HomeAllમોરબીના નવા ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં આજે સળગતી ઇઢોણી અને તલવાર...

મોરબીના નવા ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં આજે સળગતી ઇઢોણી અને તલવાર રાસ બનશે મુખ્ય આકર્ષણ

મોરબી : 16-10-2026 : મોરબીના શનાળા રોડ પર આવેલા નવા ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં નવરાત્રિ મહોત્સવ અંતર્ગત આજે છઠ્ઠા નોરતે ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. માતાજીની આરાધના, પરંપરાગત રાસની રમઝટ અને સાહસિક નૃત્ય પ્રસ્તુતિઓથી ગરબીચોક ભક્તિમય બની રહેશે.

આજના કાર્યક્રમમાં વિવિધ થીમ આધારિત ગરબા, ઐતિહાસિક રાસ અને વિશિષ્ટ સાંસ્કૃતિક કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. બાળાઓ દ્વારા ‘રૂડે ગરબે રમે છે’ અને ‘આદ્યશક્તિ તુજને નમું’ જેવી ભક્તિપૂર્ણ કૃતિઓ સાથે પરંપરાગત તલવાર રાસ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત સળગતી ઇઢોણી સાથેનો રાસ સાહસ, કૌશલ્ય અને પરંપરાનો અનોખો સમન્વય રજૂ કરશે.

કાર્યક્રમમાં ‘એક વણઝારી ઝૂલણા ઝૂલતી તી’ અને ‘કોઈ કહેજો કાના ના કાનમાં’ જેવી જાણીતી કૃતિઓ ઉપરાંત કચ્છી રાસ અને ‘અઘોર નગારાં’ જેવી વિશિષ્ટ પ્રસ્તુતિઓ પણ રજૂ કરવામાં આવશે. બાળાઓ દ્વારા મહેનતપૂર્વક તૈયાર કરાયેલી આ કૃતિઓ નવરાત્રિના ઉત્સવમાં પરંપરાગત લોકસંસ્કૃતિની આગવી ઝલક રજૂ કરશે.

ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળ દ્વારા છેલ્લા 34 વર્ષથી પ્રાચીન ગરબીની પરંપરાને જાળવી રાખવા અને નવી પેઢી સુધી પહોંચાડવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અહીં હિન્દી ફિલ્મી ગીતોને બદલે માતાજીનાં ગુણગાન, પરંપરાગત રાસ-ગરબા અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે.

મંડળના આ પ્રયાસોથી પ્રાચીન ગરબીની પરંપરા જીવંત રહેવાની સાથે બાળાઓને પોતાની કલા અને પ્રતિભા રજૂ કરવાની તક પણ મળી રહી છે. ગરબી મંડળ દ્વારા ધર્મપ્રેમી જનતા અને ખેલૈયાઓને આજે ઉપસ્થિત રહી માતાજીની આરાધનામાં જોડાવા તથા બાળાઓની કલાને પ્રોત્સાહિત કરવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments