
ગુજરાતમાં આજે અને આવતીકાલે અનેક જીલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને આજે રાજયના મુખ્ય સચિવ પંકજ જોષીએ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં એક ઉચ્ચ કક્ષાની બેઠક યોજી હતી.

જેમાં વરસાદની શકયતાવાળા તમામ જીલ્લા કલેકટરોને વિડીયો કોન્ફરન્સથી જોડવામાં આવ્યા હતા. આ બેઠકમાં ભારે વરસાદની સ્થિતિમાં વિવિધ જીલ્લાઓની તૈયારી જળાશયામાં પાણીના સ્તરની સ્થિતિ તપાસી હતી તથા જરૂર પડે ડેમોમાંથી પાણી છોડવા માટે તૈયારી રાખવા આદેશ આપ્યો હતો.

હાલની પરીસ્થિતિ જોતા મુખ્ય સચીવે જીલ્લા-તાલુકા સ્તરે તમામ અધિકારી- કર્મચારીઓને હેડકવાટર નહી છોડવા અને સતત એલર્ટ રહેવા આદેશ આપ્યા હતા. મુખ્ય સચીવે આ ઉપરાંત વિવિધ જીલ્લાઓમાં કેન્દ્ર અને રાજયની ડીઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોની તૈનાતી અંગે પણ માહિતી મેળવી હતી. આ બેઠકમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રાય સહિતના અધિકારીઓ હાજર હતા.



















