HomeAllવર્ષ ૨૦૨૫નું અંતિમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિ

વર્ષ ૨૦૨૫નું અંતિમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિ

દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં રવિવાર તા. ૨૧ મી સપ્ટેમ્બરે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જોવા મળશે. ભારતમાં આ ગ્રહણ દેખાશે નહિ. વિશ્વભરમાં રોમાંચકારી ખગોળીય ઘટના નિહાળવા લાખો લોકો ઈન્તજાર કરી રહ્યા છે. આ ગ્રહ પેસિફિક, ન્યુઝીલેન્ડ, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા અને ફિજીમાં આહ્લાદક જોવા મળશે. અવકાશમાં ૪ કલાક ૨૪ મિનિટની અવધિમાં ગ્રહણ જોવા મળવાનું છે. તેની રસપ્રદ માહિતી-જાણકારી માટે દેશભરમાં ભારત જન વિજ્ઞાન જાથા ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે.

સંવત ૨૦૮૧ ભાદ્રપદ કૃષ્ણપક્ષ અમાસ ને રવિવાર તા. ૨૧ મી સપ્ટેમ્બર, ૨૦૨૫ કન્યા રાશિ, ઉતરા ફાલ્ગુની નક્ષત્રમાં થનારું ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો બનવાનો છે. આ ગ્રહણ ભારતના લોકો જોઈ શકશે નહિ જયારે ગ્રહણ પેસિફિક, ન્યુઝીલેન્ડ, એન્ટાર્કટિકા, એટલાન્ટિક, દક્ષિણ ઓસ્ટ્રેલિયા, ફિજીમાં આહલાદક જોવા મળશે. આ પ્રદેશોમાં માનવ કલ્યાણકારી સંશોધનો માટે વૈજ્ઞાનિકોએ તૈયારી આરંભી દીધી છે. ભૂમંડલે ગ્રહણ સ્પર્શ ભારતીય સમજ મુજબ ગ્રહણ સ્પર્શ ઃ ૨૨ કલાક ૫૯ મિનિટ ૪૩ સેકન્ડ, ગ્રહણ મધ્ય : ૨૫ કલાક ૧૧ મિનિટ ૫૯ સેકન્ડ, ગ્રહણ મોક્ષ ઃ ૨૭ કલાક ૨૩ મિનિટ ૪૫ સેકન્ડ, ગ્રહણનું ગ્રાસમાન : ૦.૮૫૩ રહેશે. ગ્રહણની અવધિ : ૪ કલાક ને ૨૪ મિનિટની રહેશે.

વર્ષનું અંતિમ ગ્રહણ જોવામાં ભારતના લોકોને નિરાશા સાંપડશે. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે ભારતમાં ગ્રહણ દેખાશે નહિ છતાં રાજયમાં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ ગામે ગામે આપનાર છે. અવકાશી ચંદ્રગ્રહણો કે સૂર્યગ્રહણો માત્ર ને માત્ર અવકાશી પરિભ્રમણ અને ભૂમિતિની રમત છે. ગ્રહણોની ખગોળીય ઘટનાનો વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો માટે કરે છે. આ વર્ષે વિશ્વના વૈજ્ઞાનિકોએ ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફિજીમાં પડાવ નાખી દીધો છે. તેઓ ગ્રહણની અસરો, સંશોધનો, પશુ–પક્ષી અને તેની ગતિવિધિનો અભ્યાસ કરે છે અને ટી.વી. ઉપર ગ્રહણ કેવી રીતે થાય છે તે નજરોનજર બતાવવામાં આવે છે.

કરોડો માઈલ દૂર ગ્રહણ થાય છે તેની માનવજીવન ઉપર કશી જ અસર થતી નથી તેવી હકિકત મુકે છે. માનવ સુખાકારીની ચિંતા કરતા હોય છે. જયારે ભારતમાં સદીઓથી ગ્રહણ સમયે દાયકાઓ જૂની રદી દંતકથાઓ, માન્યતાઓ, પરંપરાઓનો આધાર મુકી માત્ર ને માત્ર ગુમરાહ કરવાનું કામ કરે છે. માનવીની કર્મકાંડ-ક્રિયાકાંડો, વૈધાદિ નિયમો સૂતક–બૂતક ઠોકી, શારીરિક-માનસિક, આર્થિક શોષણનું કામ લેભાગુઓએ કર્યું છે. તેનાથી સાવધાન રહેવા જાથા ગામે ગામ જાગૃતિ અભિયાન ચલાવે છે. વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે કે ગ્રહો કે ગ્રહણો માનવજીવનને અસરકર્તા નથી કે જીવન પદ્ધતિ ઉપર કશી જ અસર કોઈપણ પ્રકારે થતી નથી છતાં ભારતમાં ગ્રહણ સમયે દાન-પુણ્ય, જપ-તપ, સ્નાન કરવું, રાશિ ફળકથનો અને દોષ નિવારણના નામે લેભાગુઓ છેતરપિંડીનું કામ કરે છે તેનો જાથા સદૈવ વિરોધ કરે છે.

સદીઓથી લેભાગુઓના મિલાપીપણાના કારણે દેશમાં ગુમરાહ-ભ્રામકતા ફેલાવવાનું કામ જોવા મળે છે. લેભાગુઓ પોતાની આજીવિકા-રોટલા માટે યેનકેન માનવીનું શોષણ કરે છે તેની સામે જાથા જાગૃતિ કાર્યક્રમો આપી નકારાત્મક, અવૈજ્ઞાનિક ફળકથનો, આગાહીઓની હોળી કરે છે. જેથી જાથાએ સમગ્ર દેશમાં અભિયાન હાથ ધર્યું છે.

વધુમાં એડવોકેટ પંડયાએ જણાવ્યું કે જાથાની રાજય અને રાષ્ટ્રીય કચેરી ખંડગ્રાસ સૂર્યગ્રહણની અલભ્ય તસ્વીરો લોકો સમક્ષ મુકશે. સાડા ચાર કલાકની ગ્રહણની ગતિવિધ ટી.વી. ઉપર અદ્દભુત જોવા મળશે. ગ્રહણ કેવી રીતે થાય છે તે નજરોનજર બતાવવામાં આવે છે. રાજયમાં જાથાની રાજય કચેરી અને પ્રાદેશિક કચેરી તેની શાખાઓ ગ્રહણ સંબંધી જાણકારી, લોકચળવળ ઉભી કરવા કાર્યક્રમો આપનાર છે. લેભાગુઓના ફળકથનો અને પંચાગનું ગતકડું મુકવામાં આવે છે કે ભારતમાં ગ્રહણ દેખાશે નહિ એટલે ગ્રહણ પાળવાનું નથી. આ એક પ્રકારનું ગતકડું જ છે. ભારતમાં ગ્રહણ દેખાય તો પાળવાનું વિગેરે આગાહીકારોનો વિશ્વાસ કરવો નહિ. ગ્રહણ વખતે રાશિ ફળકથનો, નિવારણ વિધિઓ, ભૌગોલિક અસર વિગેરે લેભાગુઓના મનની પેદાશ છે. હકિકત નથી તેથી કોઈપણ જાતના કર્મકાંડ કરવાની જરૂર નથી.

જાથાએ પોતાના વિચાર રજૂ કર્યા છે, માનવું કે માનવું સૌને હક્ક છે. વિશેષમાં એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે પૃથ્વી ઉપર દર મિનિટે સારી–ખરાબ, શુભ-અશુભ, લાભ-નુકશાન, હોની-અનહોની ઘટના ભૌગોલિક પરિસ્થિતિ, પ્રાકૃતિક–કુદરતી નિયમો અનુસાર બને જ છે તેને કોઈ અટકાવી શકતું નથી કે રોકી શકતું નથી. તેને જપ-તપ, અનુષ્ઠાન, પૂજાવિધ કે અન્ય કોઈપણ પ્રકારના ક્રિયાકાંડોના ગતકડા, આશીર્વાદ કે કૃપાદ્રષ્ટિ સાથે કશી જ લેવા-દેવા નથી. લેભાગુઓ સદીઓથી નિરાધાર વાતો મુકી અમંગળ ઘટના બતાવી લોકોને મુર્ખ બનાવે છે. હોમ-હવન, જપ-તપ, અનુષ્ઠાન વિગેરેને અનુસરવું તે માનસિક અધઃપતન સાથે સમયની બરબાદી જ છે.

ગ્રહણની લેભાગુઓ દર્શાવે છે તેવી કોઈપણ ભૌગોલિક અસરો જોવા મળતી નથી. તેની પાસે એક પણ વૈજ્ઞાનિક ઉપકરણ નથી. હંબક વાતો કરે છે. લોકોને ઉઠા ભણાવે છે. મંદિર-દેવસ્થાન બંધ રાખવા, ગોળાનું પાણી ફેંકી દેવું, રાંધેલું અનાજ, પથારીનો ત્યાગ કરવો વિગેરે વર્ષો પૂર્વે બોગસ કહાની–કથનો છે. તેને ગ્રહણ સાથે કશી જ લેવા-દેવા નથી. માનવીએ ચંદ્ર-મંગળ ઉપર પગ મુકી દીધો છે છતાં પણ ભારતમાં માનસિક નબળા લોકો ચંદ્ર-મંગળની વીંટીઓ, હાથના આંગળામાં પહેરી છિન્ન મનોવૃત્તિના દર્શન કરાવી તેના મંત્ર-જાપ કરી નંગની વીંટી પહેરી મુર્ખામીનું પ્રદર્શન કરે છે. રાજયમાં ગ્રહણની વૈજ્ઞાનિક સમજ કાર્યક્રમો આખરી તબક્કામાં છે. જાથાની વિચારધારા સાથે સંમત તથા માહિતી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!