HomeAllજિયો 6G માટે તૈયાર! કંપનીએ કહ્યું- 6G ટેક્નોલોજી અપનાવવામાં ભારત અગ્રણી દેશોમાં...

જિયો 6G માટે તૈયાર! કંપનીએ કહ્યું- 6G ટેક્નોલોજી અપનાવવામાં ભારત અગ્રણી દેશોમાં સ્થાન મેળવી શકે છે

નવી: દિલ્હી: ભારતની અગ્રણી ટેલિકોમ કંપની જિયો હવે 6G ટેક્નોલોજીના યુગમાં પ્રવેશવા સજ્જ થઈ રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, વર્ષ 2030માં 6Gનાં વૈશ્વિક ધોરણો નક્કી થયા બાદ આ અદ્યતન ટેક્નોલોજીનો પ્રારંભ કરનારા અગ્રણી દેશોમાં ભારત સ્થાન મેળવી શકે છે. જિયોએ 6G પૂર્વેની ટેક્નોલોજી આધારિત પોતાની ‘પ્રી-6G સ્ટેક’ સિસ્ટમ અને ‘ગીગા મીમો રેડિયો’ વિકસાવ્યાં છે. નવી દિલ્હીમાં ચાલી રહેલી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2026માં આ બન્ને અદ્યતન ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જિયોના જણાવ્યા અનુસાર, 6G નેટવર્કની ક્ષમતા હાલના 5G નેટવર્કની સરખામણીએ પાંચ ગણી વધુ ઝડપી બની શકે છે, જ્યારે નેટવર્કમાં વિલંબ (લેટન્સી) ઘટાડીને લગભગ દસમા ભાગનો કરવાનો લક્ષ્યાંક છે.

સરળ શબ્દોમાં કહીએ તો, 6G નેટવર્ક એકસાથે વધુ પ્રમાણમાં ડેટાની આપ-લે કરી શકવાની સાથે એકસમાન સમયમાં એકથી વધુ વપરાશકર્તાઓને વધુ ઝડપી સેવા આપી શકશે. એટલું જ નહીં, હાલની સરખામણીએ વધુ ઝડપથી કોઈ પણ આદેશનો પ્રતિસાદ પણ આપી શકશે. સાથે જ, 6Gમાં ડેટાની ઝડપમાં પણ નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. આ પ્રગતિથી રિયલ-ટાઇમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), હોલોગ્રાફિક વીડિયો, આરોગ્યસેવા, શિક્ષણ અને નવી પેઢીની અન્ય ડિજિટલ સેવાઓમાં નવી ઉપલબ્ધિઓના દ્વાર ખૂલી શકે છે.

‘ગીગા મીમો રેડિયો’ ટેક્નોલોજી, ભારતની પ્રથમ ટેક્નોલોજી : IMCમાં જિયોના પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ તેની ‘ગીગા મીમો રેડિયો’ ટેક્નોલોજી છે, જેને કંપની ભારતની પ્રથમ ટેક્નોલોજી ગણાવે છે. જિયોએ એક એવું સંયુક્ત બેઝબેન્ડ યુનિટ પણ રજૂ કર્યું છે, જે 5G અને 6G બંને ટેક્નોલોજીને સપોર્ટ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, 6Gની દિશામાં આગળ વધવાની સ્પર્ધા માત્ર નેટવર્કની વધુ ક્ષમતા કે ઝડપી પ્રતિસાદ સમય પૂરતી મર્યાદિત રહેતી નથી. તેમાં આગામી પેઢીની કનેક્ટિવિટીનું સ્વરૂપ નક્કી કરનારી ટેક્નોલોજી વિકસાવવામાં અને તેના વૈશ્વિક ધોરણો ઘડવામાં યોગદાન આપવું પણ એટલું જ મહત્વપૂર્ણ રહેશે.

જિયોના જણાવ્યા અનુસાર, કંપનીએ 6G સંબંધિત સેંકડો પેટન્ટ સહિત 8,000થી વધુ પેટન્ટ માટે અરજીઓ કરી છે. વૈશ્વિક ધોરણોના નિર્ધારણમાં પણ કંપનીએ 934થી વધુ યોગદાન આપ્યાં હોવાનો દાવો કર્યો છે.

6G ટેક્નોલોજીથી AI આધારિત સેવા વધુ ઝડપી બનશે : જિયોને અપેક્ષા છે કે 6G ટેક્નોલોજીથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સેવાઓ વધુ ઝડપી અને પ્રતિભાવશીલ બનશે. ખાસ કરીને, જ્યાં ત્વરિત માહિતી અને સચોટ જવાબો મેળવવા જરૂરી હોય તેવા સંજોગોમાં આ ટેક્નોલોજી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.IMCમાં જિયોએ ખેડૂતો, તબીબો અને વિદ્યાર્થીઓ માટે કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) આધારિત સેવાઓની પ્રતિબદ્ધતાઓ પણ રજૂ કરી હતી. આ ઉપરાંત, જિયો AI-આધારિત અને ક્વોન્ટમ ટેક્નોલોજી સામે વધુ સુરક્ષિત નેટવર્ક વિકસાવવાની દિશામાં પણ કામ કરી રહ્યું છે. આ પહેલનો હેતુ વધુ ઝડપી કનેક્ટિવિટી સાથે નેટવર્કની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો છે.

જિયાની 6G ક્ષેત્રે મહત્વાકાંક્ષા માત્ર મોબાઇલ નેટવર્કની આગામી પેઢી શરૂ કરવા પૂરતી મર્યાદિત નથી. કંપની હાર્ડવેર, સોફ્ટવેર, પેટન્ટ અને વૈશ્વિક ધોરણો એમ ચાર મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ સ્થાપિત કરવા માગે છે. મહત્વપૂર્ણ છે કે, જિયોએ પોતાની 6G પરિકલ્પનાને ‘ભારતનું 6G સાકાર થવાની દિશામાં’ અને ‘ભારતથી સમગ્ર વિશ્વ સુધી’ એમ બે મુખ્ય વિષયો દ્વારા રજૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments