
મોરબી સહિત સૌરાષ્ટ્રની છ મહાનગરપાલિકા, 11 જિલ્લા પંચાયત, 18 નગરપાલિકા અને 79 તાલુકા પંચાયતની ચુંટણીનું આવતીકાલે તા.26 એપ્રિલના મતદાન થનાર છે. લોકશાહીના આ મહાપર્વમાં 97 લાખથી વધુ મતદારો એક દિવસના સુલતાન બની મતદાન કરશે.

રાજયની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની યોજાનારી આ ચુંટણીના આડે હવે માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા હોય. ચુંટણી ફરજ પર તૈનાત કરાયેલ પોલીંગ સ્ટાફએ આજે સવારના ઈ.વી.એમ. ડીસ્પેચીંગ-રીસીવીંગ સેન્ટરો ખાતેથી અધિકારીઓ સાથે એસ.ટી.બસ સર્વિસો મારફત રવાના થઈ મતદાન મથકોનો કબ્જો સંભાળી લીધો છે.

સ્થાનિક સ્વરાજની આ ચુંટણી એસ.આઈ.આર. બાદની પ્રથમ ચુંટણી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 3424 બેઠકો પર 9000થી વધુ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય મતદારો નકકી કરશે. જો કે 100થી વધુ બેઠકો ચુંટણી પુર્વે જ બિનહરીફ થઈ જવા પામી હતી.

સ્થાનિક સ્વરાજની આ ચુંટણીનું ગત તા.6 એપ્રિલના જાહેરનામુ પ્રસિદ્ધ થતા રાજકીય પક્ષોના તેમજ અપક્ષ ઉમેદવારો નામાંકનપત્રો ભરી ચુંટણી પ્રચારમાં લાગી ગયા હતા. બેઠકો કબ્જે કરવા માટે ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવી દીધુ છે.

ગઈકાલે સાંજના પ્રચાર પડધમ શાંત થયા બાદ ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે. આજે કતલની રાત મતદારોને મનાવવા માટે છેલ્લી ઘડીના પ્રયાસો સાથે તોડજોડની રાજનીતિ અપનાવી છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે આ વખતે ચુંટણી પ્રચારની છેલ્લી ઘડી સુધી મતદારોએ પોતાનું મન ઉમેદવારોને કળવા દીધુ ન હતું. ઉમેદવારોમાં અન્ડર કરન્ટ જોવા મળ્યો હતો. જો કે મતદારોને મનામણા માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ છેલ્લી ઘડીના પ્રયાસો શરૂ કર્યા છે. એસ.આઈ.આર. બાદ યોજાતી આ ચુંટણીમાં મતદારોની સંખ્યામાં થોડો ઘટાડો થવા પામેલ છે.

જો કે મતદાન મથક દીઠ મતદારોની 1200ની સંખ્યાનો ક્રાઈટ એરીયા નિયત કરવામાં આવેલ છે. ચુંટણીના સમયે જે આકાશમાંથી સૂર્યનારાયણ દેવ એ અગનગોળા વરસાવવાનું શરૂ કરતા તેની મતદાન પર અસર થવાની શકયતા રહેતી હોય વહીવટીતંત્ર દ્વારા વધુને વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિના કાર્યક્રમો સતત યોજવામાં આવેલ હતો. ગરમીને ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથકો પર છાંયડો, પાણી, ઓ.આર.એસ. પ્રાથમીક સારવાર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવા આદેશો કરી દેવામાં આવેલ છે.

સ્થાનિક સ્વરાજની આ ચુંટણી ન્યાયી અને પારદર્શકતાથી યોજવા માટે તમામ તૈયારીઓ પુર્ણ કરી ચુંટણી તંત્ર સજજ બની જવા પામેલ છે. આજે પોલીંગ સ્ટાફે મતદાન મથકોનો કબ્જો પણ સંભાળી લીધો છે તેની સાથે જ પ્રતિબંધાત્મક આદેશો પણ લાગુ કરી દેવામાં આવેલ. સ્થાનિક સ્વરાજની આ ચુંટણીની મતગણતરી 28 એપ્રિલના રોજ સવારથી થશે. સ્થાનિક સ્વરાજની આ ચુંટણીના આવતીકાલે થનારા મતદાન દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.






















