HomeAllમોરબીની ૧૫૭ પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ બની ‘ઈ-પેક્સ’: ડિજિટલ સેવાઓથી સહકારી...

મોરબીની ૧૫૭ પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ બની ‘ઈ-પેક્સ’: ડિજિટલ સેવાઓથી સહકારી ક્ષેત્રમાં પારદર્શિતાનો નવો અધ્યાય

NABARD, કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી ગ્રામ્ય સહકારી વ્યવસ્થાનું આધુનિકીકરણ; ૩.૫૪ લાખથી વધુ વાઉચર એન્ટ્રી ડિજિટલ માધ્યમથી પૂર્ણ

માહિતી મોરબી: તા. ૦૬ નવેમ્બર, ૨૦૨૬, ગ્રામીણ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા અને ખેડૂતોને આધુનિક ટેકનોલોજી આધારિત સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી મોરબી જિલ્લામાં પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ (PACS) ના કમ્પ્યુટરાઇઝેશનની કામગીરી નોંધપાત્ર સફળતા સાથે આગળ વધી રહી છે. ભારત સરકારના સહકાર મંત્રાલય, NABARD અને ગુજરાત સરકારના સંયુક્ત સહયોગથી અમલમાં મૂકાયેલા ‘પેક્સ કમ્પ્યુટરાઇઝેશન પ્રોજેક્ટ’ અંતર્ગત જિલ્લાના ૧૫૯ પેક્સને મંજૂરી આપવામાં આવી હતી, જેમાંથી ૧૫૭ મંડળીઓ સફળતાપૂર્વક ‘ઈ-પેક્સ’ બની છે. આ સિદ્ધિથી મોરબીના સહકારી ક્ષેત્રમાં ડિજિટલ વ્યવસ્થાનો વ્યાપ વધ્યો છે.

ડિજિટલ વ્યવસ્થાથી સહકારી મંડળીઓની કામગીરીમાં ગતિ અને ચોકસાઈ: પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં મંજૂર થયેલી મંડળીઓને જરૂરી કમ્પ્યુટર ઉપકરણો અને સક્ષમ સોફ્ટવેર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં મોરબી જિલ્લાની ૧૫૭ પેક્સ મંડળીઓનું સોફ્ટવેર લાઈવ કરી ડિજિટલ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ મંડળીઓ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૩,૫૪,૯૫૦થી વધુ વાઉચર એન્ટ્રીઓ ઓનલાઈન પૂર્ણ કરવામાં આવી છે.

સહકારી મંડળીઓના હિસાબોમાં પારદર્શિતા અને નાણાકીય વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ૧૫૦ પેક્સનું તથા વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૪૬ પેક્સનું સિસ્ટમ ઓડિટ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કામગીરીથી મંડળીઓની હિસાબી પ્રક્રિયા વધુ વ્યવસ્થિત અને વિશ્વસનીય બની છે.

ખેડૂતોને ઘરઆંગણે મળશે આધુનિક અને સરળ સેવાઓ: પેક્સ કમ્પ્યુટરાઇઝેશન પ્રોજેક્ટના પરિણામે ખેડૂતોને સહકારી મંડળીઓ મારફતે મળતી સેવાઓ વધુ ઝડપી, સરળ અને પારદર્શક બની રહી છે. પરંપરાગત કાગળ આધારિત વ્યવસ્થાના સ્થાને ડિજિટલ પ્રક્રિયાઓ અમલમાં આવતા સમયની બચત સાથે કામગીરીમાં ચોકસાઈ પણ વધી છે.

આ અંગે મોરબી જિલ્લા સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર ડો. બિમલકુમાર પટેલે જણાવ્યું હતું કે, પેક્સ કમ્પ્યુટરાઇઝેશન પ્રોજેક્ટના અમલીકરણથી ખેડૂતોને પારદર્શક અને વિશ્વસનીય સેવાઓ મળી રહી છે. આ ડિજિટલ પરિવર્તનથી સહકારી ક્ષેત્ર પ્રત્યે ખેડૂતોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને ગ્રામીણ અર્થતંત્રને નવી દિશા મળી રહી છે.

ધિરાણથી આગળ વધીને બહુહેતુક સંસ્થાઓ બનશે પેક્સ: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પેક્સ મંડળીઓને માત્ર કૃષિ ધિરાણ પૂરતી મર્યાદિત રાખવાને બદલે આર્થિક રીતે આત્મનિર્ભર અને બહુહેતુક સંસ્થાઓ તરીકે વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મોડેલ બાય-લોઝનો સ્વીકાર અને કમ્પ્યુટરાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ થવાથી મંડળીઓ માટે નવી પ્રવૃત્તિઓના દ્વાર ખુલ્યા છે.

આગામી સમયમાં પેક્સ મંડળીઓ કોમન સર્વિસ સેન્ટર (CSC), જન ઔષધિ કેન્દ્ર, ખાતર અને બિયારણ વિતરણ તેમજ કસ્ટમ હાયરિંગ સેન્ટર જેવી વિવિધ સેવાઓ શરૂ કરી શકશે. આ પહેલથી ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી અને આર્થિક સેવાઓની પહોંચ વધશે તેમજ મંડળીઓની આવકના નવા સ્ત્રોત ઊભા થશે.

આધુનિક ટેકનોલોજીથી સહકારી વ્યવસ્થાનું સુદૃઢીકરણ: દૈનિક ડે-એન્ડ પ્રક્રિયા, ઓન-સિસ્ટમ ઓડિટ અને વાઉચર રીકન્સિલિએશન જેવી આધુનિક પદ્ધતિઓના અમલથી મંડળીઓના નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા અને ચોકસાઈ સુનિશ્ચિત થઈ રહી છે. હાર્ડવેરની સ્થાપના, ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને તાલીમબદ્ધ કર્મચારીઓના માધ્યમથી ડિજિટલ વ્યવસ્થાને અસરકારક બનાવવામાં આવી છે.

‘સહકારથી સમૃદ્ધિ’ના રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરવાની દિશામાં મોરબી જિલ્લાની આ પ્રગતિ મહત્વપૂર્ણ છે. NABARD તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી પેક્સ મંડળીઓનું ડિજિટલ પરિવર્તન માત્ર વહીવટી સુધારણા પૂરતું નહીં, પરંતુ ખેડૂતોને વધુ સક્ષમ બનાવવા અને ગ્રામ્ય સહકારી ક્ષેત્રને આધુનિક યુગ સાથે જોડવાનું એક મહત્વપૂર્ણ પગલું બની રહ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments