HomeAllમોરબી જિલ્લામાં ‘સિનિયર સિટીઝન સ્પર્ધા ૨૦૨૬-૨૭’નું આયોજન, ૬૦ વર્ષથી વધુ વયના વડીલોને...

મોરબી જિલ્લામાં ‘સિનિયર સિટીઝન સ્પર્ધા ૨૦૨૬-૨૭’નું આયોજન, ૬૦ વર્ષથી વધુ વયના વડીલોને રમતગમતમાં ભાગ લેવાની તક

શૂટિંગ, યોગાસન, ચેસ, કેરમ અને એથ્લેટિક્સ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાશે, અરજી કરવાની છેલ્લી તારીખ ૨૦ નવેમ્બર

માહિતી મોરબી, ૨૬ ઓક્ટોબર, ૨૦૨૬: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, મોરબી દ્વારા સંચાલિત ‘મોરબી સિનિયર સિટીઝન સ્પર્ધા ૨૦૨૬-૨૭’નું આયોજન કરવામાં આવનાર છે. વડીલોમાં શારીરિક સક્ષમતા, સ્વાસ્થ્ય જાગૃતિ અને રમતગમત પ્રત્યેનો ઉત્સાહ જળવાઈ રહે તેવા હેતુથી યોજાનારી આ સ્પર્ધામાં ૬૦ વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝનો ભાગ લઈ શકશે. સ્પર્ધા માટેની વયમર્યાદા નક્કી કરવાની કટ-ઓફ તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ રાખવામાં આવી છે.

આ સ્પર્ધા અંતર્ગત શૂટિંગ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ અને રસ્સા ખેંચ જેવી રમતોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત એથ્લેટિક્સ વિભાગમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર, ૮૦૦ મીટર અને ૧૫૦૦ મીટરની દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળાફેંક, ચક્રફેંક અને બરછીફેંક જેવી સ્પર્ધાઓ યોજાશે. સાથે બહેનો માટે ૩ કિલોમીટર અને ભાઈઓ માટે ૫ કિલોમીટરની ઝડપચાલ સ્પર્ધા પણ યોજાશે. એથ્લેટિક્સમાં દરેક ખેલાડી કોઈપણ ત્રણ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.

સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સિનિયર સિટીઝનોએ અરજી ફોર્મ સાથે જન્મતારીખનો પુરાવો અને શારીરિક યોગ્યતા દર્શાવતું ડૉક્ટરનું મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અરજી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૦ નવેમ્બર, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે.

ઇચ્છુક સ્પર્ધકોએ જરૂરી આધાર-પુરાવા સાથે પોતાનાં અરજી ફોર્મ SAG જિલ્લા રમત સંકુલ, OSEM CBSE સ્કૂલની સામે, મોરબી-રાજકોટ હાઈવે, શક્ત શનાળા, મોરબી ખાતે જમા કરાવવાનાં રહેશે.

મોરબી જિલ્લાના વધુમાં વધુ પાત્ર સિનિયર સિટીઝનો આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રમતગમત દ્વારા સ્વાસ્થ્ય અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપે તે માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments