
નવી: દિલ્હી : દિવાળીના ઉત્સવ વચ્ચે ભારતીય બજારોમાં ચીની વસ્તુઓના પ્રભુત્વ અને “મેડ ઇન ઇન્ડિયા” ના પ્રચાર પર ચીનની સરકારના અધિકૃત મુખપત્ર ‘ગ્લોબલ ટાઇમ્સે’ એક સનસનાટીભર્યું અને તીખું ટિપ્પણીજનક નિવેદન આપ્યું છે. ગ્લોબલ ટાઇમ્સે ભારતીય ગ્રાહકોની ખરીદી પ્રક્રિયા પર કટાક્ષ કરતાં જણાવ્યું છે કે ગ્રાહકો માત્ર ‘દેશભક્તિ’ના નારાથી આકર્ષાતા નથી, પરંતુ તેઓ કિંમત, વિવિધતા અને સમયસર ડિલિવરી જેવા વ્યાવસાયિક પરિબળોને પ્રાધાન્ય આપે છે. દિવાળી પર ભારતીય બજારોમાં ચીનની સુશોભન લાઈટો અને એલઈડી સ્ટ્રિંગ્સની ભારે માંગ વચ્ચે ચીની મીડિયાનો આ દાવો ભારતીય નીતિઓ અને સ્વદેશી આંદોલન સામે સીધો પડકાર ફેંકી રહ્યો છે.

વર્તમાન નાણાકીય વર્ષ 2025-26 ના આંકડા દર્શાવે છે કે ભારત અને ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર $151 બિલિયન પર પહોંચી ગયો છે, પરંતુ તેમાં ભારતની વેપાર ખાધ રેકોર્ડબ્રેક $112 બિલિયનની આસપાસ રહી છે. ચીનથી ભારતની આયાત $131 બિલિયનને વટાવી ગઈ છે, જ્યારે ભારતની નિકાસ માત્ર $19.47 બિલિયન પૂરતી સીમિત રહી છે. આ પરિસ્થિતિ અંગે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે “ચીની સામાનનો ત્યાગ કરવાનો નિર્ણય પ્રજાના હૃદયમાંથી આવવો જોઈએ, તેને કાયદાથી લાદી શકાય નહીં.” તેમણે જાપાન અને દક્ષિણ કોરિયાનું ઉદાહરણ આપતાં રાષ્ટ્રીય ભાવના કેળવવા પર ભાર મૂક્યો હતો.

બજારના જમીની વાસ્તવિકતા અનુસાર, 10-મીટરની ચીની એલઈડી લાઈટ ભારતમાં ₹100 માં મળે છે, જ્યારે તેની સરખામણીએ ભારતીય ઉત્પાદનની કિંમત તાંબાના વપરાશ અને ઉત્પાદન ખર્ચને કારણે લગભગ બમણી હોય છે. ગ્લોબલ ટાઇમ્સે ભારતીય ઉદ્યોગોને સલાહ આપી છે કે આયાત એ અર્થતંત્રની દુશ્મન નથી પરંતુ ગ્રાહકો અને વિતરકોનો ખર્ચ ઘટાડવાનું સાધન છે. એક તરફ કેઇટ (CAIT) જેવા ભારતીય સંગઠનો સ્વદેશી વસ્તુઓના વેચાણમાં વધારાનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ સસ્તા ભાવ અને વિવિધતાને કારણે ચીની ઉત્પાદનો ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર પોતાનો પ્રભાવ જાળવી રાખવામાં સફળ રહ્યા છે.
























