HomeAllમોરબીથી ઉત્તર પ્રદેશ અને બિહાર માટે સીધી ટ્રેન સેવા શરૂ કરવાની પરપ્રાંતીય...

મોરબીથી ઉત્તર પ્રદેશ અને બિહાર માટે સીધી ટ્રેન સેવા શરૂ કરવાની પરપ્રાંતીય શ્રમિકોની માંગ

મોરબીમાં વસતા ૨થી ૩ લાખ પરપ્રાંતીય શ્રમિકોને વતન આવવા-જવામાં મુશ્કેલી; રાજકોટ સહિતનાં અન્ય રેલવે સ્ટેશનો સુધી જવાની મજબૂરીથી સમય અને નાણાંનો વ્યય

મોરબી, ૧૬ ઓક્ટોબર: સિરામિક ઉદ્યોગને કારણે દેશભરમાં રોજગારી માટે જાણીતા બનેલા મોરબીમાં ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશા સહિતનાં વિવિધ રાજ્યોના લાખો શ્રમિકો વસવાટ કરે છે. અંદાજે ૨થી ૩ લાખ પરપ્રાંતીય શ્રમિકો મોરબીની વિવિધ ફેક્ટરીઓ અને અન્ય વ્યવસાયોમાં કામ કરીને રોજગારી મેળવી રહ્યા છે. જોકે, મોરબીથી તેમના વતન સુધી સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ ન હોવાને કારણે શ્રમિકોને આવાગમનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે મોરબીથી ઉત્તર પ્રદેશ અને બિહારને જોડતી સીધી ટ્રેન સેવા શરૂ કરવાની માંગ ઉઠી છે.

ઉત્તર પ્રદેશના અયોધ્યાના વતની અને હાલ મોરબીમાં કામ કરતા ફકરુદ્દીન અંસારીએ પરપ્રાંતીય શ્રમિકોની સમસ્યા અંગે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, મોરબીના સિરામિક સહિતના વિવિધ ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો કાર્યરત છે. આ શ્રમિકોને પોતાના વતન આવવા-જવા માટે મોરબીથી સીધી રેલવે સુવિધા ઉપલબ્ધ ન હોવાથી રાજકોટ અથવા અન્ય રેલવે સ્ટેશનો સુધી જવું પડે છે. તેના કારણે મુસાફરીમાં વધારાનો સમય અને નાણાં ખર્ચવા પડે છે.

ખાસ કરીને દિવાળી, હોળી સહિતના તહેવારો દરમિયાન તેમજ પરિવારના કોઈ સભ્યની બીમારી કે અન્ય તાત્કાલિક કામના પ્રસંગે વતન જવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે શ્રમિકોની મુશ્કેલીઓ વધી જાય છે. સીધી ટ્રેન સેવા ન હોવાને કારણે અન્ય શહેરોમાં પહોંચીને ટ્રેન પકડવી પડે છે, જેના કારણે મુસાફરી વધુ મુશ્કેલ અને ખર્ચાળ બને છે.

મોરબીમાં દેશનાં વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રમિકો રોજગારી મેળવવા આવતા હોવાથી તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને મોરબીથી ઉત્તર પ્રદેશ અને બિહારનાં મુખ્ય રેલવે સ્ટેશનોને જોડતી સીધી ટ્રેન સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓડિશા સહિત અન્ય રાજ્યો તરફ જતી રેલવે સુવિધાઓ અંગે પણ યોગ્ય આયોજન કરવામાં આવે તો પરપ્રાંતીય શ્રમિકોને નોંધપાત્ર રાહત મળી શકે તેમ છે.

મોરબીથી અન્ય રાજ્યો માટે સીધી ટ્રેન સેવા શરૂ કરવામાં આવે તો શ્રમિકોનો સમય અને મુસાફરી ખર્ચ બચવાની સાથે તહેવારો દરમિયાન વતન જવા-આવવામાં પણ સરળતા રહેશે. આથી રેલવે તંત્ર અને સંબંધિત સત્તાધીશો આ માંગ પર સકારાત્મક વિચારણા કરીને જરૂરી પગલાં ભરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments