
જો તમે પણ તમારા સ્માર્ટફોનમાં જૂની mAadhaar એપનો ઉપયોગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આધાર કાર્ડનું સંચાલન કરતી સંસ્થા UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ જાહેરાત કરી છે કે જૂની mAadhaar એપ ટૂંક સમયમાં જ કાયમ માટે બંધ થઈ જશે. જોકે, આનાથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે UIDAI દ્વારા વધુ મજબૂત સિક્યોરિટી અને શાનદાર ફીચર્સ સાથેની ‘New Aadhaar App’ લોન્ચ કરી દેવામાં આવી છે. આ નવી એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે, જેમાં યુઝર્સને તેમના પર્સનલ ડેટાની સુરક્ષા માટે ઘણા એડવાન્સ ટૂલ્સ આપવામાં આવ્યા છે.

નવી એપ ડાઉનલોડ કરતી વખતે આ ખાસ ધ્યાન રાખજો
સૌથી જરૂરી વાત એ છે કે, નવી આધાર એપને માત્ર ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પરથી જ ઓફિશિયલ રીતે ડાઉનલોડ કરવી.

એસએમએસ (SMS), ઈમેઈલ કે વોટ્સએપ પર આવતી કોઈ પણ અજાણી લિંક પર ક્લિક કરીને તેને ડાઉનલોડ કરવાની ભૂલ ન કરવી, નહીંતર ફ્રોડનો ભોગ બની શકાય છે.
હવે સેન્ટર પર ગયા વગર જ મોબાઈલ નંબર અપડેટ થશે

આ નવી એપનું સૌથી મોટું અને દમદાર ફીચર ‘મોબાઈલ નંબર અપડેટ’ છે. અત્યાર સુધી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલાવવો ખૂબ જ માથાકૂટ ભરેલું કામ હતું અને તેના માટે આધાર સેન્ટર પર રૂબરૂ જવું પડતું હતું. પરંતુ હવે તમે આ નવી એપની મદદથી ઘરે બેઠા જ નંબર અપડેટ કરી શકશો. તેની રીત નીચે મુજબ છે:

- સૌથી પહેલા નવી એપ ખોલીને હોમ સ્ક્રીન પર આપેલા ‘Update Aadhaar details’ ઓપ્શન પર જાઓ.
- ત્યારબાદ મોબાઈલ નંબર અથવા સરનામું (Address) અપડેટ કરવાનો વિકલ્પ પસંદ કરો.
- હવે તમારી નવી વિગતો ભરો અને વેરિફિકેશન માટે સબમિટ કરો.
- એપમાં બતાવ્યા પ્રમાણે ઓથેન્ટિકેશન (Authentication) પ્રક્રિયા પૂર્ણ કરો.
- આ અપડેટ માટે તમારે એક નાની ઓનલાઇન ફી ચૂકવવી પડશે.
- વેરિફિકેશન સફળ થતાં જ તમારી નવી વિગતો આધાર રેકોર્ડમાં અપડેટ થઈ જશે.

તમારો આધાર ડેટા-તમારી મરજી: હવે વિગતો છૂપી રાખી શકાશે
અત્યાર સુધી એવું થતું કે જેની પાસે પણ તમારું આધાર કાર્ડ જાય, તેની પાસે તમારી આખી કુંડળી પહોંચી જતી હતી કારણ કે કાર્ડ પર બધી જ વિગતો છાપેલી હોય છે. પરંતુ નવી એપ તમને એ ઓપ્શન આપે છે કે તમે તમારી કઈ વિગતો શેર કરવા માંગો છો અને કઈ છુપાવવા માંગો છો. આ એપની મદદથી તમે તમારો ફોટો, નામ, જન્મતારીખ, જેન્ડર અને મોબાઈલ નંબર જેવી અંગત વિગતો છુપાવી શકો છો.

ઇન્ટરનેટ વગર સેન્ટ્રલ ડેટાબેઝ સિવાય ‘ઓફલાઈન વેરિફિકેશન’
આ નવી એપમાં એક ખાસ સિક્યોરિટી ફીચર છે, જેનાથી એક ક્યૂઆર (QR) કોડ જનરેટ થશે. આ ક્યૂઆર કોડને સ્કેન કરીને કોઈ પણ જગ્યાએ તમારી ઓળખ વેરિફાઈ કરી શકાશે. અહીં ‘ઓફલાઈન વેરિફિકેશન’ નો અર્થ એવો નથી કે તેમાં ઇન્ટરનેટ વગર કામ થશે, પરંતુ તેનો અર્થ એ છે કે મુખ્ય સેન્ટ્રલ ડેટાબેઝ સાથે કનેક્ટ થયા વગર જ વેરિફિકેશન પૂરું થઈ જશે. યુઝર્સ પાસવર્ડથી પ્રોટેક્ટેડ ફાઈલ બનાવી શકે છે અને જરૂરિયાત મુજબ માત્ર નામ કે ઉંમર જેવી પસંદગીની વિગતો જ શેર કરી શકશે. આ ફીચરને કારણે સિક્યોરિટી ગાર્ડથી લઈને કોઈ પણ ઑફિસમાં વિઝિટર્સની સાચી ઓળખ ચેક કરવા માટે આધારનો ઉપયોગ સુરક્ષિત રીતે થઈ શકશે.

આ ડિજીટલ ક્યૂઆર કોડના કારણે હવે સરનામું કે મોબાઈલ નંબર આપવા માટે આધાર કાર્ડની ઝેરોક્ષ રાખવાની જરૂર નહીં પડે. આ ઉપરાંત, આ નવી એપની એક મોટી ખાસિયત એ પણ છે કે તેમાં તમે એક સાથે પરિવારના 5 સભ્યોની આધાર પ્રોફાઈલ લિંક કરી શકો છો, એટલે કે એક જ મોબાઈલ એપથી આખા પરિવારનું કામ સરળતાથી થઈ જશે.





















