રત્નકલા ગ્રાઉન્ડ ખાતે સખી મંડળની બહેનોની હસ્તકલાની ચીજવસ્તુઓનું થશે વેચાણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગા પ્રસ્તુતિ, મેજિક શો અને લોકડાયરો બનશે મુખ્ય આકર્ષણ

૨૭-૧૦-૨૦૨૬: મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને ‘લોકલ ફોર વોકલ’ના સંદેશને જનજન સુધી પહોંચાડવાના આશયથી ‘સર્જનથી સમૃદ્ધિ’ થીમ સાથે આગામી તા. ૨૮ ઓક્ટોબરથી મોરબીમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના સ્કાય મોલની બાજુમાં આવેલા રત્નકલા ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ મેળામાં સ્થાનિક કારીગરો અને સ્વસહાય જૂથોની બહેનોને પોતાની કળા અને ઉત્પાદનો રજૂ કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.

મેળામાં સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ હસ્તકલાની કૃતિઓ અને સ્થાનિક ઉત્પાદનોના વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલથી સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન મળવાની સાથે તેમની આવક વધારવા અને સ્વદેશી ચીજવસ્તુઓ પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો હેતુ પણ સિદ્ધ થશે.

સ્વદેશી મેળાને વધુ આકર્ષક બનાવવા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગા થીમ આધારિત પ્રસ્તુતિઓ, મનોરંજક મેજિક શો, લોકડાયરો તેમજ સ્વચ્છતા અને જનજાગૃતિને લગતાં નાટકોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો દ્વારા નાગરિકોને મનોરંજનની સાથે સામાજિક જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સ્વદેશી મેળાની મુલાકાત લેવા, સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરી સ્વદેશીને પ્રોત્સાહન આપવા તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.























