
મોરબી, તા. ૦૯ ઓક્ટોબર, ૨૦૨૬: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ–૨૦૨૬ અંતર્ગત મોરબી મહાનગરપાલિકા કક્ષા તથા મોરબી ગ્રામ્ય જિલ્લાકક્ષાની વિવિધ રમતગમત સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

આ સ્પર્ધાઓનું આયોજન તા. ૧૧ ઓક્ટોબરથી ૧૯ ઓક્ટોબર, ૨૦૨૬ તથા તા. ૨૭ નવેમ્બરથી ૦૬ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન કરવામાં આવશે. વિવિધ રમતોના સ્પર્ધાવાર કાર્યક્રમ, તારીખ અને સ્થળની વિગતવાર માહિતી ખેલ મહાકુંભની સત્તાવાર વેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in/competitionplace પરથી મેળવી શકાશે.

મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારી દ્વારા મોરબી શહેર તથા ગ્રામ્ય વિસ્તારની તમામ શાળાઓ અને કોલેજોના આચાર્યોને તેમના સંસ્થાના રમતગમત શિક્ષકો તેમજ નોંધાયેલા ખેલાડીઓ સુધી સ્પર્ધાની માહિતી પહોંચાડવા સૂચના આપવામાં આવી છે. સાથે જ ખેલાડીઓને નિર્ધારિત તારીખ અને સ્થળે સ્પર્ધામાં ભાગ લેવા માટે જરૂરી માર્ગદર્શન આપવા તથા કોઈપણ ખેલાડી સ્પર્ધામાં ભાગ લેવાની તકથી વંચિત ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

સ્પર્ધાના કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો સુધારેલી વિગતો સત્તાવાર વેબસાઇટ પર અપડેટ કરવામાં આવશે. આથી સ્પર્ધામાં ભાગ લેવા જતાં પહેલાં ખેલાડીઓએ સંબંધિત રમતના કન્વીનરનો સંપર્ક કરીને અથવા સત્તાવાર વેબસાઇટ પર કાર્યક્રમની ચકાસણી કરીને તારીખ અને સ્થળની ખાતરી કરી લેવી, તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.






















