
મોરબી: મોરબીના સાનિધ્ય પાર્કના સાર્વજનિક પ્લોટમાં આયોજિત નવરાત્રી મહોત્સવ દરમિયાન મોરબી ચાઇલ્ડ વેલ્ફેર કમિટીનાં સભ્યશ્રી પિયુતાબેન પટેલ દ્વારા દીકરીઓને ભેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી. નવરાત્રી માત્ર માતાજીની આરાધનાનો પર્વ નથી, પરંતુ નારીશક્તિના સન્માન, દીકરીઓના ગૌરવ અને માનવતાના મૂલ્યોને આત્મસાત કરવાનો પવિત્ર અવસર પણ છે. આ ભાવનાને સાકાર કરતાં આયોજિત નવરાત્રી મહોત્સવમાં દીકરીઓને ભેટ આપી તેમના પ્રત્યે સ્નેહ, સન્માન અને પ્રોત્સાહનની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે દીકરીઓના શિક્ષણ, સુરક્ષા, સમાનતા અને સર્વાંગી વિકાસના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

દીકરીઓને સન્માનિત કરવાનો આ પ્રયાસ સમાજમાં દીકરીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવા તથા નારીશક્તિના ગૌરવને વધુ મજબૂત બનાવવાની દિશામાં પ્રેરણાદાયી બન્યો હતો. નવરાત્રીના પાવન પર્વે ભક્તિ સાથે માનવતા, સંવેદના અને સામાજિક જવાબદારીનો સંદેશ આપતા આ કાર્યક્રમની ઉપસ્થિતોએ સરાહના કરી હતી.

























