
દિવાળીના: પર્વની ઉજવણી સાથે જ વેપારી આલમમાં નવા વેપારી વર્ષની શરૂઆતની તૈયારીઓ પણ આરંભાઈ જાય છે. દિવાળીના દિવસે લક્ષ્મીપૂજનની સાથે ચોપડા પૂજનનું પણ વિશેષ ધાર્મિક અને વ્યાવસાયિક મહત્ત્વ રહેલું છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા અંતર્ગત વેપારીઓ જૂના હિસાબોનું સરવૈયું કરી નવી હિસાબની ચોપડીઓનું પૂજન કરીને નવા વેપારી વર્ષની શુભ શરૂઆત કરે છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, પુષ્ય નક્ષત્રના દિવસે શુભ મુહૂર્તમાં ચોપડાની ખરીદી કરવામાં આવે છે અને દિવાળીના દિવસે વિધિપૂર્વક તેનું પૂજન કરવામાં આવે છે. ધનતેરસના દિવસે વિવિધ વેપારીઓની ચોપડા ખરીદી માટે ભારે ભીડ ઉમટી પડી છે.

પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતા આ ચોપડા ખાસ એકાઉન્ટ્સ પેપર, પીળા અને સફેદ કાગળ તેમજ ગાદી પૂંઠામાંથી તૈયાર કરવામાં આવે છે. હાલ બાજારમાં રૂ. 200 થી લીઈને 350 સુધીના ચોપડા ઉપલબ્ધ છે. વેપારીઓ પોતાની જરૂરિયાત મુજબ ખાતાવહી, ઉઘરાણી ચોપડો, રોકડમેળ, જાવક-આવક ચોપડો, સ્ટોક રજિસ્ટર, ઓર્ડર બુક અને ઓફિસ ફાઇલોની ખરીદી કરે છે. જોકે, ડિજિટલાઇઝેશનના વધતા વ્યાપને કારણે હિસાબ-કિતાબની પરંપરાગત પદ્ધતિમાં મોટું પરિવર્તન આવ્યું છે.

હવે કોમ્પ્યુટર અને વિવિધ એકાઉન્ટિંગ સોફ્ટવેર દ્વારા હિસાબ રાખવાનું ચલણ વધ્યું છે. તેમ છતાં નાના અને મધ્યમ વેપારીઓમાં ઉઘરાણી ચોપડા, રોકડમેળ અને ખાતાવહીનો ઉપયોગ આજે પણ જોવા મળે છે. આમ, હિસાબ રાખવાની પદ્ધતિ ભલે આધુનિક બની હોય, પરંતુ ચોપડા પૂજન સાથે જોડાયેલી આસ્થા અને પરંપરા આજે પણ અકબંધ રહી છે.
























