Category: Guajrat

All the State level news publishing in this category

  • પૈસા ટ્રાન્સફર કરવા પર લાગશે ચાર્જ: જાણો SBI, HDFC, PNB અને કેનરા બૅન્કના નવા રેટ

    પૈસા ટ્રાન્સફર કરવા પર લાગશે ચાર્જ: જાણો SBI, HDFC, PNB અને કેનરા બૅન્કના નવા રેટ

    જો તમે ઇન્ટરનેટ કે મોબાઇલ બૅન્કિંગ દ્વારા પૈસા મોકલો છો, તો તમારા માટે આ એક મહત્ત્વપૂર્ણ સમાચાર છે. દેશની ઘણી મોટી બૅન્કોએ હવે ઇમીડિએટ પેમેન્ટ સર્વિસ (IMPS) પર ચાર્જ લગાવવાનો નિર્ણય લીધો છે. IMPS ટ્રાન્ઝેક્શન કરનારા ગ્રાહકોને હવે નક્કી કરેલી મર્યાદા મુજબ ફી ચૂકવવી પડશે. પહેલાં મોટાભાગની બૅન્કો આ સુવિધા એકદમ મફત આપતી હતી.

    દેશની સૌથી મોટી સરકારી બૅન્ક ‘સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)’એ તેના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. SBIએ છૂટક ગ્રાહકો માટે તેના IMPS ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. નવા ફેરફારો 15 ઑગસ્ટ, 2025થી લાગુ થશે.

    – ₹25,000 રૂપિયા સુધી – કોઈ ચાર્જ નહીં

    – ₹25,000 રૂપિયાથી ₹1 લાખ રૂપિયા સુધી – 2 રૂપિયા + GST

    – ₹1 લાખ રૂપિયાથી ₹2 લાખ રૂપિયા સુધી – 6 રૂપિયા + GST

    – ₹2 લાખ રૂપિયાથી ₹5 લાખ રૂપિયા સુધી – 10 રૂપિયા + GST

    કેનેરા બૅન્કમાં નવા ચાર્જ

    – ₹1000 રૂપિયા સુધી: કોઈ ચાર્જ નહીં

    – ₹1000 રૂપિયાથી ₹10,000 રૂપિયા સુધી: 3 રૂપિયા + GST

    – ₹10,000 રૂપિયાથી ₹25,000 રૂપિયા સુધી: 5 રૂપિયા + GST

    – ₹25,000 રૂપિયાથી ₹1,00,000 રૂપિયા સુધી: 8 રૂપિયા + GST

    – ₹1,00,000 રૂપિયાથી ₹2,00,000 રૂપિયા સુધી: 15 રૂપિયા + GST

    – ₹2,00,000 રૂપિયાથી ₹5,00,000 રૂપિયા સુધી: 20 રૂપિયા + GST

    પંજાબ નેશનલ બૅન્ક(PNB)ના નવા ચાર્જીસ

    – ₹1,000 સુધી: કોઈ ચાર્જ નહીં

    – ₹1,001 થી ₹1,00,000 સુધી બ્રાન્ચમાંથી: ₹6 + GST ઓનલાઇન: ₹5 + GST

    – ₹1,00,000 થી વધુ બ્રાન્ચમાંથી: ₹12 + GST ઓનલાઇન: ₹10 + GST

    HDFC બૅન્કના નવા ચાર્જીસ (1 ઑગસ્ટ, 2025થી લાગુ)

    – ₹1,000 સુધી: સામાન્ય ગ્રાહક: ₹2.50, વરિષ્ઠ નાગરિક: ₹2.25

    – ₹1,000થી ₹1,00,000 સુધી: સામાન્ય ગ્રાહક: ₹5, વરિષ્ઠ નાગરિક: ₹4.50

    – ₹1,00,000થી વધુ: સામાન્ય ગ્રાહક: ₹15, વરિષ્ઠ નાગરિક: ₹13.50

    નોંધ: HDFC બૅન્કના ગોલ્ડ (Gold) અને પ્લેટિનમ (Platinum) એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને આ ચાર્જ ચૂકવવો પડશે નહીં.

    IMPS શું છે?

    ઇમીડિએટ પેમેન્ટ સર્વિસ (Immediate Payment Service), જેને ટૂંકમાં IMPS કહેવામાં આવે છે, તે એક રિયલ-ટાઇમ પેમેન્ટ સર્વિસ છે. આ સેવા દિવસના 24 કલાક ઉપલબ્ધ હોય છે. તેનું સંચાલન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) દ્વારા થાય છે. આ સર્વિસ દ્વારા ગ્રાહકો ગમે તે સમયે તરત જ પૈસા મોકલી અને મેળવી શકે છે.

  • ગૌણ સેવા મંડળની બે પરીક્ષા મોકૂફ, GPSC પરીક્ષા સાથે તારીખ ટકરાતાં લેવાયો નિર્ણય

    ગૌણ સેવા મંડળની બે પરીક્ષા મોકૂફ, GPSC પરીક્ષા સાથે તારીખ ટકરાતાં લેવાયો નિર્ણય

    GSSSB Exam Postponed: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 7 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાનારી બે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણય ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની Dy.SO અને નાયબ મામલતદારની પરીક્ષા પણ તે જ દિવસે હોવાથી લેવામાં આવ્યો છે.

    ઉમેદવારોની રજૂઆતો બાદ નિર્ણય

    GPSC દ્વારા જાહેરાત ક્રમાંક 237/2024-25 અને 304/2025-26 હેઠળ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર (વર્ગ-3)ની પ્રાથમિક કસોટી 7 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાવાની હતી. આ જ દિવસે ગૌણ સેવા પસંદગી મંડળે લેબોરેટરી ટેકનિશિયન અને વર્ક આસિસ્ટન્ટની પરીક્ષાઓ પણ જાહેર કરી હતી.

    એક જ દિવસે બે અલગ-અલગ બોર્ડની પરીક્ષાઓ હોવાથી ઉમેદવારોએ રજૂઆત કરી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને ગૌણ સેવા પસંદગી મંડળે લેબોરેટરી ટેકનિશિયન અને વર્ક આસિસ્ટન્ટની પરીક્ષાઓ હાલ પૂરતી મુલતવી રાખી છે.

    નવી તારીખ હવે પછી મંડળ દ્વારા નક્કી કરવામાં આવશે અને તેની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર કરવામાં આવશે. સંબંધિત તમામ ઉમેદવારોને આ અંગે નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. આ નિર્ણયથી ઉમેદવારોને બે પરીક્ષાઓમાંથી એક પસંદ કરવાની મુંઝવણમાંથી રાહત મળી છે અને તેમને તૈયારી માટે પણ વધુ સમય મળશે.

  • ગણેશ ચતુર્થીના પર્વ અનુસંધાને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પડાયું

    ગણેશ ચતુર્થીના પર્વ અનુસંધાને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પડાયું

    મોરબી જિલ્લામાં પીઓપીની મૂર્તિ બનાવવા અને ડેમ, તળાવ, નદી, કુવામાં કે સમુદ્રમાં મૂર્તિ વિસર્જન કરવા સહિતના કૃત્યો પર પ્રતિબંધ

    મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે ગણેશ ચતુર્થિના પર્વ નિમિતે ભગવાન  ગણેશજી પ્રતિમાઓની સ્થાપના થનાર છે. જેથી તા.૨૭/૦૮/૨૦૨૫ ના રોજ ગણપતિ મૂર્તિની સ્થાપના થયા બાદ ગણપતિ વિસર્જન સુધીના સમય દરમિયાન ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. બાદમાં ગણપતિ સ્થાપના સ્થળથી વિસર્જન સરઘસ કાઢી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ભાવિકો દ્વારા સ્થાપના કરવામાં આવેલ ગણેશજીની મૂર્તિઓને સ્થાપના કર્યાના ત્રીજા દિવસે, પાંચમાં દિવસે અને સાતમા દિવસે અને મોટા ભાગના ભાવિકો દ્વારા ૦૬/૦૯/૨૦૨૫ ના રોજ મૂર્તિઓના વિસર્જન સરઘસ કાઢી ગણેશજીની મૂર્તિઓને તળાવ/નદીમાં પધરાવી વિસર્જન કરવામાં આવનાર છે.

    મૂર્તિઓના વિસર્જનથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવા કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ગાઈડલાઈન તેમજ સરકારના ઠરાવો અને નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા મૂર્તિઓના વિસર્જન અંગે આપવામાં આવેલ ગાઈડલાઈનને ધ્યાને લઈ ગણેશ મહોત્સવ નિમિતે મૂર્તિ સ્થાપના વિસર્જનના કારણે પર્યાવરણ જાળવણી/કુદરતી જળ સ્ત્રોતોમાં થતું પ્રદુષણ અટકાવવા તેમજ જાહેર સુલેહ શાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ  કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામુ બહાર પાડી કેટલાક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

    જાહેરનામા અનુસાર ભગવાન  ગણેશજીની મૂર્તિઓ બનાવવા માટે સિન્થેટીક તથા પ્લાસ્ટર ઓફ પેરીસ તેમજ કેમીકલયુક્ત રંગોનો ઉપયોગ કરવો નહીં. મૂર્તિઓના વિસર્જન સમયે પીવાના પાણીના ઉપયોગ માટે લેવાના જળસ્ત્રોનો જેવા કે, ડેમ, તળાવ, નદી, કુવામાં કે સમુદ્રમાં મૂર્તિ વિસર્જન થઈ શકશે નહીં, સક્ષમ સ્થાનિક સત્તામંડળે મૂર્તિ વિસર્જન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાયની કોઈપણ જગ્યાએ વિસર્જન કરવું નહીં. મૂર્તિકારો જે જગ્યાઓ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરનાર છે તે જગ્યા તથા મૂર્તિ જે જગ્યાએ વેચાણ માટે રાખનાર છે તે જગ્યાની નજીકમાં તથા આજુબાજુમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવી નહી તેમજ મૂર્તિઓના બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવો નહીં.

      ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણમાં લીધેલ અથવા ખંડીત થયેલ મૂર્તિઓને સ્થાપના બાદ બિનવારસી હાલતમાં મુકવી નહી. કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવી, ખરીદવી કે વેચવી તેમજ સ્થાપના કરવી નહીં. ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ સ્થાપના સ્થળો ખાતે મંડપો એક દિવસ કરતા વધુ દિવસ સુધી રાખવા નહીં. મૂર્તિઓને વિસર્જન કર્યા બાદ પાણીમાંથી બહાર કાઢી પરત લઈ જવી નહી.

    સક્ષમ સતાધિકારીની પૂર્વ મંજુરી વગર ગણેશ વિસર્જન કે અન્ય ધાર્મિક સરઘસ કાઢવું નહીં. સરઘસ યોજવા અંગેની પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાયના અન્ય રૂટ ઉપર સરઘસ કાઢવા નહીં. આયોજકોએ બેઠકની ઉંચાઈ સહિત ૧૨ (બાર) ફુટથી વધારે ઉંચાઈની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવી નહી તેમજ વિસર્જન સરઘસમાં સામેલ વાહન સહિત ગણેશજીની પ્રતિમાની ઉંચાઈ ૧૫ (પંદર) ફુટથી વધારે રાખવી નહી.

    જાહેરનામા મુજબના પ્રતિબંધાત્મક હુકમો તા.૦૬/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.આ હુકમનો અનાદર, ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ગુના માટે શિક્ષાને પાત્ર થશે.

  • મોરબી :  યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજાયા

    મોરબી : યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજાયા

    મોરબી : યુવા શક્તિ ગ્રુપ કે જે મોરબી માં દિવસરાત લોકોની ઇમરજન્સી બ્લડ તથા ઓક્સિજન મશીન ની જરૂરિયાત પૂરી પાડવા માટે થઈને જાણીતું છે તથા લોકોના સ્વાસ્થ્ય, તંદુરસ્તી તથા આરોગ્ય ની સુખાકારી માટે અવારનવાર ફ્રી આર્યુવેદિક તથા હોમ્યોપથિક કેમ્પ નું આયોજન કરી રહ્યું છે

    ત્યારે ગ્રુપ ના મહિલા સભ્યો દ્રારા ૧ થી ૧૨ વર્ષના બાળકો ના માનસિક થતા શારીરિક વિકાસને ધ્યાને લઈને આજે પુષ્યનક્ષત્ર નિમિત્તે મોરબી ના અલગ અલગ સ્થળો જેવા કે વાઘપરા સથવારા સમાજની વાડી, ગ્રીન ચોક કુબેરનાથ મંદિર, સનાળા રોડ પંચમુખી હનુમાન મંદિર તથા અન્ય શૈક્ષણિક એકમો ખાતે નિ:શુલ્ક

    સુવર્ણપ્રાશન કેમ્પ યોજવામાં આવ્યા હતા જેમા 900 થી પણ વધુ બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા હતા.

  • હવે ઇન્સ્ટાગ્રામ રીલ્સ બોલશે તમારી ભાષામાં: મેટા AI કરશે અવાજનું ભાષાંતર

    હવે ઇન્સ્ટાગ્રામ રીલ્સ બોલશે તમારી ભાષામાં: મેટા AI કરશે અવાજનું ભાષાંતર

    મેટા દ્વારા હવે AIની મદદથી વોઇસ ટ્રાન્સલેશન ફીચરને લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફીચર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે છે. આ ટૂલને પહેલી વાર ગયા વર્ષે કનેક્ટ ડેવલપર કોન્ફરન્સમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. કન્ટેન્ટ ક્રિએટર્સ તેમના કન્ટેન્ટને દુનિયાભરની ભાષામાં રૂપાંતર કરી દરેક લોકો સુધી પહોંચાડી શકે એ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. એ સમયે ઇંગ્લિશ અને સ્પેનિશ ભાષાનો સપોર્ટ હતો. જોકે હવે એમાં ઘણી ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    ક્રિએટર્સના અવાજને ટ્રાન્સલેટ કરવામાં આવશે

    AI હવે કન્ટેન્ટ ક્રિએટર્સના ઓરિજનલ અવાજને એડવાન્સ ટેક્નોલોજીની મદદથી ટ્રાન્સલેટ કરશે અને તેના જેવા જ અવાજમાં અન્ય ભાષામાં બોલશે. આથી કન્ટેન્ટને અન્ય ભાષામાં રૂપાંતર કરવામાં આવે તો પણ તે એકદમ ઓરિજનલ હોય એવું બનાવવાની કોશિશ કરવામાં આવશે. આ સાથે જ ક્રિએટર્સ પાસે લિપ સિંક ફીચર્સ પણ છે. આ ફીચરની મદદથી ક્રિએટર્સના હોંઠ જ્યારે હલશે ત્યારે જ અવાજ પણ આવશે. આથી અવાજ પહેલાં અને દૃશ્ય પછી આવે એવું નહીં બને.

    કોણ ઉપયોગ કરી શકશે અને કેવી રીતે?

    આ ફીચરનો ઉપયોગ ફેસબુક પર એક હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતાં ક્રિએટર્સ કરી શકશે. તેમ જ ઇન્સ્ટાગ્રામ પર પબ્લિક એકાઉન્ટ હોય એ દરેક યુઝર કરી શકશે. આ માટે ક્રિએટર્સ દ્વારા “ટ્રાન્સલેટ યોર વોઇસ વિથ મેટા AI” પર ક્લિક કરવાનું રહેશે. આ ઓપ્શન રીલ પોસ્ટ કરવા પહેલાં જોવા મળશે. આ ઓપ્શન પસંદ કરતાં જે-તે ભાષામાં ઓટોમેટિક અવાજ સંભળાશે. તેમ જ એ ચાલુ કરતાંની સાથે જ લિપ સિંક ફીચરનો પણ વિકલ્પ આપવામાં આવશે.

    પોસ્ટ કરવા પહેલાં પ્રીવ્યુ

    ક્રિએટર્સને આ માટે ટ્રાન્સલેશન કરેલા વીડિયોનું પ્રીવ્યુ પણ દેખાડવામાં આવશે. આથી તેઓ ભાષાંતર અને તેમનું લિપ સિંક યોગ્ય થયું છે કે નહીં એ પણ ચેક કરી શકશે. આ પ્રીવ્યુ બાદ યુઝર નક્કી કરે કે તેણે ભાષાંતર નથી કરવું તો પણ એની અસર તેના ઓરિજિનલ રીલ પર નહીં પડે. આ ભાષાંતર કરેલું રીલ જે પણ યુઝર્સ જોશે એને રીલની નીચે મેસેજ આવશે કે આ અવાજને ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે અને એ માટે મેટા AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    ઇન્સાઇટમાં આવશે નવી એનાલિસિસ પેનલ

    ઇન્સ્ટાગ્રામ દ્વારા ઇન્સાઇટમાં તમામ એનાલિસિસ કરવા માટેના ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં હવે નવી એક પેનલનો સમાવેશ કરવામાં આવશે. આ પેનલ ભાષાંતર માટેની છે. કઈ ભાષામાં કેટલી રીલ જોવામાં આવે એ પણ એમાં જોઈ શકાશે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે મેટા દ્વારા કહેવામાં આવ્યું છે કે યુઝર દ્વારા તેના ચહેરાને કેમેરા સામે જ રાખવું. જો ચહેરો આમતેમ કરવામાં આવ્યો અને હોંઠ દેખાતા બંધ થયા તો લિપ સિંકમાં સમસ્યા આવી શકે છે. આથી શ્રેષ્ઠ રિઝલ્ટ માટે સામે જોવું વધુ સારું છે.

  • ગુજરાત મંત્રીમંડળમાં નવાજૂની થશે, PM મોદીની મુલાકાત પર નજર, થઈ રહી છે આ તૈયારીઓ

    ગુજરાત મંત્રીમંડળમાં નવાજૂની થશે, PM મોદીની મુલાકાત પર નજર, થઈ રહી છે આ તૈયારીઓ

    ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ છત્તીસગઢ અને ગોવામાં મંત્રીમંડળમાં ફેરફારને મંજૂરી આપ્યા બાદ, આગામી દિવસોમાં યુપીમાં ફેરબદલની અટકળો ચાલી રહી છે. એવી ચર્ચા છે કે ગુજરાતમાં લાંબા સમયથી રાહ જોવાતી મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ ટૂંક સમયમાં થઈ શકે છે. પીએમ મોદીની મુલાકાતને ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

    ગુજરાતમાં લાંબા સમયથી પરિવર્તનની ચર્ચા છે

    ૨૦૨૨ની ચૂંટણીમાં જોરદાર વાપસી કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૨ ડિસેમ્બરે ફરીથી શપથ લીધા હતા. ત્યારબાદ તેમની બીજી ટીમમાં ત્રણ પાટીદારો અને ૬ નવા ચહેરાઓને સ્થાન મળ્યું. ત્યારથી ગુજરાતના મંત્રીમંડળમાં કોઈ ફેરબદલ થયો નથી.

    ભૂપેન્દ્ર પટેલના વર્તમાન મંત્રીમંડળમાં ત્રણ પાટીદાર, સાત ઓબીસી, બે અનુસૂચિત જાતિ અને બ્રાહ્મણ, જૈન, રાજપૂત સમુદાયના એક-એક મંત્રી છે. ગુજરાતના મંત્રીમંડળમાં કુલ ૧૬ મંત્રીઓ છે. જેમાં ૮ મંત્રીમંડળ, બે સ્વતંત્ર હવાલો અને ૬ રાજ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. રાજકીય નિરીક્ષકો કહે છે કે ભાજપના ટોચના નેતૃત્વએ જે રીતે અન્ય રાજ્યોમાં મંત્રીમંડળમાં ફેરફારને લીલી ઝંડી આપી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ મંત્રીમંડળમાં નવા સમીકરણો સ્થાપિત કરી શકે છે તેવી આશા જાગી છે.

    ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધી છે

    ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપે ૧૮૨ બેઠકોમાંથી ૧૫૬ બેઠકો જીતી હતી, પરંતુ હવે આ સંખ્યા ૧૬૨ પર પહોંચી ગઈ છે. ભાજપના પાંચ ધારાસભ્યો વધ્યા છે. આમાંથી પાંચ કોંગ્રેસના નેતાઓ છે જે હવે ભાજપના પ્રતીક પર ફરીથી ધારાસભ્ય બન્યા છે. એવી ચર્ચા છે કે તેમાંથી બેને મંત્રી બનાવી શકાય છે.

    એટલું જ નહીં, અપક્ષ તરીકે જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ હવે ભાજપમાં છે, એવી ચર્ચા છે કે વડોદરામાંથી કોઈ મંત્રી ન હોવાથી. આવી સ્થિતિમાં વડોદરાને મંત્રી પદ મળી શકે છે. પરિવર્તનમાં કેટલાક અન્ય શહેરોને પ્રાથમિકતા મળી શકે છે. કોર્પોરેશનની ચૂંટણીમાં પાર્ટીને આનો લાભ મળી શકે છે.

    કેટલાક મંત્રીઓને દૂર કરી શકાય છે

    ગાંધીનગરના પાવર કોરિડોરમાં એવી ચર્ચા છે કે નબળા પ્રદર્શનવાળા મંત્રીઓને દૂર કરવાની ચર્ચા છે. કેટલાક મંત્રીઓને વિવાદોમાં હોવાને કારણે પણ દૂર કરી શકાય છે. ગુજરાતમાં વિપક્ષ પાસે કુલ ૧૮ બેઠકો છે. આવી સ્થિતિમાં, ભાજપ વિધાનસભામાં ભારે મજબૂત છે. ગુજરાતમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર 8 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સત્ર ત્રણ દિવસનું છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે ગુજરાતમાં ટૂંક સમયમાં કેટલાક ફેરફારો થઈ શકે છે.

    ગુજરાતમાં, પાછલા વર્ષોમાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફેરફારો થતા રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી હતી. આવી સ્થિતિમાં, તેઓ આવતા મહિને ચાર વર્ષ પૂર્ણ કરશે.

  • લોકશાહી મૂલ્યોને વરેલા ભારતને વ્યૂહાત્મક ભાગીદાર ન ગણવું સૌથી મોટી ભૂલ

    લોકશાહી મૂલ્યોને વરેલા ભારતને વ્યૂહાત્મક ભાગીદાર ન ગણવું સૌથી મોટી ભૂલ

    અમેરિકાનાં યુનો સ્થિત પૂર્વ રાજદૂત નિક્કી હેઈલીએ ભારતને વિશિષ્ટ મુક્ત અને લોકશાહી ધરાવતું મહત્વનું ભાગીદાર ન ગણવા સામે ચેતવણી ઉચ્ચારી હતી અને કહ્યું હતું કે વાસ્તવમાં ભારત ચાયના સામેનું કાઉન્ટર વેઇટ છે. કોમ્યુનિસ્ટ ચાયનાની જેમ ભારત ડરાવતુ નથી. સાથે કહ્યું કે ભારતને મહત્વનું ભાગીદાર ન ગણવાથી ભારે મોટી વ્યૂહાત્મક ખાના ખરાબી થઈ જશે.

    રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ટ્રમ્પે ભારત ઉપર ૨૫ ટકા ટેરિફ વત્તા ૨૫ ટકા દંડાત્મક ડયુટી લગાડવાના ટ્રમ્પના નિર્ણયની નિક્કી હેલીએ ઉગ્ર ટીકા કરતાં આ પ્રમાણે કહ્યું હતું. તે સર્વવિદિત છે કે તા. ૨૭ ઓગસ્ટથી ટ્રમ્પ ભારત ઉપર ૨૫% + ૨૫% તેમ મળી કુલ ૫૦ ટકા આયાત કર લગાડવાના છે.

    ટ્રમ્પના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરતાં કહ્યું હતું કે રશિયામાંથી સૌથી વધુ તેલ ખરીદનાર તો ચાયના છે. તેની ઉપરથી ડયુટી હળવી કરાઈ છે. જ્યારે ભારતીય માલ સામાન અને સેવાઓ ઉપર તે બમણી કરી ૫૦ ટકા કરવામાં આવી છે.

    પરિણામ તે પણ આવી શકે કે પચ્ચીશ પચ્ચીશ વર્ષથી મહામેહનતે ભારત સાથે સુધારેલા સંબંધો ઉપર પાણી ફરી વળશે. કોમ્યુનિસ્ટના અંકૂશ નીચેનું ચાયના મુક્ત જગત માટે ભયાવહ બની રહ્યું છે તે દુનિયા આખીને ડરાવે છે. ચીન એશિયા ઉપર પોતાની સર્વોપરિતા સ્થાપવા માગે છે તો ભારત સૌને સહાયભૂત થતું રહ્યું છે.

    આથી ચાયના સામે ભારત કાઉન્ટર વેઇટ બની શકે તે સમજવા માટે જાજી બુદ્ધિ ચલાવવાની પણ જરૂર નથી તેમ યુએન યુ.એ.સ્થિત અમેરિકાનાં પૂર્વરાજદૂતે જણાવ્યું હતું.આ સાથે તેઓએ ભારતને સલાહ આપી હતી કે રશિયામાંથી તેલ ખરીદવાનું બંધ કરવું જોઇએ. અથવા બને તેટલું ઓછું ખરીદવું જોઇએ.

    ઉલ્લેખનીય છે કે ભારત તેની તેલની જરૂરિયાત પૂરી કરવા વિદેશોમાંથી આયાત કરાતાં તેલ પૈકી ૪૦ ટકા જેટલું તેલ તે રશિયા પાસેથી જ ખરીદે છે તે ઉપરાંત ૮૦ ટકા જેટલી તેની શસ્ત્ર સામગ્રીની જરૂરિયાત તે રશિયા પાસેથી આયાત કરી પૂરી કરે છે.

  • મોરબી શહેરને હમેશા હરિયાળું બનાવવા પ્લાન્ટેશન કરવામાં આવશે

    મોરબી શહેરને હમેશા હરિયાળું બનાવવા પ્લાન્ટેશન કરવામાં આવશે

    મોરબી મહાનગર પાલિકાની ગાર્ડન શાખા દ્વારા મોરબી શહેર ને હમેશા હરિયાળું બનાવવા અનેક પ્રકાર ના પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. મોરબી મહાનગર પાલિકા ની ગાર્ડન શાખા દ્વારા મોરબી શહેર ના હદ વિસ્તાર માં આવેલ તમામ મુખ્ય રસ્તા ઓ માં વૃક્ષોનું પ્રમાણ વધારવા તેમજ રસ્તાઓ પર જરૂરી માત્ર માં ગ્રીન સ્પેસ મળી રહે તે મુજબનું પ્લાન્ટેશન કરવામાં આવશે

    આ પ્લાન્ટેશન કરવાથી રાત્રિ ના સમયે વાહનચાલકો ને અને મોરબી ના લોકો ને વાહન ચલાવવામાં અને સામે થી આવેલ વાહનો ની લાઈટો થી બચાવ માટે ઘણું મદદરૂપ થશે.

    હાલ માં પંચાસર રોડ પર નુ પ્લાન્ટેશન ચાલુ કરવામાં આવેલ છે અને અરૂણોદય રોડ પર પ્લાન્ટેશન પૂર્ણ કરવામાં આવેલ છે. આગામી સમય માં મહારાણા પ્રતાપ સર્કલ થી ત્રાજપર ચોકડી સુધી નો જે મુખ્ય રસ્તો છે ત્યાં વચ્ચે ના ડીવાઈડર માં પ્લાન્ટેશન કરવામાં આવશે

    તેમજ નવલખી ફાટક થી પરશુરામ બ્રિજ ન મુખ્ય રસ્તા માં આવેલ ડીવાઈડર માં પ્લાન્ટેશન કરવામાં આવશે. જેનાથી મોરબી શહેર માં ગ્રીન સ્પેસ માં પણ વધારો જોવા મળશે અને મોરબી શહેર હરિયાળું બનશે આગામી સમય માં મોરબી શહેર ને હરિયાળું કરવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે.

  • મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પગલાં

    મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પગલાં

    મોરબી મહાનગરપાલિકાની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા મોરબી શહેરમાં રહેલી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. શહેરની મુખ્ય સડકો પર વાહન તથા ગેરકાયદે પાર્કિંગને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઇ મોરબી મહાનગરપાલિકા દ્વારા “પે એન્ડ પાર્કિંગ” યોજના અમલમાં મુકવામાં આવી રહી છે.

    ૨૫/૦૮/૨૦૨૫ થી શહેરમાં નીચે મુજબ સ્થળોએ પાર્કિંગ ઝોન કાર્યરત થશે:

    મોરબી મહાનગરપાલિકા કચેરીના સરદાર બાગની સામે

    મોરબી મહાનગરપાલિકા કચેરી સામે SBI બેંકની સામે ત્રિકોણમાં

    મોરબી મહાનગરપાલિકા કચેરી સામે જિલ્લા પંચાયત કચેરીની સામે શક્તિધામની બાજુએ હરિધામ રોડ પર

    આ આયોજનને કારણે શહેરના વાહનચાલકોને સુરક્ષિત પાર્કિંગ સુવિધા મળશે તેમજ મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે. સાથે સાથે શહેરના સૌંદર્ય અને વાહનવ્યવસ્થામાં પણ સુધારો નોંધાશે.

    આ ટેન્ડર ઓનલાઇન થકી એજન્સીઓને આપવામાં આવ્યા બાદ તમામ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. જનતાને યોગ્ય માહિતી મળે તે માટે સૂચક બોર્ડ લગાવવામાં આવશે. પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા થવાથી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા સહાય મળશે.           

  • અમેરિકાને સાચવવામાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલી વધશે, હવે સફેદ સોનાના ભાવ નહીં વધે

    અમેરિકાને સાચવવામાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલી વધશે, હવે સફેદ સોનાના ભાવ નહીં વધે

    ભારત ભલે એમ કહે કે દેશના ખેડૂતોના હિતોના રક્ષણ માટે અમે અમેરિકા સામે ઝૂકશું નહીં પણ કાલે જાહેર થયેલા એક નોટિફિકેશનને કારણે હવે નવા પ્રશ્નો ઉભા થયા છે. અમેરિકા સાથે તનાવ ઓછો કરવા માટે ભારતે કપાસની આયાત પર 11 ટકા ડ્યૂટી દૂર કરી છે પણ એના દુરોગામી અસરોથી ગુજરાતના ખેડૂતો બાકાત નહીં રહે. હાલમાં કપાસની આયાત ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરવાના નિર્ણયથી ગુજરાતના કપાસની ખેતી કરતા ખેડૂતોને સીધો અને તાત્કાલિક ફાયદો થાય તેવું શક્ય નથી. પણ ખેડૂતોને નુક્સાન જવાની સંભાવના વધારે છે. જો કે, કપાસની આયાત ડ્યુટી નાબૂદ થવાથી સૌથી વધારે ફાયદો ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગને થશે. આ નિર્ણય સીધી રીતે સ્પિનિંગ મિલો, ફેબ્રિક ઉત્પાદકો અને

    ગુજરાતમાં ખરીફ સિઝનમાં કપાસ એ સૌથી મોટો પાક છે. ઓકટોબરથી નવી સિઝન શરૂ થશે પણ આ વર્ષે ખેડૂતોને ભાવમાં સમસ્યા થાય તેવી પૂરી સંભાવના છે.

    તાત્કાલિક નુકસાનની શક્યતા:ભાવમાં ઘટાડો: આયાત ડ્યુટી હટાવવાથી વિદેશથી આવતો કપાસ સસ્તો થશે. જ્યારે સસ્તો આયાતી કપાસ બજારમાં આવશે, ત્યારે સ્થાનિક કપાસના ભાવ પર દબાણ આવશે અને કપાસના ભાવ ઘટી શકે છે. આ સીધી રીતે ગુજરાતના ખેડૂતોને નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે તેમને તેમના પાકનો ઓછો ભાવ મળશે.

    લાંબા ગાળાના પડકારો:

    વૈશ્વિક સ્પર્ધા: ભારતીય ટેક્સટાઈલ ઉદ્યોગ માટે સસ્તા કાચા માલની ઉપલબ્ધતા વધશે, પરંતુ ખેડૂતોએ વૈશ્વિક બજાર સાથે સ્પર્ધા કરવી પડશે. આ નિર્ણય લાંબા ગાળે ખેડૂતો માટે વધુ પડકારો ઊભા કરી શકે છે, કારણ કે તેમને ગુણવત્તા અને ઉત્પાદકતા સુધારવા પર વધુ ધ્યાન આપવું પડશે.

    ટેક્સટાઇલ ઉદ્યોગને ફાયદો કેમ થશે?

    કાચા માલના ભાવમાં ઘટાડો : કપાસની આયાત પર 11% જેટલી ડ્યુટી લાગતી હતી. આ ડ્યુટી હટાવવાથી ટેક્સટાઇલ મિલો માટે વિદેશથી સસ્તો કપાસ આયાત કરવો સરળ બનશે. કાચા માલના ભાવ ઘટવાથી ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો થશે.

    વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં સુધારો : ભારતનો ટેક્સટાઇલ ઉદ્યોગ બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશો સાથે સ્પર્ધા કરી રહ્યો છે, જેમને ઓછી ડ્યુટીને કારણે સસ્તો કપાસ મળે છે. ડ્યુટી હટાવવાથી ભારતીય ઉદ્યોગ પણ આ દેશોની જેમ વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરી શકશે.

    નિકાસમાં વધારો : અમેરિકા જેવા મોટા નિકાસ બજારોમાં ભારતીય કપડાં પરના ઊંચા ટેરિફના કારણે નિકાસકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે. સસ્તો કપાસ મળવાથી તેઓ નિકાસ માટેના ઉત્પાદનો ઓછા ભાવે બનાવી શકશે, જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની માંગ વધી શકે છે.

    સ્ટોક માર્કેટમાં સકારાત્મક અસર : આ નિર્ણયની જાહેરાત બાદ ટેક્સટાઇલ કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે રોકાણકારો પણ આ નિર્ણયને ઉદ્યોગ માટે ફાયદાકારક માને છે.

    ખેડૂતોને શું અસર થશે?

    સસ્તો આયાતી કપાસ બજારમાં આવવાથી સ્થાનિક કપાસના ભાવ પર દબાણ આવશે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણય માત્ર ટૂંકા ગાળા માટે છે અને તેનો હેતુ પાકની નવી સિઝન શરૂ થાય તે પહેલાં બજારને સ્થિર કરવાનો છે, જેથી ખેડૂતોને વધુ નુકસાન ન થાય.

    નુકસાન થવાના કારણો

    ભાવ પર દબાણ: ભારતમાં રૂની નવી સિઝન સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બરમાં શરૂ થાય છે. આયાત ડ્યુટી માફ થવાથી વિદેશી કપાસનો જથ્થો ઓક્ટોબર પહેલા જ બજારમાં આવી જશે. જ્યારે ખેડૂતોનો નવો પાક બજારમાં વેચાણ માટે આવે, ત્યારે આયાતી કપાસની ઉપલબ્ધતાને કારણે માંગ ઓછી રહે અને ભાવ પર નકારાત્મક અસર પડે.

    સ્ટોકનો પ્રશ્ન: આયાત ડ્યુટી માફીનો લાભ ઉઠાવીને ટેક્સટાઈલ મિલો મોટા પ્રમાણમાં વિદેશી કપાસનો સ્ટોક કરી શકે છે. જેના કારણે નવી સિઝન દરમિયાન સ્થાનિક કપાસની માંગ ઘટી શકે છે.

    ખેડૂતોની વેચાણ મર્યાદા: નાના અને મધ્યમ ખેડૂતો પાસે કપાસનો સંગ્રહ કરવાની પૂરતી વ્યવસ્થા હોતી નથી. તેથી, તેઓને પાક તૈયાર થતાં જ વેચાણ કરવું પડે છે. જો તે સમયે બજારમાં ભાવ નીચા હોય, તો ખેડૂતોને સીધું નુકસાન થાય છે.

    MSP પર ખરીદીનો પડકાર: ભલે સરકારે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કપાસ ખરીદવાની ખાતરી આપી હોય, પરંતુ સરકારી ખરીદી કેન્દ્રોની સંખ્યા, સમયસર ચૂકવણી અને અન્ય વ્યવસ્થાકીય મુદ્દાઓને કારણે નાના ખેડૂતો માટે MSP પર વેચાણ કરવું હંમેશા સરળ નથી હોતું.