
મોરબી જિલ્લાના નવા કલેક્ટર તરીકે ૨૦૧૭ની બેચના કર્મઠ આઈએએસ અધિકારી સ્વપ્નિલ ખરેએ વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તાજેતરની બદલીઓમાં મોરબીના કલેક્ટર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. નવયુવાન અને અભ્યાસુ વ્યક્તિત્વ ધરાવતા સ્વપ્નિલ ખરેએ પદભાર સંભાળતાની સાથે જ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મૂળ મધ્યપ્રદેશના ભોપાલના વતની સ્વપ્નિલ ખરેએ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા આઈ.આઈ.ટી. દિલ્હીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેકની પદવી પ્રાપ્ત કરી છે. વહીવટી સેવામાં જોડાયા બાદ તેમણે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોબેશનર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ પાટણમાં ફરજ બજાવ્યા બાદ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી (DDO) તેમજ રાજકોટ મહાનગરપાલિકામાં ડેપ્યુટી જિલ્લા કલેક્ટર તરીકે મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી હતી.

કાર્યભાર સંભાળ્યા બાદ સ્વપ્નિલ ખરેએ પોતાની પ્રાથમિકતાઓ અંગે જણાવ્યું હતું કે જિલ્લામાં મહેસૂલી કામગીરી વધુ સુદ્રઢ અને ન્યાયિક રીતે થાય તે દિશામાં સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવશે. વહીવટી તંત્રના તમામ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન સાધી કામગીરીમાં આદર્શ સમન્વય સ્થાપવામાં આવશે તેમજ જિલ્લામાં ચાલી રહેલા વિકાસના કામો ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે.

કલેક્ટર કચેરી ખાતે આગમન સમયે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી નવનિયુક્ત કલેક્ટરનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

























