HomeAllરોટરી ક્લબ મોરબી દ્વારા મયૂર બ્રિજ પર રંગોળી મહોત્સવ યોજાયો; અનેક સ્પર્ધકોએ...

રોટરી ક્લબ મોરબી દ્વારા મયૂર બ્રિજ પર રંગોળી મહોત્સવ યોજાયો; અનેક સ્પર્ધકોએ અવનવી રંગોળી ડિઝાઇન બનાવી

મોરબીના મયૂર બ્રિજ ખાતે યોજાયેલી ઓપન મોરબી રંગોળી સ્પર્ધામાં વિવિધ વયજૂથના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો, રંગબેરંગી અને આકર્ષક રંગોળીઓએ રાહદારીઓનું ધ્યાન ખેંચ્યું

મોરબી, તા. ૬ નવેમ્બર, ૨૦૨૬: રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા દિવાળીના તહેવારની ઉજવણીના ભાગરૂપે મોરબીના મયૂર બ્રિજ ખાતે ઓપન મોરબી રંગોળી સ્પર્ધા અંતર્ગત રંગોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અનેક સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ રંગો અને અવનવી કલાત્મક ડિઝાઇનની રંગોળીઓ તૈયાર કરી હતી. સ્પર્ધકોએ પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક કૌશલ્યનું સુંદર પ્રદર્શન કર્યું હતું.

મયૂર બ્રિજ પર તૈયાર કરવામાં આવેલી આકર્ષક રંગોળીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રંગોળીની સુંદરતા નિહાળવા માટે પસાર થતા રાહદારીઓ પણ થોભી ગયા હતા અને અનેક લોકોએ રંગોળીઓ સાથે તસવીરો તથા સેલ્ફી પણ પડાવી હતી. દિવાળીના પર્વની રંગબેરંગી છટા અને ભારતીય સંસ્કૃતિની પરંપરાને ઉજાગર કરતી આ રંગોળીઓએ સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું.

રોટરી ક્લબ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ૭ થી ૧૪ વર્ષના બાળકો તથા ૧૪ વર્ષથી ઉપરના સ્પર્ધકો એમ બે વયજૂથ રાખવામાં આવ્યા હતા. બંને વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થનાર સ્પર્ધકોને આકર્ષક ઇનામો આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સ્પર્ધામાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો.

રંગોળી મહોત્સવના આયોજનમાં રોટરી ક્લબ મોરબીના પ્રમુખ હુઝેફા લાકડાવાલા, સેક્રેટરી સોનલ શાહ તથા પ્રોજેક્ટ ચેરમેન અમિત પટેલ સહિત બંસી શેઠ, ગીતા દોશી સહીત ક્લબના સભ્યો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવાર નિમિત્તે રંગોળી જેવી પરંપરાગત કળાને પ્રોત્સાહન આપવા અને નાગરિકોમાં સર્જનાત્મકતા તથા સાંસ્કૃતિક ભાવનાને પ્રોત્સાહિત કરવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments