Category: Guajrat

All the State level news publishing in this category

  • ગોમતી ઘાટે જતાં શ્રદ્ધાળુઓ સાવધાન! દ્વારકાનો દરિયો તોફાની બનતા 10-15 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા

    ગોમતી ઘાટે જતાં શ્રદ્ધાળુઓ સાવધાન! દ્વારકાનો દરિયો તોફાની બનતા 10-15 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા

    રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે ભર ચોમાસામાં ગુજરાતના દરિયાકિનારે દરિયાઈ કરંટ અને ઊંચા મોજાં જોવા મળે છે. પરંતુ આ વખતે, અરબી સમુદ્રમાં સર્જાયેલા લૉ પ્રેશરને કારણે દેવભૂમિ દ્વારકાના દરિયાકિનારે અસામાન્ય દૃશ્યો જોવા મળ્યા છે.

    દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો છે, ત્યારે ગોમતી ઘાટે 10 થી 15 ફૂટ ઊંચા મોજાં જોવા મળ્યા છે. તેમજ સંગમઘાટ, લાઈટ હાઉસ અને ગોમતી ઘાટ નજીકના વિસ્તારોમાં પણ ઊંચા મોજાં જોવા મળ્યા.

    ગોમતી ઘાટ પર જોવા મળ્યા દરિયાના ઊંચા મોજાંદેવભૂમિ દ્વારકા નજીક અરબી સમુદ્ર તોફાની બન્યો છે, ત્યારે ગોમતી તટ પાસે પણ ઊંચા ઊંચા મોજાં ઉછળ્યા હોવાના અદભૂત દૃશ્યો જોવા મળ્યા. આ દરમિયા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્રએ લોકોને ઘાટ નજીક ન જવા માટે ખાસ અપીલ કરી છે.

  • મોરબીમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવા અને નેનો યુરિયાની બોટલ ફરજિયાત આપવા સામે ભાજપના વિરોધ

    મોરબીમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવા અને નેનો યુરિયાની બોટલ ફરજિયાત આપવા સામે ભાજપના વિરોધ

    ભારત એક કૃષિપ્રધાન દેશ છે છતાં ખાતર માટે ખેડૂતો હેરાન થાય છે ત્યારે મોરબી જિલ્લામાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે અને ખેડૂતોને નેનો યુરિયાની બોટલ ફરજિયાત ન આપવામાં આવે તેના માટે ભાજપના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

    મોરબી જિલ્લા ભાજપના યુવા કિસાન અગ્રણી અજયભાઈ અને મોરબી જિલ્લા કિસાન સંઘના પૂર્વ ઉપપ્રમુખ હેમરાજભાઈ જીવાણીએ કલેક્ટર કે.બી.ઝવેરીને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને

    ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે વિદેશથી થતા કૃષિ ઉત્પાદનોની આયાત પરની ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) વધારવી જોઈએ. આ પગલું દેશના ખેડૂતોને તેમના પાકનો પૂરતો પોષણક્ષમ ભાવ મેળવવામાં મદદ કરશે.આ ઉપરાંત ડીએપી અને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો વિતરણ કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવામાં આવે, ખાતર વિતરણ કેન્દ્રો દ્વારા યુરિયા ખાતર સાથે નેનો યુરિયાની બોટલ ફરજિયાતપણે

    આપવા સામે વિરોધ કર્યો છે અને જે વિતરણ કેન્દ્ર ઉપરથી ફરજિયાત પણે નેનો યુરિયાની બોટલનું વેચાણ કરતા હોય તેમની સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

  • ડોક્ટરને પૂછ્યા વગર શરદી-ઉધરસની દવા લેવાનું બંધ કરી દેજો! સ્વાથ્ય માટે છે ખતરનાક

    ડોક્ટરને પૂછ્યા વગર શરદી-ઉધરસની દવા લેવાનું બંધ કરી દેજો! સ્વાથ્ય માટે છે ખતરનાક

    શું ડૉક્ટરની સલાહ લીધા વિના શરદી અને ખાંસી માટે દવા લેવી યોગ્ય છે? સ્વ-દવા સાથે સંકળાયેલા સ્વાસ્થ્ય જોખમો, એન્ટિબાયોટિક્સના દુરુપયોગના નુકસાન અને ફાયદાકારક ઘરેલું ઉપચાર વિશે જાણો.

    1. ડોક્ટરને પૂછ્યા વગર શરદી-ઉધરસની દવા લેવાનું બંધ કરી દેજો! સ્વાથ્ય માટે છે ખતરનાક

    વરસાદી મોસમમાં સર્દી-ઝુકામની સમસ્યા વધી જતી હોય છે. ક્યારેક ભીંજાઈ જવું, ક્યારેક તીવ્ર ધુપમાં ફરવું – શરીરના તાપમાનમાં આવતો બદલાવ આપણને બીમાર પાડી દે છે. આવા સમયમાં લોકો મોટાભાગે ડૉક્ટર પાસે ગયાં વગર સીધી દવા ખાવું શરૂ કરી દે છે, જેને સેલ્ફ-મેડિકેશન કહેવામાં આવે છે. પરંતુ શું એ સાચે સલામત છે?

    2. દવાઓ પોતે લેવી કેમ ખતરનાક?

    હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે ઘણી વખત આપણા શરીરને દવાની જરૂર જ નથી હોતી, અથવા ખોટી દવા લેવાથી પરિસ્થિતિ વધુ ખરાબ પણ બની શકે છે.

    3. ખોટી દવા લેવાનો જોખમ

    સર્દી-ઝુકામ હંમેશાં વાઇરલથી જ થતો નથી. ક્યારેક એલર્જી અથવા બેક્ટેરિયા પણ કારણ બની શકે છે. ખોટી દવા લેવાથી લાભ નહીં થાય, ઉપરથી સાઇડ ઇફેક્ટ્સ પણ થઈ શકે.

    4. એન્ટિબાયોટિક્સનો ખોટો ઉપયોગ

    મોટાભાગની સર્દી-ઝુકામ વાઇરલ હોવાથી એન્ટિબાયોટિક્સ અસરકારક નથી. જો બિનજરૂરી એન્ટિબાયોટિક લેવાય તો આગળ જઈને શરીર પર એ દવા કામ કરવાનું બંધ કરી શકે છે (એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ).

    5. ડોઝમાં ભૂલ

    દવાનો સાચો ડોઝ ખબર ન હોવાથી કદાચ અસર નહીં થાય અથવા શરીર પર નુકસાન થઈ શકે છે.

    6. શું કરવું?

    પૂરતો આરામ લો અને પાણી પીતા રહો. ગરમ સૂપ, હર્બલ ટી પીવાથી રાહત મળશે. દિવસમાં 2-3 વખત ભાપ લેવાથી નાકની બંધાશ અને ગળાની ખરાશમાં ફાયદો થશે. ઘરગથ્થું નુસખાં અપનાવો – જેમ કે આદુ-મધ, તુલસીની ચા. જો જરૂરી હોય તો ફક્ત પેરાસીટામોલ જેવી સામાન્ય દવા લો.એન્ટિબાયોટિક્સ ડૉક્ટર વિના ક્યારેય ન લો.

    7. ક્યારે ડૉક્ટરને મળવું જ જોઈએ?

    તાવ 101°F થી વધારે થાય ત્યારે, શ્વાસ લેવામાં તકલીફ થાય ત્યારે, બાળકો કે વૃદ્ધોને લાંબો સમય આરામ ન મળે ત્યારે, 3-4 દિવસ પછી પણ તકલીફ યથાવત રહે ત્યારે. સર્દી-તાવ સામાન્ય સમસ્યા છે, પણ દવા પોતાના મનથી લેવી હંમેશાં સલામત નથી. ઘરગથ્થું ઉપાય અને આરામથી સામાન્ય રીતે ફાયદો થઈ જાય છે. જો લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે તો તરત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

  • Solar Panels : PM સુર્યઘર યોજનામાં તમે કેટલા કિલોવોટની સોલાર પેનલ લગાવી શકો છો ? જાણી લો જવાબ

    Solar Panels : PM સુર્યઘર યોજનામાં તમે કેટલા કિલોવોટની સોલાર પેનલ લગાવી શકો છો ? જાણી લો જવાબ

    પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના સોલાર પેનલ: પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ, સોલાર પેનલ લગાવવા પર સબસિડી મળે છે. ચાલો તમને જણાવીએ કે આ યોજના હેઠળ કેટલા કિલોવોટ સોલાર પેનલ લગાવી શકાય છે.

    ઉનાળો હોય કે શિયાળો, લોકોના ઘરોમાં વીજળીનો વપરાશ ક્યારેય ઓછો થતો નથી. પરંતુ હવે લોકોએ વધતા વીજળી બિલ માટે એક નવો વિકલ્પ શોધી કાઢ્યો છે. હવે ઘણા લોકોએ તેમના ઘરોમાં સોલાર પેનલનો ઉપયોગ શરૂ કર્યો છે. તેના ઉપયોગથી લોકોને વીજળીના બિલમાંથી રાહત મળી છે. ભારત સરકાર સોલાર પેનલ લગાવવા પર લોકોને સબસિડી આપે છે.

    એટલા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં, ઘણા લોકોએ તેમના ઘરોમાં સોલાર પેનલ લગાવ્યા છે. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ, કેન્દ્ર સરકાર લોકોને સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપે છે. ચાલો તમને જણાવીએ કે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ કેટલા કિલોવોટ સોલાર પેનલ લગાવી શકાય છે.

    ભારત સરકાર પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા પર સબસિડી આપે છે. ઘણી વાર ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે કે આ યોજના હેઠળ ઘરોમાં કેટલા કિલોવોટનું સોલાર પેનલ લગાવી શકાય છે. જો તમારા મનમાં પણ આ જ પ્રશ્ન હોય, તો અમે તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ, તમે ઓછામાં ઓછું એક કિલોવોટનું સોલાર પેનલ લગાવી શકો છો.

    તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા કિલોવોટના હિસાબે સબસિડી આપવામાં આવે છે. જો તમે 1 કિલોવોટનું સોલાર પેનલ લગાવો છો. તો તેના પર 30,000 સુધીની સબસિડી આપવામાં આવે છે. બીજી તરફ, 2 કિલોવોટના સોલાર પેનલ સ્થાપિત કરવાથી ₹60,000 ની સબસિડી મળે છે, જ્યારે 3 કિલોવોટ અથવા તેથી વધુ ક્ષમતા ધરાવતા સોલાર પેનલ સ્થાપિત કરવાથી ₹78,000 ની સબસિડી મળે છે.

    પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર પેનલ સ્થાપિત કરવા માટે, તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ pmsuryaghar.gov.in પર મુલાકાત લેવી પડશે. ત્યારબાદ હોમપેજ પર ‘Apply for Rooftop Solar’ વિકલ્પ પર ક્લિક કરવું પડશે.આ પછી, તમારે તમારા રાજ્ય, વીજળી વિતરણ કંપની, ગ્રાહક નંબર, મોબાઇલ નંબર અને ઇમેઇલ જેવી વિગતોની નોંધણી પૂર્ણ કરવાની રહેશે. નોંધણી પછી, તમારે તમારા ગ્રાહક નંબર અને મોબાઇલ નંબર સાથે લોગિન કરવું પડશે.

    પછી તમારે જરૂરી દસ્તાવેજો સાથે રૂફટોપ સોલાર માટે અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ પછી, તમને વીજળી વિતરણ કંપની તરફથી મંજૂરી મળશે. તે પછી, વીજળી કંપનીમાં નોંધાયેલા કોઈપણ સોલાર પેનલ વિક્રેતા પાસેથી સોલાર પેનલ ઇન્સ્ટોલ કરાવો. નેટ મીટર માટે અરજી કરો. આ પછી, વીજળી કંપની તમારા ઘરે નિરીક્ષણ માટે આવશે અને તમને પ્રમાણપત્ર આપવામાં આવશે. આખી પ્રક્રિયા પછી, તમને 30 દિવસની અંદર સબસિડી મળશે.

  • મોરબી : રફાળેશ્ર્વર મહાદેવ મંદિરે લોકમેળાનો પ્રારંભ

    મોરબી : રફાળેશ્ર્વર મહાદેવ મંદિરે લોકમેળાનો પ્રારંભ

    મોરબીમાં જન્માષ્ટમી નિમિતે બબ્બે ક્રિષ્ના લોકમેળાને લોકોમાંથી પ્રચંડ પ્રતિસાદ મળ્યા બાદ મોરબી નજીક રફાળેશ્વર મહાદેવ મંદિરે વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણી અમાસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રૂપ અને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત સૌરાષ્ટ્રની લોક સાંસ્કૃતિક અને ભાતીગળ પરંપરાને ઉજાગર કરતા આજથી બે દિવસીય શિવ તરંગ પૌરાણિક લોકમેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ લોકમેળો શિવ ભક્તિ, મનોરંજન અને પિતૃતર્પણનો ત્રિવેણી સંગમ છે.

    જેમાં શ્રાવણી અમાસ અને શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાના સુવર્ણ અવસરે શિવભક્તિના કાર્યક્રમો તેમજ અમાસ નિમિતે મોરબી સહિત સૌરાષ્ટ્રભરના હજારો શ્રધ્ધાળુઓ અહીં ઉમટી પડી પિતૃતર્પણ કરશે.

    સાથેસાથે ઉમંગ ઉલલ્લાસભેર મેળાની મનભરીને મોજ માણશે. મોરબીમાં સામાજિક અને સેવાકીય કાર્યો થકી દેશભાવનાને ઉજાગર કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા વર્ષોની પરંપરા મુજબ શ્રાવણી અમાસ નિમિતે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજે એટલે તા.22 અને તા.23 ઓગસ્ટના રોજ બે દિવસ સુધી લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

    પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે અને એ પણ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ સાથે વર્ષોથી ભરાતા મેળાને શિવ ભક્તિની સાથે લોકમનોરંજનનો હેતુ હોવાથી આ રફાળેશ્વર લોકમેળાને શિવ તરંગ નામ આપવામાં આવ્યું છે.

    ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી, કારોબારી ચેરમેન જેન્તીભાઈ પડસુંબિયા, મોરબી તાલુકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાસજાળીયા, યુવા ભાજપના પૂર્વ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, જાંબુડિયા ગામના સરપંચ હંસાબેન રમેશભાઈ કણસાગરા તથા સદસ્ય તેમજ વાંકાનેરના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સહિતના સમાજ શ્રેષ્ઠીઓ અને વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓના હસ્તે આજથી બે દિવસ માટે રફાળેશ્વરના લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે.

    આ મેળામાં શિવ ભક્તિનું વિશેષ મહત્વ હોવાથી ભગવાન શિવની ભક્તિને ઉજાગર કરતા વિવિધ ભક્તિસભર કાર્યકમો યોજાઈ રહ્યા છે. અને આજે રાત્રે આખી રાત ભજનની રાવટીઓ ધમધમી ઉઠશે. આજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ તા.23ના રોજ મહાદેવના ગુણગાન ગાતા ભક્તિસભર, સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યકમો યોજાશે. સાથેસાથે રફાળેશ્વર મંદિરે પ્રાચીન પીપળે પિતૃતર્પણનું મહત્વ હોવાથી હજારો લોકો અમાસના દિવસે ઉમટી પડીને પિતૃતર્પણ કરશે.

    યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આ શિવ તરંગ મેળો ભગવાન ભોળાનાથની ભક્તિની સાથે ભારતીય સંસ્કૃતિને ખરા અર્થમાં ઉજાગર કરતો લોકમેળો છે. રફાળેશ્વર મેળો સમગ્ર સૌરાષ્ટ્રની આગવી ઓળખ છે. ભજન, ભક્તિ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ એટલે રફાળેશ્વર મેળો.

    આ મેળામાં મહાદેવના દર્શન, રફાળેશ્વર મંદિરે આવેલા પ્રાચીન કુંડમાંથી પાણી ભરી પ્રાચીન પીપળે રેડવાથી પિતૃઓને મોક્ષ મળે અને સાથે મનોરંજન માણવાની વર્ષો જૂની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. ત્યારે આજે મેળો ખુલ્લો મુકાતાની સાથે લોકો ઉમટી પડ્યા હતા.

  • ‘ભારતમાં TikTok પર પ્રતિબંધ યથાવત’, સરકારે કહ્યું- ચાલુ કરવાનો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી

    ‘ભારતમાં TikTok પર પ્રતિબંધ યથાવત’, સરકારે કહ્યું- ચાલુ કરવાનો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી

    જૂન 2020 માં, ભારત સરકારે TikTok, UC બ્રાઉઝર અને WeChat જેવી લોકપ્રિય સહિત 59 એપ્લિકેશનનો પર પ્રતિબંધ મુકયો હતો

    ભારત સરકારે શુક્રવારે એવા અહેવાલોને નકારી કાઢ્યા છે કે, ચાઇનીઝ વિડિઓ એગ્રીગેટર પ્લેટફોર્મ ટિકટોક પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે ભારતમાં ટિકટોક માટે કોઈ અનબ્લોકિંગ ઓર્ડર જારી કરવામાં આવ્યો નથી.

    આવા કોઈપણ નિવેદન અથવા સમાચાર ખોટા અને ભ્રામક છે. જોકે, ઈ-કોમર્સ વેબસાઇટ Aliexpress અને ઓનલાઇન કપડાં વેચતી વેબસાઇટ SHEIN  અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા આવી નથી.

    જોકે કેટલાક વપરાશકર્તાઓ TikTok ની વેબસાઇટ ઍક્સેસ કરી શક્યા હતા, પરંતુ તેઓ લોગ ઇન કરી શક્યા ન હતા, અપલોડ કરી શક્યા ન હતા કે વિડિઓઝ જોઈ શક્યા ન હતા. આ ચાઇનીઝ વિડિઓ પ્લેટફોર્મની એપ્લિકેશન ભારતમાં એપ સ્ટોર પર પણ ઉપલબ્ધ નથી.

    ટેલિકોમ્યુનિકેશન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ આ વેબસાઇટને સતત બ્લોક કરી રહ્યા છે. જોકે, કેટલાક ઇન્ટરનેટ વપરાશકર્તાઓ તેને કેવી રીતે ઍક્સેસ કરી શકે છે તે સ્પષ્ટ નથી. જૂન 2020 માં, ભારત સરકારે 59 મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.

    જેમાં મોટાભાગે ચાઇનીઝ એપ્લિકેશનો હતી. આમાં ઝTikTok, UC બ્રાઉઝર અને WeChat જેવી લોકપ્રિય એપ્લિકેશનો શામેલ હતી. સરકારે આ ચાઇનીઝ એપ્લિકેશનોને ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, સુરક્ષા અને જાહેર વ્યવસ્થા માટે ખતરો ગણાવ્યો હતો.

    ચીન સાથે ભારતના વધતા સરહદી તણાવની પૃષ્ઠભૂમિ સામે આ પગલું લેવામાં આવ્યું હતું. 15-16 જૂન 2020 ની રાત્રે, પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય સેનાના સૈનિકોની ચીની સૈનિકો સાથે હિંસક અથડામણ થઈ હતી.

    આ ઘટના પછી, ચીન અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ. આ પછી, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 59 મોબાઇલ એપ્સ પર પ્રતિબંધની જાહેરાત કરી. આ બધી એપ્સ ભારતીય નાગરિકોનો ડેટા લીક કરી રહી હતી. ટેક નિષ્ણાતોએ કહ્યું હતું કે આ એપ્સ ભારતીયોના લોકેશન ડેટા લે છે અને ફાઇલોને ચીનમાં સ્થિત સર્વર પર ટ્રાન્સફર કરે છે.

  • 20 વર્ષ કે તેથી જુના વાહનોની રજીસ્ટ્રેશન રીન્યુઅલ ફીમાં 100%નો વધારો

    20 વર્ષ કે તેથી જુના વાહનોની રજીસ્ટ્રેશન રીન્યુઅલ ફીમાં 100%નો વધારો

    ટુવ્હીલર અને થ્રીવ્હીલર ઉપરાંત લાઈટ કોમર્શીયલ વ્હીકલનો સમાવેશ

    દેશમાં માર્ગો પર ફરતા જુના વાહનો કે જે પ્રદુષણ વધારે છે તથા અકસ્માત થવાની શકયતા પણ વધી જાય છે તે વચ્ચે સ્ક્રેપ પોલીસીમાં જાજી સફળતા ન મળતા હવે કેન્દ્ર સરકારે 20 વર્ષ કે તેથી જુના વાહનોના રજીસ્ટ્રેશન રીન્યુઅલ ફીમાં ડબલ વધારો કર્યો છે.

    કેન્દ્રના નોટીફીકેશન મુજબ ટુવ્હીલર કે જે 20 વર્ષથી જુના છે તેની રજીસ્ટ્રેશન ફી રૂા.1000 ને બદલે 2000 રહેશે. થ્રી વ્હીલર કે કવા ડ્રાઈસિકલની રજીસ્ટ્રેશન ફી રૂા.3500માંથી વધારીને રૂા.5000 કરવામાં આવી છે.

    જયારે લાઈટ મોટર વ્હીકલની રજીસ્ટ્રેશન ફી રૂા.5000માંથી 10000 કરવામાં આવી છે અને જો તે આયાતી હશે તો તેની ફી ટુ અને થ્રી વ્હીલરમાં રૂા.20000 અને ફોરવ્હીલરમાં રૂા.80000 હશે. આ નવો વધારો 21 ઓગષ્ટથી લાગુ થઈ ગયો છે. સુપ્રીમકોર્ટે હાલમાં જ 10 વર્ષથી જુના વાહનો માટે રજીસ્ટ્રેશન ફી વધારવા લીલીઝંડી આપી હતી.

  • ટ્રમ્પના ટેરિફ વિવાદ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય: 25 ઓગસ્ટથી અમેરિકા માટે પોસ્ટલ સર્વિસ બંધ કરી

    ટ્રમ્પના ટેરિફ વિવાદ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય: 25 ઓગસ્ટથી અમેરિકા માટે પોસ્ટલ સર્વિસ બંધ કરી

    અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ લાદવામાં આવ્યા બાદ હવે ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ભારતીય પોસ્ટ વિભાગે અમેરિકા માટેની મોટા ભાગની સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી છે. આ નિર્ણય અમેરિકાના નવા ફરમાનના કારણે ભારતે આ મોટો નિર્ણય લેવાની નોબત આવી છે.

    30 જુલાઈ, 2025 ના રોજ યુએસ સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. અમેરિકાએ હવે 800 ડોલર સુધીના સામાન પર કસ્ટમ ડ્યુટીમાં મળતી છૂટ ખતમ કરી છે. અત્યાર સુધી 800 ડોલર સુધીના સામાન પર ડ્યુટી લાગતી નહોતી. પણ હવે એવું થશે નહીં. ભારતથી અમેરિકા જતાં સામાન પર 29 ઓગસ્ટથી કસ્ટમ ડ્યુટી લાગશે.

    યુએસના આદેશ મુજબ, આંતરરાષ્ટ્રીય પોસ્ટલ નેટવર્ક અથવા યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) દ્વારા મંજૂર કરાયેલા અન્ય પક્ષો દ્વારા માલ પહોંચાડતી એરલાઇન્સે પણ પોસ્ટલ શિપમેન્ટ પર ટેરિફ વસૂલવા અને ચૂકવવા જરૂરી છે. આ સંદર્ભમાં, CBPએ 15 ઓગસ્ટના રોજ માર્ગદર્શિકા પણ જારી કરી છે, પરંતુ કર સંગ્રહ અને મોકલવાની સિસ્ટમ જેવી ઘણી બાબતો હજુ નક્કી થઈ નથી.

    જેના કારણે અમેરિકા જતી એરલાઇન્સે 25 ઓગસ્ટ, 2025 પછી પોસ્ટલ કન્સાઇન્મેન્ટ સ્વીકારવામાં અસમર્થતા વ્યક્ત કરી છે, કારણ કે તેમણે ઓપરેશનલ અને ટેકનિકલ તૈયારીનો અભાવ દર્શાવ્યો છે. આ બધા કારણોને ધ્યાનમાં રાખીને, પોસ્ટ વિભાગે 25 ઓગસ્ટથી અમેરિકા જતી તમામ પ્રકારની પોસ્ટલ વસ્તુઓનું બુકિંગ અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ હવે US $ 100 સુધીની પોસ્ટ મોકલી શકાય છે.

    ભારતીય પોસ્ટ વિભાગે કહ્યું છે કે જે ગ્રાહકોએ આવી સેવા પહેલાથી જ બુક કરાવી હતી અને હવે આ પરિસ્થિતિઓને કારણે અમેરિકા પાર્સલ મોકલી શકતા નથી તેઓ રિફંડનો દાવો કરી શકે છે. પોસ્ટ વિભાગે ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી છે અને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં અમેરિકામાં સંપૂર્ણ સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે પગલાં લેવામાં આવશે.

  • મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે મુકેશકુમાર પટેલને મૂકાયા

    મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે મુકેશકુમાર પટેલને મૂકાયા

    રાજ્યના 105 IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર પટેલને મોરબી એસપી તરીકે જવાબદારી સોપવામાં આવી છે.

    લાંબા સમયથી પ્રતીક્ષામાં રહેલ આઈપીએસ બદલીના ઓર્ડર આખરે આપી દેવામાં આવ્યા છે રાજ્યના 105 IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ SOG અમદાવાદ સીટી ખાતે બદલી કરવામાં આવી છે તેમના સ્થાને મુકેશકુમાર પટેલને મોરબી એસપી તરીકે મુકવામાં આવ્યા છે ગાંધીનગર CID ક્રાઈમમાં ફરજ બજાવતા મુકેશકુમાર પટેલને મોરબી જીલ્લા એસપી તરીકે નિમણુક આપવામાં આવી છે.

  • ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય : નવી ગ્રામ પંચાયતો માટે ખોલી દીધી સરકારી તિજોરી

    ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય : નવી ગ્રામ પંચાયતો માટે ખોલી દીધી સરકારી તિજોરી

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પ્રથમવાર એકસાથે ૨૦૫૫ નવીન ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘર નિર્માણ માટે ૪૯૦ કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કર્યુ છે. ગ્રામ પંચાયતોના મકાન અને તલાટી કમ મંત્રી આવાસ બાંધકામોમાં ૧૦૦ ટકા નિર્માણ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયત ઘર કમ તલાટી-મંત્રી આવાસ યોજનામાં 100 ટકા સેચ્યુરેશન લાવવાના હેતુસર રાજ્યમાં 2055 નવીન ગ્રામ પંચાયત ઘરો માટે 489.95 કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કર્યુ છે.

    ત્રિસ્તરિય પંચાયતી રાજ વ્યવસ્થાનો મહત્વનો અને પાયાનો એકમ એવી ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘર ઉપલબ્ધ થાય તેવો ઉદ્દેશ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ માતબર અનુદાન મંજૂર કરવામાં રાખ્યો છે.

    રાજ્યની જર્જરિત પંચાયત ઘર ધરાવતી અને પંચાયત ઘર ધરાવતી ન હોય તેવી ગ્રામ પંચાયતોને નવીન પંચાયત ઘર તેમજ તલાટી કમ મંત્રી આવાસ નિર્માણ માટે રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા દર વર્ષે બજેટમાંથી નાણાં ફાળવવામાં આવે છે અને જરૂરીયાત મુજબ પંચાયત ઘરોનું નિર્માણ પણ થાય છે.

    તદઅનુસાર, 10 હજારથી વધુ વસ્તીવાળા ગામોને રૂપિયા 40 લાખ, 5 થી 10 હજાર સુધીની વસ્તી ધરાવતા ગામોને રૂ.૩૪.૮૩ લાખ અને ૫ હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામોને ૨૫ લાખ રૂપિયાનું અનુદાન ગ્રામ પંચાયત ઘર-તલાટી કમ મંત્રી આવાસ બનાવવા માટે અપાય છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં પ્રથમવાર એકસાથે રાજ્યની ૨૦૫૫ ગ્રામ પંચાયતોમાં નવીન પંચાયત ઘર માટે જે તે ગામની વસ્તી આધારિત યુનિટ કોસ્ટ મુજબ સમગ્રતયા ૪૮૯.૯૫ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે તેના પરિણામે મોટા ભાગની ગ્રામ પંચાયતો આ વર્ષમાં જ પોતાના મકાનોનું નિર્માણ કાર્ય હાથ ધરી શકશે.

    એટલું જ નહિ, આધુનિક સવલતો સાથેની ગ્રામ પંચાયત કચેરીઓ દ્વારા નાગરિકોને ગ્રામ્ય સ્તરે જ સરળતાથી અને ઝડપી સરકારી સેવાઓ મળી રહે એવો સકારાત્મક અભિગમ પણ મુખ્યમંત્રીશ્રીએ અપનાવ્યો છે.

    આ ઉપરાંત પંચાયત વિભાગની અન્ય યોજનાઓમાં આવરી લેવાયેલી ગ્રામ પંચાયતોમાં પણ આવા પંચાયત ઘરોના નિર્માણમાં ૧૦૦ ટકા સેચ્યુરેશન લાવવાની કામગીરી પ્રગતિમાં છે.

    આ કામગીરી પૂર્ણ થતાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતો પોતિકા ગ્રામ પંચાયત ઘરોથી સુસજ્જ બનશે અને ગ્રામીણ નાગરિકોને ઘર આંગણે જ ઝડપી સરકારી સેવાઓ મળતી થશે.