HomeAllવાંકાનેરમાં ગઢીયા હનુમાનજી મિત્ર મંડળના નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં 300થી વધુ દર્દીઓએ...

વાંકાનેરમાં ગઢીયા હનુમાનજી મિત્ર મંડળના નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં 300થી વધુ દર્દીઓએ લાભ લીધો

આધુનિક એક્સ-રે મશીનની વ્યવસ્થા સાથે 50 આયુષ્માન કાર્ડ કાઢી અપાયાં, નિષ્ણાત તબીબોએ નિઃશુલ્ક સેવાઓ આપી

25-10-2026: વાંકાનેર શહેરના જિનપરા ચોક સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે શ્રી ગઢીયા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા લોકસેવાના હેતુથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 300થી વધુ દર્દીઓએ નિદાન કરાવી નિઃશુલ્ક દવાઓનો લાભ મેળવ્યો હતો. સાથે જ જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે આયુષ્માન કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં 50 જેટલા લોકોને કાર્ડ બનાવી આપવામાં આવ્યાં હતાં.

કેમ્પમાં મોરબીની આયુસ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી. હાડકાં અને સાંધાના રોગો માટે ઓર્થોપેડિક નિષ્ણાત, બાળકોના રોગો માટે બાળરોગ નિષ્ણાત, યુરોલોજી, બ્લડપ્રેશર અને ડાયાબિટીસ સહિતના રોગો માટે જનરલ મેડિસિન તથા એપેન્ડિક્સ અને સારણગાંઠની સર્જરી માટે જનરલ સર્જરીના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની તપાસ અને નિદાન કરવામાં આવ્યું હતું.

દર્દીઓને યોગ્ય નિદાન મળી રહે તે માટે કેમ્પ સ્થળે જ આધુનિક એક્સ-રે મશીનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત દર્દીઓને પ્રાથમિક દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. આરોગ્ય સેવાઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચે અને જરૂરિયાતમંદ લોકોને સમયસર સારવાર મળી રહે તેવા હેતુથી આયોજિત આ કેમ્પને સારો પ્રતિસાદ મળ્યો હતો.

કેમ્પને સફળ બનાવવા વાંકાનેર શહેર તથા તાલુકાની વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓએ સહયોગ આપ્યો હતો. જેમાં શ્રી ગંગેશ્વર મહાદેવ મિત્ર મંડળ, શ્રી વેલનાથ મિત્ર મંડળ, યુવા સેવા સારથી સંગઠન, ભારત વિકાસ પરિષદ અને બોલબાલા ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

આ સેવાકાર્યમાં જોડાયેલા સ્વયંસેવકો અને વ્યવસ્થામાં સહયોગ આપનાર સેવાભાવીઓ માટે પ્રદેશ ભાજપ વ્યાપાર સેલના સભ્ય શૈલેષભાઈ ઠક્કર દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સેવા કાર્યમાં આપેલા યોગદાન બદલ વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા શૈલેષભાઈ ઠક્કરનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ કેમ્પમાં દર્દીઓની સેવા કરનાર નિષ્ણાત તબીબોને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કેમ્પના અંતે શ્રી ગઢીયા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા તમામ તબીબો, સહયોગી સંસ્થાઓ, સ્વયંસેવકો અને સેવાભાવીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. (અહેવાલ : અજય કાંજીયા)

RELATED ARTICLES

Most Popular

Recent Comments