
ભારતીય: ખાનગી સંરક્ષણ કંપની આઈજી ડિફેન્સે પોતાના ‘જ્વાલા’ માઈક્રો-મિસાઈલ કાર્યક્રમ હેઠળ બે સોલિડ રોકેટ મોટર્સનું સફળ પરીક્ષણ કર્યું છે. 3 ઓક્ટોબરે વહેલી સવારે 4 વાગ્યે કરવામાં આવેલું આ પરીક્ષણ કંપની અને દેશના સંરક્ષણ ક્ષેત્ર માટે એક મોટો માઈલસ્ટોન છે. ‘જ્વાલા’ એ ભારતનો પ્રથમ સ્વદેશી ખાનગી માઈક્રો-મિસાઈલ પ્રોજેક્ટ છે, જે ખાસ કરીને દુશ્મનના ડ્રોનને હવામાં જ નષ્ટ કરવા માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. સસ્તા ડ્રોન હુમલા સામે ભારતનો કિફાયતી તોડ : આજના આધુનિક યુદ્ધમાં ડ્રોન ઝૂંડ મોટો પડકાર બની ગયા છે. સસ્તા ડ્રોનને તોડી પાડવા માટે અત્યંત મોંઘી મિસાઈલોનો ઉપયોગ કરવો આર્થિક રીતે પોસાય તેમ નથી.

આ જ જરૂરિયાતને ધ્યાને રાખીને ‘જ્વાલા’ મિસાઈલ બનાવવામાં આવી રહી છે. આ મિસાઈલ અત્યંત સસ્તી હોવાથી તેને ખૂબ મોટા પાયે બનાવીને સરહદો પર તૈનાત કરી શકાશે, જેનાથી ભારતની સુરક્ષા વધુ અભેદ્ય બનશે.AI સંચાલિત ‘ગ્રીડ’ સિસ્ટમ સાથે કરશે કામ : ‘જ્વાલા’ માત્ર એક મિસાઈલ નથી, પરંતુ તે આઈજી ડિફેન્સના AI આધારિત બેટલ મેનેજમેન્ટ સિસ્ટમ ‘ગ્રીડ’ સાથે જોડાયેલી છે. આ આખી સિસ્ટમ આકાશમાં ડ્રોનની ઓળખ કરવા, તેને ટ્રેક કરવા અને ખતરાનું આકલન કરી મિસાઈલ દ્વારા તેને તોડી પાડવા સુધીની સમગ્ર પ્રક્રિયા ઓટોમેટિક પાર પાડવામાં સક્ષમ છે. ‘જ્વાલા’ અને ‘ગ્રીડ’ સિસ્ટમના સંયોજનથી ભારતની મોંઘી વિદેશી સુરક્ષા પ્રણાલીઓ પરની નિર્ભરતા ઘટશે અને દેશ ડ્રોન હુમલા સામે વધુ સક્ષમ બનશે.
























