી આવેલ છે અને વર્ષ 2009 માં આ સોસાયટીનું પ્લોટીંગ કરવામાં આવ્યું હતું અને વર્ષ 2010 માં ત્યાં બાંધકામ થયું છે જોકે, સોસાયટી બની તેને આજે 15 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આજની તારીખે આ વિસ્તારની અંદર રહેતા લોકોને લાઈટ, પાણી, રોડ રસ્તા અને ગટરની પ્રાથમિક સુવિધા મળતી નથી જેથી કરીને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે તેવી માહિતી સ્થાનિક આગેવાન હિતુભા રાઠોડ અને ગેલાભાઈ ટોળીયાએ આપી હતી.

રામકો સોસાયટીના સ્થાનિક રહેવાસી લક્ષ્મીબેન, કિલાબેન, કંતાબેન સહિતના લોકોના કહેવા પ્રમાણે તેમને પ્રાથમિક સુવિધા સારી રીતે મળે તેના માટે થઈને ઘુટુ ગ્રામ પંચાયતથી લઈને ધારાસભ્ય સુધી એક નહીં પરંતુ અનેક વખત રજૂઆતો કરેલ છે તેમ છતાં પણ તે લોકોનો પ્રશ્ર્ન ઉકેલતો નથી અને જ્યારે રજૂઆત કરવા માટે અધિકારી કે પદાધિકારી પાસે જાય ત્યારે પ્રાથમિક સુવિધા મળશે તેવી ખાતરી આપવામાં આવે છે પરંતુ ત્યારબાદ જાણે કે સરપંચ કે ધારાસભ્યનું કંઈ ઉપજતું ન હોય તેમ સ્થાનિક લોકોનો પ્રશ્ન ઉભો જ રહે છે.

સરકાર દ્વારા સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવે છે પરંતુ આ વિસ્તારની અંદર ખુલ્લા માલિકીના પ્લોટ અને કોમન પ્લોટમાં ખરાબ ગંદા પાણી ભરેલા હોય છે જ્યાંથી મચ્છરનો ઉપદ્રવ થાય છે તેમજ રોડ રસ્તા ઉપર પણ ગટરના ગંદા પાણી વહેતા હોય છે જેથી રોગચાળો ફેલાય અને ઘરે ઘરે માંદગીના ખાટલા થાય તેવો માહોલ આ સોસાયટીનો છે તેમ છતાં પણ આ લોકોનો પ્રશ્ન ઉકેલાય તે માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.

ઘૂટું ગામના તલાટિ મંત્રી ભાવેશભાઈ કસૂન્દ્રાએ જણાવ્યુ હતું કે, કોઈપણ જગ્યાએ ખેતીની જમીનને બિલ્ડર દ્વારા બિનખેતી કરાવવામાં આવે ને ત્યાર બાદ ત્યાં બાંધકામ કરવામાં આવે ત્યાર પછી પ્રથમ બિલ્ડરની જવાબદારી હોય છે કે તેને લાઇટ, પાણી, રોડ રસ્તા ગટર સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પડે અને ત્યારબાદ રોડ રસ્તા અને કોમન પ્લોટની જવાબદારી પંચાયતને સોંપવામાં આવે ત્યારબાદ સ્થાનિક સ્વરાજની સંસ્થાની જવાબદારી હોય છે પરંતુ 15 વર્ષ પછી પણ આ સોસાયટીના રોડ રસ્તા અને કોમન પ્લોટની જવાબદારી પંચાયતની સુપ્રત કરવામાં આવી નથી જેથી કરીને પંચાયત ત્યાં કોઈ પણ પ્રકારની સુવિધા આપી શકે નહીં.

આમ વર્ષો પહેલાં બિલ્ડર દ્વારા બિનખેતી કરાવીને પ્લોટનું વેચાણ કરી નાખવામાં આવ્યું અને ત્યારબાદ જુદા જુદા બિલ્ડરો દ્વારા ત્યાં મકાન બનાવવામાં આવ્યા છે જોકે આજની તારીખે 80 વીઘાની આ સોસાયટીની અંદર 800 જેટલા લોકો રહે છે તેમ છતાં પણ તે લોકોને વિકસિત ભારતની વાતો વચ્ચે લાઈટ, પાણી, રોડ રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ રજળપાટ કરવો પડે છે ત્યારે આ લોકોને સારી સુવિધા ક્યારે મળશે તે સવાલ ઉઠી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!