
‘શ્રી મારુ કંસારા યુવા પ્રગતિ મંડળ, જૂનાગઢ’ સંસ્થા દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે તા. 17-5-2026ના રોજ શ્રી હરિ વાડી, જૂનાગઢ ખાતે ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સમન્વય ધરાવતા અદભુત ‘હરિ રસની હેલી’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અતિથિઓનું તિલક સાથે પુષ્પવર્ષા કરી સ્વાગત ભવ્ય સ્વાગત કરાયું હતું.

કાર્યક્રમની શરૂઆત વિદ્વાન શાસ્ત્રીના વૈદિક મંત્રોચ્ચાર સાથે ગણેશજીની પૂજા અને વિષ્ણુ ભગવાનના સ્થાપન-પૂજનથી કરવામાં આવી હતી. સ્વાતિબેન અને તુષારભાઈ છત્રારાના હસ્તે વિધિવત પૂજન કરાયું હતું. ત્યારબાદ શાસ્ત્રી દ્વારા ‘પુરુષોત્તમ માસના માહાત્મ્ય’ વિષયક કથાનું ભાવભીનુ વર્ણન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ કંસારા સમાજમાં કદાચ પ્રથમ વખત યોજાયેલ ‘માતા-પિતાનું પૂજન’ કાર્યક્રમ રહ્યો હતો. માતા-પિતાને ખુરશી પર બેસાડી સંતાનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ તિલક કરી, પાદ પ્રક્ષાલન, પુષ્પવર્ષા, પ્રદક્ષિણા અને પ્રણામ કરીને માતા – પીતાનું પૂજન કરવામાં આવ્યું હતું. માતા-પિતાએ સંતાનોને ખેસ પહેરાવી અંતરના આશીર્વાદ આપ્યા હતા. આ લાગણીસભર પ્રસંગે ઉપસ્થિત સૌની આંખો ભીની બની હતી. તુષારભાઈ છત્રારા અને શાસ્ત્રીએ માતા-પિતાના આશીર્વાદનું સંતાનના જીવનમાં રહેલું મહત્વ સમજાવ્યું હતું.

આ અવિસ્મરણીય અને સંસ્કૃતિપ્રેરક કાર્યમાં કુલ 20 પરિવારો સહર્ષ જોડાયા હતા. સમગ્ર વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું.
ત્યારબાદ ધોરણ 1થી 12 સુધીના વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ તકે ગિરનાર પર્વત આરોહણ માટે ગિનિસ બુકમાં સ્થાન મેળવનાર તેમજ 100 કિમીથી વધુનું સાયક્લોથોન પૂર્ણ કરનાર ડૉ. શૈલેશ બારમેડા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર વૃન્દાવનભાઈ સોલંકીને સન્માનપત્ર આપી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં ડૉ. મહેન્દ્રભાઈ છત્રારા, રમેશભાઈ બારમેડા, કિશનભાઈ બુધ્ધભટ્ટી, નરેન્દ્રભાઈ મેવચા, રાધેભાઈ સોલંકી, પ્રદીપભાઈ ભૂત, શકુન્તલાબેન પરમાર અને પ્રફુલભાઈ મેવચા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

ત્યારબાદ ચેતનભાઈ સોલંકી, શ્રુતિબેન છત્રારા, રમેશભાઈ બારમેડા અને સહયોગી કલાકારો દ્વારા ભક્તિગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી. ભક્તિમય સંગીત અને ગરબાના તાલે સમગ્ર વાતાવરણમાં અદભુત ઉર્જાનો સંચાર થયો હતો.

કાર્યક્રમના અંતે સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તુષારભાઈ છત્રારા અને આનંદીબેન બારમેડાએ કર્યું હતું.

પ્રગતિ મંડળના આ આયોજન માટે જ્ઞાતિજનો તરફથી ભરપૂર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. ભોજન સમારંભનો સંપૂર્ણ ખર્ચ પ્રફુલભાઈ મેવચાએ રૂ. 27,000ની સહાય આપી ઉઠાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમમાં જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી. ઉપસ્થિત તમામ પરિવારોને સંસ્થાની તરફથી આકર્ષક મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

“હરિ રસની હેલી” જેવા સંસ્કારપ્રેરક અને સમાજજાગૃતિના કાર્યક્રમ દ્વારા શ્રી મારુ કંસારા યુવા પ્રગતિ મંડળે સમાજમાં આધ્યાત્મિકતા, પરિવારમૂલ્યો અને સાંસ્કૃતિક એકતાનો સશક્ત સંદેશ પ્રસરાવ્યો હતો. કાર્યક્રમને લઈને સમગ્ર જૂનાગઢ સહિત ગુજરાતભરમાં સકારાત્મક ચર્ચા જાગી હતી તેમજ ઉપસ્થિત લોકોએ આયોજનની ખુબ પ્રશંસા કરી હતી.


















