મિલકતો, જાહેર સુવિધાઓ અને શહેરી સંપત્તિઓનો થશે સચોટ સર્વે, GUDM દ્વારા Amnex Infotechnologies Pvt. Ltd.ને કામગીરી સોંપાઈ

મોરબી, તા. 09 ઓક્ટોબર, 2026: મોરબી શહેરના સુઆયોજિત વિકાસ, આધુનિક શહેરી આયોજન અને ભવિષ્યની માળખાકીય સુવિધાઓના વધુ સારા આયોજનના હેતુથી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM), ગાંધીનગર દ્વારા ‘અર્બન એટલાસ પ્રોજેક્ટ’ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ડ્રોન સર્વે અને GIS (જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ) આધારિત સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટના માધ્યમથી મોરબી શહેરની મિલકતો, જાહેર ઉપયોગિતાઓ, વિવિધ શહેરી સંપત્તિઓ અને વર્તમાન પરિસ્થિતિ અંગેની ચોકસાઈપૂર્ણ ડિજિટલ માહિતી એકત્રિત કરવામાં આવશે. આ માહિતીના આધારે શહેરના વિકાસ માટે મજબૂત ડેટાબેઝ તૈયાર થશે, જે ભવિષ્યમાં શહેરી આયોજન, માળખાકીય સુવિધાઓના વિકાસ અને નાગરિકલક્ષી સેવાઓના આયોજનમાં ઉપયોગી બનશે.

પ્રોજેક્ટના અમલીકરણની જવાબદારી Amnex Infotechnologies Pvt. Ltd.ને સોંપવામાં આવી છે. કંપનીના અધિકૃત સર્વે કર્મચારીઓ અને ડ્રોન સર્વે ટીમ દ્વારા મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થળ પર જઈને સર્વેની કામગીરી કરવામાં આવશે. આ કામગીરી ટેક્નોલોજીના ઉપયોગથી શહેરની સંપત્તિઓ અને જાહેર સુવિધાઓની વ્યવસ્થિત માહિતી તૈયાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

મોરબી મહાનગરપાલિકાના નગર નિયોજક દ્વારા નાગરિકોને સર્વે કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. સર્વે દરમિયાન કર્મચારીઓ દ્વારા મિલકત સંબંધિત જરૂરી અને સામાન્ય માહિતી માંગવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં નાગરિકોએ સાચી માહિતી પૂરી પાડી સર્વેની કામગીરી સરળતાથી પૂર્ણ થાય તે માટે સહકાર આપવો જોઈએ.

તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સર્વે માટે આવતા અધિકૃત કર્મચારીઓ પાસે કંપની દ્વારા જારી કરાયેલ ઓળખપત્ર (ID Card) હશે. નાગરિકોને કર્મચારીઓની ઓળખ અંગે કોઈ શંકા હોય તો તેઓ ઓળખપત્રની ચકાસણી કરી શકે છે. નાગરિકોએ ઓળખની ખાતરી કર્યા બાદ જ જરૂરી માહિતી આપવી અને સાવચેતી સાથે સહકાર આપવો.

મોરબીના ભવિષ્યના વિકાસને વધુ સુવ્યવસ્થિત અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે હાથ ધરાયેલા આ પ્રોજેક્ટને સફળ બનાવવા મહાનગરપાલિકા દ્વારા તમામ નગરજનોને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.




















