
પ્રાથમિક શાળાની આસપાસ ઉભી થયેલી બજારથી ટ્રાફિક અસ્તવ્યસ્ત, વિદ્યાર્થીઓના ભવિષ્ય અને કાયદો-વ્યવસ્થાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ
કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર નજીક આવેલું નેત્રા ગામ ધાર્મિક આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. ગામમાં આવેલું માં જોગમાયાનું વિશાળ મંદિર દૂર દૂરથી આવતા યાત્રિકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. માતાના મઢે જતા અનેક યાત્રિકો હાઇવે પરથી અંદાજે 12 કિલોમીટર અંદર આવેલા નેત્રા ગામે દર્શનાર્થે પહોંચે છે.

ગ્રામજનોએ વધી રહેલા ગેરકાયદે દબાણ અને તંત્રની નિષ્ક્રિયતા અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા.
ગ્રામજનોના જણાવ્યા મુજબ પ્રાથમિક શાળાના મુખ્ય પ્રવેશદ્વાર નજીક તેમજ રસ્તાની બંને બાજુ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દુકાનો અને બજાર ઉભું કરવામાં આવ્યું છે. સ્થાનિકોના કહેવા મુજબ આ માર્ગ આસપાસના 7 થી 8 ગામોને જોડતો મહત્વનો માર્ગ હોવાથી અહીં દિવસભર ભારે વાહનવ્યવહાર રહે છે. પરંતુ રસ્તા પર વધતા દબાણને કારણે માર્ગ સાંકડો બની ગયો છે, જેના પરિણામે બે ફોર વ્હીલ વાહનો એકસાથે પસાર થવામાં પણ મુશ્કેલી ઉભી થઈ રહી છે.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે પ્રાથમિક શાળાની આસપાસ ઉભી થયેલી ગેરવ્યવસ્થાના કારણે રાત્રિના સમયે અસામાજિક પ્રવૃત્તિઓ વધતી હોવાની ચર્ચા ગામમાં ચાલી રહી છે. ઉપરાંત શાળાના પ્રવેશદ્વાર નજીક ખુલ્લેઆમ તમાકુજન્ય પદાર્થો અને દારૂના વેચાણ અંગે પણ કેટલાક ગ્રામજનોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય, સુરક્ષા અને શૈક્ષણિક વાતાવરણ પર સીધી નકારાત્મક અસર થતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ મામલે અગાઉ અનેક વખત સ્થાનિક તંત્ર, કલેક્ટર કચેરી તથા પોલીસ વિભાગ સમક્ષ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. દબાણ દૂર કરવા માટે નોટિસો આપવામાં આવી હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. છતાં આજદિન સુધી કોઈ કડક અને અસરકારક કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે.

સ્થાનિકોમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે જો પ્રાથમિક શાળાની આસપાસ અને મુખ્ય જાહેર માર્ગ પર જ ગેરકાયદે દબાણ યથાવત રહેતું હોય તો તંત્રની કામગીરી સામે લોકો વિશ્વાસ કેવી રીતે રાખે ? ગ્રામજનો હવે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને રસ્તાને દબાણમુક્ત બનાવે, ગેરકાયદે પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરે અને વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ સુનિશ્ચિત કરે તેવી માંગ ઉઠાવી રહ્યા છે.
























