
કેરાળી: ગામના ગ્રાહકના ઘરે લગાવેલા સોલારમાં ખામી હોવા છતાં કંપની ધ્યાન ન આપતા અદાલતે ખામી દૂર કરી 5000 રૂપિયાનો ખર્ચ ચૂકવવા આદેશ કર્યો

મોરબી તાલુકાના કેરાળી ગામના એક ગ્રાહકે પોતાના ઘરે લગાવેલા સોલાર સિસ્ટમમાં ખામી સર્જાવા છતાં કંપની દ્વારા કોઈ ધ્યાન ન અપાતા છેવટે ગ્રાહક અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. આ કેસમાં મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની મદદથી ગ્રાહક અદાલતે સોલાર કંપનીને સેવામાં ખામી બદલ સિસ્ટમ રીપેર કરી આપવા અને ગ્રાહકને ખર્ચ પેટે 5000 રૂપિયા ચૂકવવા હુકમ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકાના કેરાળી ગામના વતની લાખાભાઈ આલાભાઈ ચાવડાએ ચાંચાવદરડા ખાતે આવેલી ન્યાલકરણ એનર્જી એલ. એલ. પી.

નામની કંપની પાસેથી પોતાના ઘરે સોલાર સિસ્ટમ લગાવી હતી. ત્યારબાદ સોલારમાં લાઈટના પ્રશ્નો ઉભા થતા અને ઇન્વર્ટરના કારણે વારંવાર પ્રોબ્લેમ આવતા ગ્રાહકે કંપનીને અવારનવાર જાણ કરી હતી. તેમ છતાં, કંપનીએ ગ્રાહકની ફરિયાદ પ્રત્યે કોઈ ધ્યાન આપ્યું ન હતું. આખરે ન્યાય મેળવવા માટે લાખાભાઈ ચાવડાએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી રામભાઈ મહેતાનો સંપર્ક કર્યો હતો. રામભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ગ્રાહક અદાલતમાં સોલાર કંપની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ કેસની સુનાવણી દરમિયાન ગ્રાહક અદાલતે કંપનીની સેવામાં ખામી હોવાનું નોંધીને કંપનીને આદેશ કર્યો છે કે, ગ્રાહકને સંતોષ થાય તે રીતે સોલાર સિસ્ટમના ઇન્વર્ટર તથા અન્ય ખામીઓ દૂર કરી આપવી અને સિસ્ટમ વ્યવસ્થિત ચાલે તેમ કરી આપવું. આ ઉપરાંત, ગ્રાહકને થયેલી હેરાનગતિ અને કેસના ખર્ચ પેટે કંપનીએ 5000 રૂપિયા ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો કોઈ ગ્રાહકને અન્યાય થાય તો તેઓ મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા, ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા અથવા મંત્રી રામભાઈ મહેતાનો સંપર્ક કરી શકે છે.























