HomeAllમોરબીમાં દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો, બજારોમાં રોનક પરત ફરી

મોરબીમાં દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો, બજારોમાં રોનક પરત ફરી

ધનતેરસે સોના-ચાંદીની ખરીદીમાં ઉત્સાહ, વાહનો અને કપડાંના વેપારમાં પણ તેજી

મોરબી: તા. ૬ નવેમ્બર, ૨૦૨૬

મોરબી શહેરમાં દિવાળીના તહેવારોને લઈને બજારોમાં ખરીદીનો માહોલ જામી રહ્યો છે. સિરામિક અને પેપરમિલ ઉદ્યોગમાં મંદી તેમજ વૈશ્વિક સ્તરે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ તહેવારની રોનક બજારોમાં જોવા મળી રહી છે. ફટાકડા, કપડાં, મીઠાઈ, ઘર સુશોભનની વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સ અને વાહનોની ખરીદીમાં તેજી નોંધાઈ રહી છે. અગિયારસથી શરૂ થયેલી તહેવારોની ખરીદી ધનતેરસના પાવન દિવસે વધુ વેગવાન બનતા વેપારીઓમાં દિવાળીના વેપારને લઈને આશાવાદ જોવા મળી રહ્યો છે.

રવાપર ચોકડીથી શનાળા સ્કાયમોલ સુધી બજારોમાં ગ્રાહકોનો ધસારો

મોરબી શહેરના રવાપર ચોકડીથી લઈને શનાળા સ્કાયમોલ સુધીના મુખ્ય બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને કપડાં અને રેડીમેડ ગારમેન્ટ્સની દુકાનોમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી સારી ઘરાકી નીકળી રહી છે. શહેર ઉપરાંત પાવળિયારી અને ઢુવા જેવા વિસ્તારોમાં પણ કાપડના વેપારમાં તેજી જોવા મળી રહી છે. મોરબી શહેરમાં ૨૦૦થી વધુ કાપડ અને રેડીમેડની દુકાનો આવેલી છે, જ્યાં તહેવારની ખરીદી માટે ગ્રાહકો ઉમટી રહ્યા છે.

ફટાકડા બજારમાં ૫૦૦થી ૬૦૦ વેરાઈટી, રૂ. ૨થી ૨૫ હજાર સુધીની કિંમત

દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને ફટાકડા બજારમાં પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી છૂટછાટ બાદ વેપારીઓએ ફાયર સેફ્ટી અને પોલીસ વેરિફિકેશનની કામગીરી પૂર્ણ કરીને પતરાના મંડપ તૈયાર કર્યા છે. આ વર્ષે બજારમાં ૫૦૦થી ૬૦૦ જેટલી વિવિધ પ્રકારની ફટાકડાની આઈટમો ઉપલબ્ધ છે, જેની કિંમત રૂ. ૨થી લઈને રૂ. ૨૫,૦૦૦ સુધીની છે. નવી વેરાઈટીઓ ઉપરાંત રમકડાંના આકારના ફટાકડા બાળકો અને ગ્રાહકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

હોલસેલ ફટાકડા વેપારીઓને દિવાળીમાં ફળદાયી વેપારની આશા

ફટાકડાના હોલસેલ વેપારી દિપક પોપટના જણાવ્યા અનુસાર, મોરબીના સ્થાનિક ગ્રાહકો ઉપરાંત બહારગામથી ગૌશાળાના સંચાલકો પણ મોટી સંખ્યામાં ફટાકડાની ખરીદી કરવા આવી રહ્યા છે. મોર, સિટી ચક્કર, ડીલક્સ ચક્કર, ફાયર પેન્સિલ, મેજિક વિન્ડ, ગોલ્ડન વિન્ડ, બટરફ્લાય અને શિન ચેન જેવી વિવિધ આઈટમો બજારમાં લોકપ્રિય બની છે. હથોડા, ગદા, બેટ અને કુહાડી જેવા આકારના ફટાકડા પણ ગ્રાહકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. સ્ટોલની સંખ્યામાં વધારો થતાં રિટેલ વેપારીઓને થોડી અસર થવાની શક્યતા હોવા છતાં મોરબીના મુખ્ય ૬થી ૭ હોલસેલ વેપારીઓ માટે આ દિવાળી લાભદાયી બની રહેવાનો અંદાજ છે.

કાપડ બજારમાં ધારણા કરતાં વધુ ઘરાકી, વેપારીઓમાં સંતોષ

કાપડના વેપારી મહેશભાઈના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં આ વર્ષે દિવાળીના વેપાર અંગે આશંકા હતી, પરંતુ બજારમાં ધારણા કરતાં વધુ સારી ઘરાકી જોવા મળી રહી છે. મુખ્ય બજારો ઉપરાંત પાવળિયારી અને ઢુવા જેવા વિસ્તારોમાં પણ અંદાજે ૫૦ જેટલી નવી કાપડની દુકાનો ધમધમી રહી છે. તહેવારની ખરીદીમાં આવેલી તેજીને કારણે નાના-મોટા તમામ કાપડના વેપારીઓમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.

ધનતેરસે સોના-ચાંદી અને આભૂષણોના રૂ. ૧૦થી ૧૫ કરોડના વેપારનો અંદાજ

ધનતેરસના પાવન પર્વે સોના-ચાંદીની શુકનવંતી ખરીદી માટે ઝવેરી બજારમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાતા ગ્રાહકોમાં ખરીદીનો ઉત્સાહ વધ્યો છે. જોકે, સોનાના ભાવમાં ઘટાડા બાદ ફરી ઉછાળો આવ્યો હોવા છતાં ઘરાકી સારી રહી છે. જ્વેલર્સ વેપારી નિલેશભાઈ પારેખના જણાવ્યા અનુસાર, મોરબી શહેરમાં ધનતેરસના દિવસે સોના-ચાંદી અને આભૂષણોની અંદાજિત રૂ. ૧૦થી ૧૫ કરોડની ખરીદી થવાની શક્યતા છે. છૂટક ખરીદી પણ સારી રહેતા ઝવેરી બજારના વેપારીઓ માટે તહેવાર લાભદાયી બની રહેવાનો અંદાજ છે.

ઇલેક્ટ્રોનિક્સ અને વાહન બજારમાં પણ ખરીદીનો ધમધમાટ

દિવાળીના તહેવાર નિમિત્તે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની દુકાનો તેમજ કાર અને બાઈકના શોરૂમમાં પણ ગ્રાહકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવા વાહનોના બુકિંગ અને ડિલિવરી માટે ગ્રાહકોનો ધસારો નોંધાઈ રહ્યો છે. એકંદરે ઔદ્યોગિક મંદીના પડકારો વચ્ચે પણ મોરબીના બજારોમાં દિવાળીની ખરીદીમાં આવેલી તેજીથી કરોડો રૂપિયાના વેપારની શક્યતા ઊભી થઈ છે. તહેવારની આ રોનક સ્થાનિક વેપાર-ધંધાને નવી ગતિ આપશે તેવી વેપારીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments