મોરબીમાં નજરબાગ રેલવે ફાટકથી ભડિયાદ સુધી રૂ. ૪ કરોડના ખર્ચે સીસી રોડનું નિર્માણ શરૂ

મોરબીમાં નજરબાગ રેલવે ફાટકથી ભડિયાદ સુધી સીસી રોડના નિર્માણ કાર્યના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત લોકો

બે વર્ષથી બિસ્માર માર્ગ અને ધૂળની ડમરીઓથી પરેશાન ૧૫ હજારથી વધુ રહીશોને મળશે રાહત, ૨,૨૦૦ મીટર લાંબો રોડ ૪ થી ૫ મહિનામાં તૈયાર કરાશે

મોરબી: ૨૬ નવેમ્બર, મોરબીના નજરબાગ રેલવે ફાટકથી ભડિયાદ ગામ સુધીના લાંબા સમયથી બિસ્માર બનેલા માર્ગના નવનિર્માણની કામગીરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. અંદાજે રૂ. ૪ કરોડના ખર્ચે તૈયાર થનારા આ સીસી રોડને પગલે છેલ્લા બે વર્ષથી ખાડાઓ અને ધૂળની ડમરીઓની સમસ્યાનો સામનો કરી રહેલા ૧૫ હજારથી વધુ સ્થાનિક રહીશોને મોટી રાહત મળશે. અગાઉ આ માર્ગ માટે ડામર રોડ મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ મુખ્યમંત્રીના આદેશ અનુસાર ડામર રોડની મંજૂરી રદ કરી વધુ ટકાઉ એવા સીસી રોડના નિર્માણને મંજૂરી આપવામાં આવી હતી.

આ માર્ગના કામનું ખાતમુહૂર્ત અગાઉ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે સ્થાનિક પદાધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થળ પર વાસ્તવિક કામગીરી શરૂ કરવામાં આવી છે. નજરબાગ રેલવે ફાટકથી ભડિયાદ ગામ સુધી કુલ ૨,૨૦૦ મીટરની લંબાઈમાં આ સીસી રોડનું નિર્માણ કરવામાં આવશે.

રોડના મૂળ આયોજન મુજબ તેની પહોળાઈ ૧૦ મીટર રાખવામાં આવી છે. જોકે, ભવિષ્યમાં પાણી, ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટરની લાઈનો નાખવાની કામગીરીને ધ્યાનમાં રાખીને હાલ બંને તરફ જગ્યા છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં રોડના સેન્ટરથી બંને બાજુ ૩-૩ મીટર એટલે કે કુલ ૬ મીટર પહોળાઈમાં સિંગલ પટ્ટા સ્વરૂપે સીસી રોડ બનાવવામાં આવશે. ત્યારબાદ પાણીની લાઈન નાખવાની કામગીરી પૂર્ણ થયા પછી બાકી રહેલી બંને બાજુની જગ્યામાં પણ રોડનું નિર્માણ પૂર્ણ કરવામાં આવશે.

આ સમગ્ર પ્રોજેક્ટની કામગીરી આગામી ૪ થી ૫ મહિનામાં પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે. રોડનું નિર્માણ પૂર્ણ થયા બાદ આ વિસ્તારના હજારો વાહનચાલકો અને રહીશોને અવરજવરમાં સુવિધા મળશે તેમજ લાંબા સમયથી સતાવતી ખાડા અને ધૂળની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે.

આ પ્રસંગે મોરબીના મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, દંડક જયેશભાઈ દેસાઈ, શાસક પક્ષના નેતા અર્પિતાબેન પુષ્પરાજસિંહ જાડેજા, બાંધકામ સમિતિ ચેરમેન રવિ સનાવડા, શિક્ષણ સમિતિના ચેરમેન ભગીરથ બરાસરા, કોર્પોરેટર મંજુલાબેન ચૌહાણ, માનુબેન શિયાળ તેમજ સ્થાનિક આગેવાનો જ્યોતિસિંહ જાડેજા, જયવંતસિંહ જાડેજા, મનસુખભાઈ બરાસરા, બળવંતભાઈ સનારીયા, સુરેશભાઈ શિરોહીયા, હર્ષદ વામજા, જયંતિભાઈ અઘારા અને દેવિકાબેન ભંખોડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.