
વાંકાનેર સહિત મોરબી જિલ્લાના રેલવે પ્રશ્નોને ધ્યાનમાં રાખીને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને વિગતવાર રજૂઆત કરી છે. રજૂઆતમાં મુસાફરોને સીધી રાહત મળે તે દિશામાં સેવાઓ, સ્ટોપેજ અને સમયપત્રકમાં જરૂરી ફેરફાર કરવાની માંગ મૂકાશે છે.

રજુઆત મુજબ વાંકાનેર રેલ્વે જંકશન પર કેટલીક મહત્વની ગાડીઓના સમયમાં સુધારો કરવા, કોરોનાકાળ પછી બંધ કરાયેલી લોકલ ટ્રેનોને ફરી શરૂ કરવા અને હજારો મુસાફરોને અનુકૂળતા મળે તે માટે વધુ ટ્રેનોને વાંકાનેરમાં સ્ટોપેજ આપવાની માંગણી કરવામાં આવી છે.

રજુઆતમાં સૌરાષ્ટ્ર–દિલ્હી વચ્ચે નવી દૈનિક સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરવાની, વંદે ભારત ટ્રેનનો રૂટ રાજકોટ સુધી લંબાવવાની અને ગાંધીનગર–વેરાવળ ઈન્ટરસીટીનું સમયપત્રક મુસાફરોને અનુકૂળ રહે તે રીતે ગોઠવવાની માંગ પણ સામેલ છે. સાથે જ રાજકોટ મંડળ માટે આધુનિક કોચ ડીપો ઊભો કરવાની જરૂરીયાત પર ભાર મૂકાયો છે.

વાંકાનેર તાલુકાના વિવિધ રેલવે ફાટકો અને અંડરબ્રીજ સંબંધિત સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાનો મુદ્દો પણ રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યો છે, જેથી ટ્રાફિક અને સુરક્ષાથી જોડાયેલી મુશ્કેલીઓમાં ઘટાડો થઈ શકે.

આ તમામ માંગણીઓ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સમક્ષ લેખિત રીતે પહોંચાડવામાં આવી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.




















