
નવી: દિલ્હી: કલ્પના કરો કે દુકાનમાં ખરીદી કર્યા બાદ ખિસ્સામાંથી મોબાઇલ ફોન કાઢ્યા વિના જ તમે ચૂકવણી કરી શકો! માત્ર QR કોડ સામે જોઈ વૉઇસ કમાન્ડ આપો અને પળવારમાં તમારી ચૂકવણી પૂર્ણ થઈ જાય! ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ-2026માં જિયોએ પ્રદર્શિત કરેલાં ભવિષ્યલક્ષી ઉત્પાદનોમાં કૅમેરા ચશ્માં, ઑડિયો ચશ્માં અને ઇયરફોન્સ સહિતનાં વ્યક્તિગત AI વેરેબલ્સની વિવિધ શ્રેણી રજૂ કરી હતી. અહીં આ ઉપકરણોમાં રહેલી QR કોડ સ્કૅન કરીને ચૂકવણી કરવાની ‘સ્કૅન એન્ડ પે’ સુવિધાથી લઈ AI વૉઇસ આસિસ્ટન્ટ, વિવિધ ભારતીય ભાષાઓ માટે સપોર્ટ, લાઇવ ભાષાંતર, AI આધારિત નોંધ તૈયાર કરવા તથા લાઇવ ક્રિકેટ કોમેન્ટરી જેવી અદ્યતન સુવિધાઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.

આ ચશ્માંની સૌથી વિશિષ્ટ સુવિધા ‘સ્કૅન એન્ડ પે’ રહેશે. આ કૅમેરા ચશ્માં UPI QR કોડ સ્કૅન કરી શકશે, જેથી વપરાશકર્તાના માત્ર વૉઇસ કમાન્ડ બાદ ચશ્માં આપમેળે ચૂકવણીની પ્રક્રિયા શરૂ કરશે અને વપરાશકર્તાની પુષ્ટિ મળતાં જ તુરંત ચૂકવણી કરી દેશે. UPI સર્કલની સુવિધા હેઠળ વપરાશકર્તાઓ એક વ્યવહારમાં મહતમ રૂ.5,000 સુધીની ચૂકવણી કરી શકશે જયારે માસિક ચૂકવણીની મહતમ મર્યાદા રૂ.15,000 સુધીની નિર્ધારિત કરવામાં આવી છે. આ મર્યાદા જિયોએ નહીં, પરંતુ UPI સર્કલના નિયમો હેઠળ નિર્ધારિત કરવામાં આવી છે. તે અત્રે ઉલ્લેખનીય છે.

વધુમાં,દુકાનમાં ખરીદી કરતી વખતે આ સુવિધા વપરાશકર્તાનો સમય બચાવવાની સાથે ચૂકવણીની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવશે, તેનો અંદાજ માત્ર લગાવીએ તો હવે ખિસ્સામાંથી મોબાઇલ ફોન કાઢવાની, તેને અનલૉક કરવાની, પેમેન્ટ ઍપ ખોલવાની અને QR કોડ સ્કૅન કરવાની જરૂર નહીં રહે. અહીં હવે AI માત્ર પ્રશ્નોના જવાબ આપતું સહાયક સાધન પુરતું સિમિત ન રહેતા રોજિંદા વ્યવહારોને વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનાવતી ટેક્નોલોજી તરીકે ઉભરી આવશે. જિયો વૉઇસ આધારિત સંવાદો દ્વારા AIને સ્ક્રીન અને કીબોર્ડની મર્યાદામાંથી બહાર લાવી રોજિંદા જીવનની વધુ નજીક લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેના ભાગરૂપે આ ટેક્નોલોજી વપરાશકર્તાના આદેશ અનુસાર જ કાર્ય કરશે. તે પણ અત્રે નોંધનિય છે.

જિયોના AI ચશ્માંની બીજી મહત્વની સુવિધા લાઇવ ભાષાંતરની રહેશે. પહેરી શકાય તેવાં આ પ્રકારના ઉપકરણોની મદદથી અલગ-અલગ ભારતીય ભાષાઓ બોલતી બે વ્યક્તિઓ એકબીજાની વાત સમજી શકશે. જેમાં એક વ્યક્તિ પોતાની ભાષામાં વાત કરશે, જ્યારે બીજી વ્યક્તિ પોતાની ભાષામાં જવાબ આપશે ત્યારે AI બન્ને વચ્ચે અનુવાદક (ટ્રાન્સલેટર) તરીકેની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત, AI આધારિત નોટ-ટેકિંગની સુવિધા એટલે કે, મીટિંગ દરમિયાન થયેલી ચર્ચાના મહત્વપૂર્ણ મુદ્દાઓ નોંધવામાં પણ મદદરૂપ થશે. જ્યારે ક્રિકેટપ્રેમીઓને મુસાફરી દરમિયાન પણ લાઇવ ક્રિકેટ કોમેન્ટરીની સુવિધા સહિત મેચની દરેક મહત્વપૂર્ણ ક્ષણથી પળેપળ માહિતગાર રાખશે.

ઑફિસની મીટિંગ હોય કે ક્રિકેટના મેદાનની રોમાંચક પળો, વારંવાર મોબાઇલ ફોન તપાસવાની જરૂરિયાત ઘટાડીને દૈનિક જીવનને વધુ સરળ અને સુવિધાજનક બનાવવું એ જ આ ટેક્નોલોજી પાછળનો મુખ્ય સ્પષ્ટ ઉદ્દેશ છે. જિયોના જણાવ્યા અનુસાર, આ વેરેબલ્સને ઉત્પાદકતા વધારવા, જ્ઞાનની પહોંચ વિસ્તૃત કરવા અને AIની મદદથી રોજિંદાં કાર્યોને વધુ સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યાં છે. તેમાં વૉઇસ કમાન્ડ અને ભારતીય ભાષાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી વપરાશકર્તાઓ પોતાની પસંદગીની ભાષામાં AI અને ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરી શકે. જિયો દ્વારા પ્રદર્શિત આ ટેક્નોલોજી ભવિષ્યમાં વેરેબલ ઉપકરણો કેવું સ્વરૂપ ધારણ કરી શકે, તેની ઝલક આપે છે. સ્માર્ટ ચશ્માં નવી ટેક્નોલોજી નથી, પરંતુ UPI પેમેન્ટ, વિવિધ ભારતીય ભાષાઓ માટે સપોર્ટ, લાઇવ ભાષાંતર, AI આધારિત નોંધ તૈયાર કરવાની સુવિધાથી લઈ લાઇવ ક્રિકેટ કોમેન્ટરી જેવી વિશેષતાઓ આ ટેક્નોલોજીને ભારતીય વપરાશકર્તાઓની રોજિંદી જરૂરિયાતોની વધુ નજીક લાવશે તે હકિકત છે.





















