મહંતસ્વામી મહારાજની નિશ્રામાં છ દિવસ સુધી સત્સંગ, પારાયણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

27-10-2026: મોરબીના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં આવતીકાલે, બુધવારથી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીનો પ્રારંભ થશે. 28 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી આયોજિત આ મહોત્સવ દરમિયાન દરરોજ પ્રાતઃપૂજા દર્શન, સત્સંગ સભા, પારાયણ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. મહંતસ્વામી મહારાજના મોરબી ખાતેના 15 દિવસના રોકાણ દરમિયાન આયોજિત આ કાર્યક્રમો ભક્તો માટે આધ્યાત્મિક ઉન્નતિ અને સત્સંગનો વિશેષ અવસર બની રહેશે.

મહોત્સવ દરમિયાન દરરોજ સવારે 6થી 8 વાગ્યા સુધી મહંતસ્વામી મહારાજનાં પ્રાતઃપૂજા દર્શનનો લાભ મળશે, જ્યારે સાંજે 5થી 8 વાગ્યા દરમિયાન સત્સંગ સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં વિવિધ આધ્યાત્મિક વિષયો સાથે જીવનમૂલ્યો, સંસ્કાર અને સામાજિક એકતાનો સંદેશ આપવામાં આવશે.

28 ઓક્ટોબર, બુધવારના રોજ સાંજે 5થી 8 વાગ્યા દરમિયાન પૂજ્ય વિવેકસાગર સ્વામીની ઉપસ્થિતિમાં પારાયણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ દિવસની ઉજવણી ‘સંયમ દિન’ એટલે કે ‘યુવા દિન’ તરીકે કરવામાં આવશે. 29 અને 30 ઓક્ટોબરના રોજ પણ સાંજે પારાયણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

31 ઓક્ટોબર, શનિવારના રોજ ‘સુહૃદભાવ દિન’ એટલે કે ‘પારિવારિક એકતા દિન’ની ઉજવણી થશે. જ્યારે 1 નવેમ્બર, રવિવારના રોજ ‘સત્સંગ દિન’ નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત 2 નવેમ્બર, સોમવારના રોજ બહેનો માટે સાંજે 4થી 7 વાગ્યા સુધી ‘વિરાટ મહિલા સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે.

મહંતસ્વામી મહારાજ 4 નવેમ્બર, બુધવારના રોજ મોરબીથી ગોંડલ જવા માટે વિદાય લેશે. આ સમગ્ર આયોજનના ભાગરૂપે મોરબીના ભક્તો અને નગરજનોને સંતોના સાંનિધ્યમાં સત્સંગ તથા વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવાની તક મળશે.

BAPS સત્સંગ મંડળ, મોરબી વતી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, પૂજ્ય આત્મકીર્તિ સ્વામી અને પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી સહિત સંતમંડળે મોરબીના તમામ નગરજનોને પરિવારજનો અને મિત્રવર્તુળ સાથે આ મહોત્સવમાં ઉપસ્થિત રહી આધ્યાત્મિક લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.





















