HomeAllઆદરણા ગામે ખેડૂતોના સમર્થનમાં ઠેરઠેર બેનરો, 2027ની ચૂંટણીમાં ભાજપના બહિષ્કારની ચેતવણી

આદરણા ગામે ખેડૂતોના સમર્થનમાં ઠેરઠેર બેનરો, 2027ની ચૂંટણીમાં ભાજપના બહિષ્કારની ચેતવણી

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી, તા. 28 જૂન: જેતપર ખાતે ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનને સમર્થન આપતા મોરબી જિલ્લાના આદરણા ગામમાં ગ્રામજનોએ ઠેરઠેર બેનરો લગાવી ખેડૂતો પ્રત્યે એકતા અને સમર્થન વ્યક્ત કર્યું છે. ગામના મુખ્ય પ્રવેશદ્વાર સહિત વિવિધ સ્થળોએ લગાવવામાં આવેલા બેનરો લોકોનું વિશેષ ધ્યાન આકર્ષી રહ્યા છે.

બેનરોમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે “જય જવાન, જય કિસાન”ના સૂત્ર સાથે આદરણા ગામ ખેડૂતોની માંગણીઓના સમર્થનમાં ઉભું છે અને ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પક્ષના ઉમેદવારોને ગામમાં મત માંગવા આવવું નહીં તેવી ચેતવણી આપવામાં આવી છે.

ગામલોકોનું કહેવું છે કે ખેડૂતો દેશના અન્નદાતા છે અને તેમની વાજબી માંગણીઓનું યોગ્ય નિરાકરણ આવવું જોઈએ. જ્યાં સુધી ખેડૂતોના પ્રશ્નોનો સન્માનજનક ઉકેલ નહીં આવે ત્યાં સુધી ગામ દ્વારા ખેડૂતોના આંદોલનને નૈતિક સમર્થન ચાલુ રહેશે.

આદરણા ગામમાં લગાવવામાં આવેલા આ બેનરો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે અને ખેડૂતોના આંદોલનને ગ્રામ્ય સ્તરે મળી રહેલા વ્યાપક સમર્થનનું પ્રતીક માનવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments