
મોરબી, તા. ૨૫: મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ગ્રાહકના હિતમાં મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. પ્રીમેરિકા લાઇફ ઇન્સ્યોરન્સ સંબંધિત કેસમાં ગ્રાહક અદાલતે વીમા કંપનીને રૂ. ૮,૮૦,૨૭૯ ચૂકવવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત રૂ. ૨,૦૦૦ વળતરની રકમ પર વાર્ષિક ૬ ટકા વ્યાજ ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

આ કેસની વિગતો મુજબ, મોરબીના રહેવાસી રશીશ શારદાબેન નવલભાઈ વણપરીના પતિ નવલભાઈના અવસાન બાદ આધાર ફાઇનાન્સ મારફતે લીધેલી મકાન લોન સામે પ્રીમેરિકા લાઇફ ઇન્સ્યોરન્સની વીમા પોલિસી લેવામાં આવી હતી. પોલિસીમાં વિવિધ બીમારીઓને આવરી લેવામાં આવી હોવા છતાં વીમા કંપનીએ દાવો નામંજૂર કર્યો હતો.

વીમા કંપની દ્વારા રિપ્યુડિયેટરના કારણોસર વીમા દાવો નકારવામાં આવતાં ગ્રાહકને ન્યાય મેળવવા માટે ગ્રાહક અદાલતનો આશરો લેવો પડ્યો હતો. ગ્રાહક અદાલતના નામદાર ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે ગ્રાહકે વીમાનું પ્રીમિયમ ભર્યું હોય અને પોલિસીની શરતો મુજબ દાવો કરવામાં આવ્યો હોય તો માત્ર બીમારીના આધારે દાવો નકારવા અંગે યોગ્ય કારણ હોવું જરૂરી છે. કેસની સુનાવણી બાદ ગ્રાહકના હિતમાં ચુકાદો આપવામાં આવ્યો હતો.


ગ્રાહક સુરક્ષા મંડળે જણાવ્યું હતું કે ગ્રાહકોને વીમા, બેંકિંગ અને અન્ય સેવાઓમાં અન્યાય થાય ત્યારે તેમણે યોગ્ય દસ્તાવેજો સાથે ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવો જોઈએ. ગ્રાહકોને તેમના કાયદેસરના હકો અંગે જાગૃત કરવા અને તેમને ન્યાય અપાવવા મંડળ સતત પ્રયત્નશીલ છે.

ગ્રાહકને અન્યાય થાય તો સંપર્ક કરો

મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકોને અન્યાય સામે અવાજ ઉઠાવવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા તથા મંડળના હોદ્દેદારોનો સંપર્ક કરી શકાય છે.





















