વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે મોરબીમાં ભવ્ય આયોજન

મોરબી, તા. 06 ઓક્ટોબર, 2026: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં વિવિધ સેવાકીય અને જનસંપર્કલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ શ્રેણીના ભાગરૂપે મોરબીમાં આવતીકાલે તા. 7 ઓક્ટોબર, બુધવારે ‘સેવા જ્યોત પદયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાના 25 વર્ષ નિમિત્તે દેશભરમાં 13 વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબીમાં પણ કાર્યકરો અને નાગરિકોની વિશાળ ઉપસ્થિતિમાં સેવા જ્યોત પદયાત્રા યોજાશે.

કાર્યક્રમની શરૂઆત સવારે 9થી 9:30 કલાક દરમિયાન શનાળા પટેલવાડી ખાતે ભવ્ય લોકડાયરાથી થશે. જેમાં આશરે 10 હજારથી વધુ કાર્યકરો તથા નાગરિકો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે. ત્યારબાદ સવારે 9:30થી 10 વાગ્યા દરમિયાન બે પ્રમુખ વક્તાઓ દ્વારા ઉપસ્થિતોને માર્ગદર્શન આપવામાં આવશે.

સવારે 10 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઓનલાઈન માધ્યમથી સંબોધન યોજાશે. ત્યારબાદ સવારે 10:30 કલાકે સ્થાનિક સ્તરે ‘સેવા જ્યોત’ પ્રગટાવીને પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે.

શનાળા પટેલવાડીથી શરૂ થનારી આ સેવા જ્યોત પદયાત્રા ભક્તિનગર સર્કલ સુધી પહોંચશે. પદયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો તથા નાગરિકો જોડાઈને સેવાના સંકલ્પને જનજન સુધી પહોંચાડશે.

ભાજપ દ્વારા મોરબી જિલ્લાના તમામ કાર્યકરો તેમજ નાગરિકોને આ વિશાળ સેવા જ્યોત પદયાત્રામાં સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.




















