HomeAllમોરબીમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ સાથે ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ

મોરબીમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ સાથે ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ

‘સંકલ્પ પ્રતિજ્ઞા’ લઈ વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવાનો સૌએ સંકલ્પ કર્યો; રંગોળી સ્પર્ધાના વિજેતાઓનું સન્માન

માહિતી મોરબી, તા. ૦૭ ઓક્ટોબર, ૨૦૨૬: સમગ્ર દેશ અને રાજ્યની સાથે મોરબી જિલ્લામાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ની પૂર્ણાહુતિ પ્રસંગે સનાળા સ્થિત પટેલ સમાજવાડી ખાતે મોરબી જિલ્લા પ્રભારી તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અને ‘સેવા જ્યોતિ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ અને નાગરિકો વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાઈવ સંબોધન સાથે જોડાયા હતા. વડાપ્રધાનના પ્રેરણાદાયી સંદેશ બાદ મંત્રી ત્રિકમભાઈ છાંગા સહિત ઉપસ્થિત સૌએ દેશ અને સમાજના સર્વાંગી વિકાસ માટે ‘સંકલ્પ પ્રતિજ્ઞા’ લીધી હતી.

આ પ્રસંગે મંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતના મહાનુભાવોના હસ્તે રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહિત કરી તેમની સર્જનાત્મકતા અને ઉત્સાહને બિરદાવવામાં આવ્યો હતો.

ત્યારબાદ સનાળા સ્થિત પટેલ સમાજવાડી ખાતેથી ‘સેવા જ્યોતિ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મશાલ સાથે નીકળેલી આ યાત્રા ભક્તિનગર સર્કલ સુધી પહોંચી હતી. યાત્રા દરમિયાન મોરબીવાસીઓએ ઉત્સાહપૂર્વક જોડાઈ દેશભક્તિ અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને ઉજાગર કરી હતી.

‘સેવા સંકલ્પ અભિયાન’ના સમાપન પ્રસંગે યોજાયેલી આ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સેવા, સંકલ્પ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments