મોરબી સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ખગોળપ્રેમીઓને ઉલ્કાવર્ષા નિહાળવાની અપીલ, ૭થી ૧૦ ઓક્ટોબર દરમિયાન સક્રિય રહેશે ઉલ્કાવર્ષા, ૮ ઓક્ટોબરે મહત્તમ ઉલ્કાઓ જોવા મળશે

મોરબી, તા. ૬ ઓક્ટોબર, ૨૦૨૬: આકાશપ્રેમીઓ માટે આગામી ચાર દિવસ દરમિયાન અદભૂત ખગોળીય ઘટના નિહાળવાની તક છે. આજથી ૧૦ ઓક્ટોબર સુધી ડ્રેકોનીડ્સ ઉલ્કાવર્ષા સક્રિય રહેશે અને ૮ ઓક્ટોબરે તેની મહત્તમ ગતિવિધિ જોવા મળશે. સ્વચ્છ અને પ્રકાશ પ્રદૂષણથી દૂર આકાશમાં નરી આંખે આ ખગોળીય નજારો નિહાળી શકાશે. ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા રાજ્યના નાગરિકોને આ અવકાશી ઘટનાનો ખગોળીય આનંદ માણવા અપીલ કરવામાં આવી છે.

જાથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડયાના જણાવ્યા મુજબ, ડ્રેકોનીડ્સ ઉલ્કાવર્ષા ૭થી ૧૦ ઓક્ટોબર દરમિયાન સક્રિય રહેશે. ઉલ્કાવર્ષા દરમિયાન આકાશમાં તેજસ્વી લીસોટા અને અગનગોળા જેવા દ્રશ્યો જોવા મળી શકે છે. વહેલી સાંજ, મધ્યરાત્રિ બાદ તથા વહેલી પરોઢનો સમય ઉલ્કાવર્ષા નિહાળવા માટે અનુકૂળ ગણાય છે.

ડ્રેકોનીડ્સને ગિયાકોબિનિડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉલ્કાવર્ષા ધૂમકેતુ દ્વારા પાછળ છોડવામાં આવેલા ધૂળ અને નાના ખડકાળ કણોમાંથી સર્જાય છે. જ્યારે પૃથ્વી આવા કણોના પ્રવાહમાંથી પસાર થાય છે ત્યારે આ કણો પ્રચંડ ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે અને વાતાવરણના વાયુઓ સાથેના ઘર્ષણને કારણે સળગી ઉઠે છે. પરિણામે આકાશમાં પ્રકાશના તેજસ્વી લીસોટા જોવા મળે છે, જેને ઉલ્કાવર્ષા તરીકે ઓળખવામાં આવે છે.

ખગોળીય ઘટના નિહાળતી વખતે ધીરજ રાખવી જરૂરી છે. પ્રકાશ પ્રદૂષણથી દૂર આવેલા નિર્જન સ્થળેથી આકાશનું અવલોકન કરવાથી ઉલ્કાઓ વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ માટે દરિયાકિનારા, પર્વતીય વિસ્તાર અથવા શહેરની લાઇટોથી દૂરના ખુલ્લા સ્થળોની પસંદગી કરવામાં આવે છે. ઉલ્કાવર્ષા દરમિયાન થોડી જ સેકન્ડમાં આકાશમાં દિવાળીની આતશબાજી જેવા તેજસ્વી લીસોટા જોવા મળી શકે છે.

જાથા દ્વારા ગુજરાતના અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, વાવ-થરાદ, હિંમતનગર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, રાજપીપળા, ગોધરા, દાહોદ, પંચમહાલ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિત વિવિધ વિસ્તારોમાં ખગોળરસિકો માટે ઉલ્કાવર્ષા નિહાળવા અંગે જાગૃતિ અને માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતી ઉલ્કાઓ સામાન્ય રીતે પ્રકાશના સ્વરૂપે જોવા મળે છે. અવકાશી ઘટનાઓમાં સમય અને સ્થળ પ્રમાણે ફેરફાર થઈ શકે હોવાથી નિહાળનારાઓએ ધીરજ રાખવી જરૂરી છે. આવી ઘટના જીવનમાં એક વખત નિહાળવાનો લ્હાવો કાયમી સંભારણું બની શકે છે.

ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા બાળકો, વિદ્યાર્થીઓ, જિજ્ઞાસુઓ અને નાગરિકોમાં આકાશ તથા અવકાશ વિજ્ઞાન પ્રત્યે રસ વધે તે માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરીમાં ગુલાબસિંહ ચૌહાણ, રોમિત રાજદેવ, પ્રકાશ મનસુખભાઈ, રાજુભાઈ યાદવ, નિર્ભય જોશી, ભક્તિબેન રાજગોર, હર્ષાબેન પંડયા, ભાનુબેન શેઠીયા સહિતના કાર્યકરો જોડાયા છે.

રાજ્યમાં ડ્રેકોનીડ્સ ઉલ્કાવર્ષા અંગે વધુ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ પર સંપર્ક કરવા ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા જણાવાયું છે.


















