
મોરબી: તાલુકાના શક્ત શનાળા ગામે આવેલા શક્તિ માતાજીના મંદિરે શરદ પૂર્ણિમાના પાવન અવસરે આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પરંપરાગત હવન-યજ્ઞ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૩૭ વર્ષથી અવિરત જળવાઈ રહેલી આ ધાર્મિક પરંપરાના ૩૮મા વર્ષના આયોજનમાં મોરબી અને ટંકારા તાલુકામાં વસતા ઝાલા રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના મહારાજા કેશરિદેવસિંહ ઝાલા સહિતના રાજકીય, સામાજિક આગેવાનો અને સંતો-મહંતોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્ત્વ આપ્યું હતું.

કાર્યક્રમનો પ્રારંભ સવારે ૮ વાગ્યે હવન-યજ્ઞ સાથે થયો હતો, જેની પૂર્ણાહુતિ બપોરે ૧૨:૩૦ વાગ્યે કરવામાં આવી હતી. યજ્ઞમાં સનાળા ગામના શક્તિસિંહ જશુભા ઝાલા, અદેપર ગામના બ્રિજરાજસિંહ ગુમાનસિંહ ઝાલા અને મોડપર ગામના ગજેન્દ્રસિંહ અણદુભા ઝાલાના પરિવારોએ યજમાન તરીકે બેસીને ધાર્મિક વિધિમાં આહુતિ અર્પણ કરી હતી. ધાર્મિક વિધિ બાદ સન્માન સમારોહ યોજાયો હતો.

સન્માન સમારોહમાં અધ્યક્ષસ્થાને રાજ્યસભાના સાંસદ કેશરિદેવસિંહ ઝાલા રહ્યા હતા. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ જયુભા જાડેજા (જયદીપ કંપની), મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ દશરથસિંહ ઝાલા અને રઘુવીરસિંહ ઝાલા, ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ રુદ્રસિંહજી ઝાલા, ગુજરાત રાજપૂત સંકલન સમિતિની મહિલા પાંખનાં પ્રમુખ ચેતનાબા જાડેજા, રંગપરના સરપંચ મેઘરાજસિંહ એન. ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શક્તિ માતાજીના મંદિરના મહંત સહિત સંતો-મહંતોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ પ્રસંગે સાંસદ કેશરિદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મોરબી અને ટંકારા તાલુકાના ઝાલા રાજપૂત સમાજ દ્વારા છેલ્લા ૩૭ વર્ષથી હવન-યજ્ઞની પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ આયોજન ધાર્મિક આસ્થા સાથે સમાજના લોકોને એક મંચ પર લાવી પરસ્પર મિલન અને એકતાને પ્રોત્સાહન આપે છે. માતાજીના આશીર્વાદથી સમાજમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને એકતા જળવાઈ રહે તેવી ભાવના સાથે આ પરંપરા સતત આગળ વધી રહી છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, રામસિંહ અલ્યાજી ઝાલા અને મહામંત્રી દિવ્યરાજસિંહ જગુભા ઝાલા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






















