HomeAllમોરબીમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધા...

મોરબીમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધા યોજાઈ

નવી શિક્ષણ નીતિ, સર્જનાત્મકતા અને કૌશલ્યલક્ષી શિક્ષણ યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા સક્ષમ બનાવે છે – રિવાબા જાડેજા

મોરબી: તા. 03-10-2026, ‘સેવા સંકલ્પ અભિયાન 2026-27’ અંતર્ગત ‘શિક્ષિત બનો, આગળ વધો, સશક્ત બનો’ના પ્રેરણાદાયી સંદેશ સાથે મોરબી જિલ્લાના ધરમપુર સ્થિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને વક્તૃત્વ કૌશલ્યને પ્રોત્સાહન આપવાનો હતો.

આ સ્પર્ધામાં ત્રણેય વિભાગોમાં અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતા વિદ્યાર્થીઓને રાજ્યમંત્રી રિવાબા જાડેજા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો અને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પ્રેરણાદાયી ઉદ્બોધન કરતાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ કાર્યક્રમના સફળ આયોજન બદલ મોરબી જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને વાઇબ્રન્ટ ગુજરાત જેવા પ્રકલ્પો દ્વારા ગુજરાત ‘વિકસિત ભારત’ના નિર્માણમાં અગ્રેસર બની રહ્યું છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ માત્ર અક્ષરજ્ઞાન પૂરતું મર્યાદિત નથી, પરંતુ સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજવાની ક્ષમતા કેળવે તે જ સાચું શિક્ષણ છે. નવી શિક્ષણ નીતિ દ્વારા બાળકોમાં કૌશલ્ય, જીવનમૂલ્યો અને સર્જનાત્મક શક્તિનો વિકાસ થઈ રહ્યો છે. તેના પરિણામે યુવાનો વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે. આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત પ્રતિભાને ઉજાગર કરવાની સાથે તેમને દેશની વિકાસયાત્રામાં સહભાગી બનવા માટે પ્રેરણા પૂરી પાડે છે.

કાર્યક્રમમાં મોરબીના મેયર ઉત્તમ સુરાણી, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ ઘરચર, શિક્ષણ સમિતિના ચેરમેન રિંકલબેન અઘેરા, કારોબારી સમિતિના ચેરમેન મનીષભાઈ કાંજીયા, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ, અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments