HomeAll'માસૂમ ભારતીયોની હત્યા પર જે એક શબ્દ પણ ન બોલે, તે કેવો...

‘માસૂમ ભારતીયોની હત્યા પર જે એક શબ્દ પણ ન બોલે, તે કેવો દોસ્ત?’ રુબિયો પર ભડક્યા શશિ થરૂર, જયશંકરને પણ સંભળાવ્યું

વિદેશ મંત્રી એસ. જયશંકર અને અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોની ફોન પર થયેલી વાતચીત અંગે અમેરિકા તરફથી જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદન પર કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે નિશાન સાધ્યું છે. અમેરિકન હુમલામાં માર્યા ગયેલા ભારતીયો પ્રત્યે કોઈપણ પ્રકારની સંવેદના વ્યક્ત ન કરવા બદલ થરૂરે રુબિયોને આડે હાથ લીધા હતા. તેમણે જયશંકરને પણ આ મુદ્દે ઘેર્યા હતા.

થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “અમેરિકાનું આ સત્તાવાર નિવેદન વાંચીને ઊંડો આઘાત લાગ્યો છે, જેમાં નિર્દોષ ભારતીયોના જીવ જવા પર અફસોસ કે સંવેદનાનો જરાય ઉલ્લેખ નથી. કોઈ ‘દોસ્ત’ અને વ્યૂહાત્મક ભાગીદાર આટલો અસંવેદનશીલ કેવી રીતે હોઈ શકે? શું નિયમોનું પાલન ન કરનારા કોમર્શિયલ જહાજને કોઈ અન્ય, જીવ ન લે તેવી રીતે નહોતું રોકી શકાતું? શું સામાન્ય ક્રૂ મેમ્બર્સને મારવાના હેતુથી મિસાઇલ છોડ્યા વિના જહાજના પ્રોપલ્શન કે સ્ટીયરિંગને નકામું ન કરી શકાય?”

તેમણે આગળ કહ્યું, “આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પરથી પસાર થતા લગભગ દરેક મર્ચન્ટ જહાજ પર ભારતીય ક્રૂ મેમ્બર્સ હોય છે. શું હવે અમેરિકન મિસાઇલો માટે તે બધા પણ સરળ શિકાર માનવામાં આવશે? આ વલણ સ્વીકારવા લાયક નથી અને મને આશા છે કે એસ. જયશંકરે માર્કો રુબિયોને આ વાત કહી હશે.”

જયશંકરે રુબિયો સામે ઉઠાવ્યો ભારતીય નાવિકોના મોતનો મુદ્દો
જો કે, વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે કહ્યું હતું કે તેમણે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથેની વાતચીતમાં ઓમાનની ખાડીમાં એક કોમર્શિયલ જહાજ પર અમેરિકન સૈન્ય હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોતનો મુદ્દો ઉઠાવ્યો છે. યુરોપના પ્રવાસે ગયેલા જયશંકરે અમેરિકન વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરી હતી.

જયશંકરે સોશિયલ મીડિયા પર કહ્યું, “આજે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત થઈ. મેં ઓમાનની ખાડીમાં અમેરિકન નૌસેનાના હુમલા સામે ભારતનો સખત વિરોધ ફરી દોહરાવ્યો, આ હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત થયા છે.” તેમણે ઉમેર્યું, “કોમર્શિયલ જહાજો પર આ પ્રકારની ઘાતક કાર્યવાહી યોગ્ય નથી.”

ભારતે શુક્રવારે નવી દિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસના પ્રભારી અધિકારી જેસન મીક્સને તેડાવ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે ઓમાનના કિનારા નજીક ભારતીય ક્રૂ મેમ્બર્સવાળા કોમર્શિયલ જહાજો પર અમેરિકન સેનાના ઘાતક હુમલા અસ્વીકાર્ય છે. 8 જૂનના રોજ અમેરિકન દળોએ પલાઉના ધ્વજવાળા તેલ ટેન્કર ‘મેરીવેક્સ’ પર હુમલો કર્યો હતો. આ જહાજ પર સવાર 24 ભારતીય નાવિકોને સુરક્ષિત બચાવી લેવાયા હતા.

ત્યારબાદ 10 જૂનના રોજ અમેરિકાએ પલાઉના જ ધ્વજવાળા એક અન્ય ટેન્કર ‘સેટેબેલો’ પર હુમલો કર્યો, જેના પર સવાર 24 ભારતીય નાવિકોમાંથી ત્રણના મોત થયા હતા. આ સિવાય, ગિની-બિસાઉના ધ્વજવાળા ટેન્કર ‘જલવીર’ પર પણ ગુરુવારે હુમલો થયો હતો. આ જહાજ પર 20 ભારતીય નાગરિકો સવાર હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments