
હવામાન: નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે આગામી દિવસોમાં મેઘમહેર વધુ તીવ્ર બનવાની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. આ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે અનેક ભાગોમાં 3થી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. હવામાનની આગાહી મુજબ, આગામી 48 કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે, જેના કારણે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે.

આ ઉપરાંત, મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને મહિસાગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, કડી, કલોલ, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં વરસાદનું જોર સૌથી વધુ જોવા મળી શકે છે. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, ચોટીલા, પોરબંદર, દ્વારકા, જામનગર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં 3થી 5 ઇંચ કે તેથી વધુ વરસાદ પડવાની આશંકા છે. કચ્છના કેટલાક એકલ-દોકલ સ્થળોએ અતિભારે વરસાદનું પણ જોખમ વ્યક્ત કરવામાં આવ્યું છે.

15 સપ્ટેમ્બર સુધી આ સિસ્ટમ સૌરાષ્ટ્રના ભાગોને ઘમરોળશે. વરસાદી સિસ્ટમની ગતિવિધિ અંગે વિગત આપતા જણાવાયું છે કે, 15 સપ્ટેમ્બર બાદ આ સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્ર થઈ દરિયામાં સરકી શકે છે અને 16 સપ્ટેમ્બરે અરબી સમુદ્ર તરફ ફંટાઈ શકે છે. જોકે, 16 તારીખે આ સિસ્ટમ રિકવર થઈને ફરી ગુજરાત તરફ ત્રાટકે તેવી પણ શક્યતા નકારી શકાતી નથી. ત્યારબાદ 17 સપ્ટેમ્બરથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતા વરસાદનું જોર ધીમે-ધીમે ઘટી શકે છે. પરંપરાગત જ્ઞાન અને હવામાન ગણતરી મુજબ હાલ ચાલી રહેલું ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનું વરસાદી પાણી કૃષિ પાકો માટે અત્યંત ગુણકારી ગણાય છે.

દુષ્કાળગ્રસ્ત કે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આ વરસાદથી ઊભા પાકને નવું જીવન મળશે. આ સિસ્ટમ શાંત થયા બાદ પણ, 22થી 24 સપ્ટેમ્બર વચ્ચે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ અથવા ડિપ્રેશન સર્જાવાની શક્યતા છે, જેના પર હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે.






















