અરજદારોની અરજીઓનો કાયદાકીય જોગવાઈઓ મુજબ સમયમર્યાદામાં નિકાલ કરવા અધિકારીઓને સૂચના

૨૭-૧૦-૨૦૨૬: મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ તાજેતરમાં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરીની આકસ્મિક મુલાકાત લઈને કચેરીની વહીવટી કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે વિવિધ રજિસ્ટરોની જાતચકાસણી કરી કામગીરીની પારદર્શિતા, નિયમિતતા અને કાર્યક્ષમતાનું નિરીક્ષણ કર્યું હતું.

મુલાકાત દરમિયાન જિલ્લા રજિસ્ટ્રાર ડૉ. બિમલકુમાર પટેલે કલેક્ટરને કચેરી દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ કામગીરીઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કલેક્ટરે ઈ-સરકારની કામગીરી ઉપરાંત સહકારી મંડળીઓની નોંધણી, ઓડિટ અને ઇન્સ્પેક્શન સહિતની પ્રક્રિયાઓની સમીક્ષા કરી હતી.

કલેક્ટરે કચેરીના આવક-જાવક રજિસ્ટર, નોંધણી રજિસ્ટર અને યોજનાકીય રજિસ્ટર સહિતના દસ્તાવેજોની ચકાસણી કરી હતી. તેમણે કચેરીની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરીને વહીવટી પ્રક્રિયાઓ નિયમોનુસાર અને સુવ્યવસ્થિત રીતે હાથ ધરાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કચેરીમાં વિવિધ કામો માટે આવતા અરજદારોને સરળતાથી અને સમયસર સેવાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. નાગરિકોની અરજીઓનો સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અનુસાર યોગ્ય રીતે અને નિયત સમયમર્યાદામાં નિકાલ થાય તે માટે જરૂરી તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.























