13 વર્ષથી સેવાકાર્યમાં સમર્પિત નિર્મલરાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોની સેવા સાથે ‘પ્રોજેક્ટ મુસ્કાન’ અંતર્ગત બહેનો-દીકરીઓના સ્વાસ્થ્ય અને સન્માનની પણ વિશેષ કાળજી

મોરબી : “ચાલો સાથે મળી કોઈના સ્મિતનું કારણ બનીએ…” આ પવિત્ર મંત્રને જીવનનો ધ્યેય બનાવી છેલ્લા 13 વર્ષથી માનવસેવાના ક્ષેત્રે અવિરત કાર્યરત મેંગોપીપલ પરિવાર (નિર્મલરાજ ચેરિટેબલ ટ્રસ્ટ) દ્વારા મોરબીમાં પણ સેવાકાર્યોની સુવાસ ફેલાવવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા તાજેતરમાં એક વયોવૃદ્ધ માતાની મુશ્કેલીને સમજી તેમને વ્હીલચેર અર્પણ કરી માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું હતું.

મોરબીમાં સંસ્થાના પરમ શુભચિંતક જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ આ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. પથારીવશ રહેલા વયોવૃદ્ધ માતૃશ્રીને વ્હીલચેર અર્પણ કરવામાં આવતા તેમના ચહેરા પર રાહત અને આનંદની લાગણી જોવા મળી હતી. માતાને વ્હીલચેર પર બેસાડવામાં આવતા તેમના પુત્રની આંખો પણ લાગણીથી ભીની થઈ ગઈ હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મનીષભાઈ રાઠોડ દ્વારા પુત્રને સાંત્વના પાઠવી માતાની વધુમાં વધુ સેવા-ચાકરી કરવા પ્રેરણા આપવામાં આવી હતી. “માતા એ જ ઈશ્વરનું સાચું સ્વરૂપ છે” એવો ભાવ વ્યક્ત કરી માતૃસેવાને જીવનની સર્વોચ્ચ ફરજ ગણાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, મેંગોપીપલ પરિવાર છેલ્લા 13 વર્ષથી ઝૂંપડપટ્ટી અને સ્લમ વિસ્તારોમાં વસતા બાળકોને નિઃશુલ્ક શિક્ષણ, પૌષ્ટિક આહાર અને ઉત્તમ સંસ્કારો પ્રદાન કરી તેમના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. સંસ્થા દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ સાથે સમાજના જરૂરિયાતમંદ વર્ગો સુધી માનવતાની સેવા પહોંચાડવામાં આવી રહી છે.

આ ઉપરાંત, સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલા ‘પ્રોજેક્ટ મુસ્કાન’ અંતર્ગત છેલ્લા 9 વર્ષથી મોરબી, રાજકોટ, જામનગર અને વાંકાનેર સહિતના વિસ્તારોમાં જરૂરિયાતમંદ બહેનો અને દીકરીઓને આરોગ્ય અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. દર મહિને નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરી તેમના સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને સન્માનની જાળવણી માટે સંસ્થા દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે.

સમાજમાં માનવતા, કરુણા અને સેવાભાવના મૂલ્યોને જીવંત રાખતા મેંગોપીપલ પરિવારના આ સેવાકાર્યો અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે. સંસ્થાના માનવતાવાદી સેવાયજ્ઞમાં સહભાગી બનવા, વધુ માહિતી મેળવવા અથવા સહયોગ આપવા ઇચ્છુક લોકો સંસ્થાના પ્રમુખ મનીષભાઈ રાઠોડ (મો. 9276007786) નો સંપર્ક કરી શકે છે. “ચાલો સાથે મળી કોઈના સ્મિતનું કારણ બનીએ…”






















