HomeAllમોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપની સંગઠનાત્મક બેઠક યોજાઈ, રાજકોટની રેલીની તૈયારીઓની...

મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપની સંગઠનાત્મક બેઠક યોજાઈ, રાજકોટની રેલીની તૈયારીઓની સમીક્ષા

27 ઓક્ટોબરે રાજકોટમાં યોજાનારી ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ રેલીને સફળ બનાવવા પદાધિકારીઓને માર્ગદર્શન

25 ઓક્ટોબર, 2026: મોરબીના કમલમ કાર્યાલય ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના પદાધિકારીઓની મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી. આગામી 27 ઓક્ટોબરે રાજકોટ ખાતે યોજાનારી ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ રેલીની તૈયારીઓ, જનજાગૃતિ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારીઓ, ધારાસભ્યો, સાંસદો, નગરપાલિકાઓ અને પંચાયતોના પ્રમુખો તેમજ મહાનગરપાલિકાઓના નવા મેયરો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી રેલીમાં વધુમાં વધુ લોકો સહભાગી બને અને લોકશાહીના રક્ષણના સંદેશને વ્યાપક જનસમર્થન મળે તે માટે વિવિધ સ્તરે આયોજન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી, સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, નવા વરાયેલા સૌરાષ્ટ્ર ઝોનના સંગઠન મહામંત્રી અરુણભાઈ બિન્નાડીજી તથા રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. સંગઠનના વિવિધ સ્તરના હોદ્દેદારો વચ્ચે સંકલન વધારવા અને રેલીની સફળતા માટે જવાબદારીઓ સુનિશ્ચિત કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

રાજકોટમાં 27 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યે યોજાનારી આ રેલીમાં નાગરિકોની વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવા જનસંપર્ક અને જાગૃતિ અભિયાનને વેગ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા જણાવ્યા અનુસાર, બેઠકમાં અંદાજે 350 પદાધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિનું આયોજન હતું, જેની સામે 237 જેટલા પદાધિકારીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રીના સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમની મોરબી મુલાકાત દરમિયાન યોજાયેલી આ બેઠકને સૌરાષ્ટ્રમાં સંગઠનાત્મક સંકલન વધારવા અને આગામી રેલીની તૈયારીઓને આખરી ઓપ આપવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments