ખેડૂતો, શ્રમિકો, નાના વેપારીઓ અને અસંગઠિત ક્ષેત્રના નાગરિકોને રાષ્ટ્રીય પેન્શન યોજના સાથે જોડવા સ્થળ પર જ નોંધણીની સુવિધા અપાઈ

૨૬-૧૧-૨૦૨૬: મોરબીની ધ ફર્ન રેસીડેન્સી ખાતે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) અને લીડ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), મોરબીના સંયુક્ત ઉપક્રમે ‘NPS સંચય આઉટરીચ પ્રોગ્રામ’ અંતર્ગત વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત રાજ્યના પસંદગીના ૬ જિલ્લાઓમાં યોજાનારા આ અભિયાનમાં મોરબી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતો, ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO), ગ્રામ્ય ઉદ્યોગકારો, નાના વ્યવસાયકારો, શ્રમિકો તથા અસંગઠિત ક્ષેત્રના નાગરિકોમાં નિવૃત્તિ બાદની નાણાકીય સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો અને તેમને રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) સાથે જોડવાનો હતો.


કાર્યક્રમમાં સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના ડેપ્યુટી જનરલ મેનેજર વીણાબેન શાહે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવા નાણાકીય સમાવેશની યોજનાઓની ભૂમિકા સમજાવી હતી. તેમણે છેવાડાના વ્યક્તિ સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવા, વીમા કવચનો વ્યાપ વધારવા અને મહિલા સશક્તિકરણ માટે નાણાકીય જાગૃતિને મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે મોરબી જિલ્લો રાજ્યના પસંદગીના ૬ જિલ્લાઓમાં સ્થાન મેળવી વિશેષ ઓળખ સાથે આગળ વધી રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું.

સેમિનારમાં મોરબી નાબાર્ડના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ મેનેજર આદિત્ય નિકમે સ્વસહાય જૂથો (SHG) સાથે જોડાયેલી મહિલાઓ અને સહકારી મંડળીઓની ભૂમિકા ઉપરાંત ગ્રામીણ અને કૃષિ કલ્યાણલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. બેંક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અવિનાશ કુમારે NPS સંચય, MSME ક્ષેત્ર માટે નાણાકીય સુરક્ષા કવચ અને નાની બચતના મહત્વ વિશે માહિતી આપી હતી.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન મેનેજર અશોક કુમારે પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, ડિજિટલ KYC તથા નિષ્ક્રિય બેંક ખાતાઓ ફરી કાર્યરત કરવા અંગે વિસ્તૃત સમજણ આપી હતી. જ્યારે બેંક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર મનીષ માકરીયાએ NPS સંચય યોજનામાં જોડાવા માટેની પાત્રતા, રોકાણની પ્રક્રિયા અને યોજનાના લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

PFRDAના ટ્રેનર શુભમ ખંડેલવાલ અને ઋત્વિક ભાવસારે NPS સંચય યોજનાની વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. તેમણે યોજનામાં નોંધણી, આવક અને રોકાણ સંબંધિત વિવિધ પાસાઓ સમજાવવાની સાથે ઉપસ્થિતોના પ્રશ્નો અને મૂંઝવણોનું નિરાકરણ કર્યું હતું. આ ઉપરાંત નિયમિત બચત દ્વારા નિવૃત્તિ સમયગાળામાં આર્થિક સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને NPS સંચય યોજનામાં જોડાવા માટે સ્થળ પર જ ઓન-ધ-સ્પોટ રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારો સુધી પેન્શન યોજનાનો વ્યાપ વધારવાના હેતુથી બિઝનેસ કોરસ્પોન્ડન્ટ્સ અને કોમન સર્વિસ સેન્ટરના વિલેજ લેવલ એન્ટ્રપ્રિન્યોર્સ (VLE) માટે વિશેષ તાલીમ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું સ્વાગત પ્રવચન મોરબી લીડ બેંકના મેનેજર નરેશ કુમારે કર્યું હતું, જ્યારે આભારવિધિ રાજકોટ લીડ બેંકના મેનેજર પવન કુમારે કરી હતી. આ પ્રસંગે બેંકિંગ ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ, મહિલાઓ, સહકારી મંડળીઓના સભ્યો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



























