HomeAllમચ્છરજન્ય રોગો સામે મોરબી કોર્પોરેશન સજ્જ

મચ્છરજન્ય રોગો સામે મોરબી કોર્પોરેશન સજ્જ

શહેરના વિવિધ વિસ્તારોમાં ફોગિંગ અને દવાનો છંટકાવ, નાગરિકોને પણ સાવચેતી રાખવા અપીલ

મોરબી શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે મોરબી મહાનગરપાલિકાએ આરોગ્યલક્ષી કામગીરી વધુ તેજ બનાવી છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને મેલેરિયા શાખાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરેઘર જઈ ફોગિંગ, એબેટ કામગીરી તથા મચ્છરનાશક દવાનો છંટકાવ હાથ ધરવામાં આવ્યો હતો.

જની શેરી, નાગનાથ શેરી, પ્રજાપત સોસાયટી, દેરાસર શેરી તેમજ રવાપર તળાવ અને મચ્છુ નદી આસપાસના વિસ્તારોમાં ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ટીમ દ્વારા પાણી ભરાયેલા પાત્રો, ટાંકા અને આસપાસની જગ્યાઓનું નિરીક્ષણ કરી મચ્છરના પોરા નાશ કરવા માટે સ્થળ પર જ કામગીરી કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગે નાગરિકોને પણ સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો છે. ખાસ કરીને ઘરઆંગણે પાણી ભરાઈ ન રહે તે માટે કુલર, ટાંકી, ફૂલદાની તથા અન્ય વાસણોની નિયમિત સફાઈ કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત મકાનની છત પર ભરાતું વરસાદી પાણી, બિનજરૂરી ટાયર, ખાલી ડબ્બા અને ભંગાર જેવી વસ્તુઓનો તાત્કાલિક નિકાલ કરવા અપીલ કરવામાં આવી છે.

કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે મચ્છરજન્ય રોગોને અટકાવવા માટે સતત મોનિટરિંગ સાથે શહેરભરમાં આરોગ્યલક્ષી કામગીરી ચાલુ રાખવામાં આવશે. નાગરિકોના સહકારથી જ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગચાળાને નિયંત્રણમાં રાખી શકાય તેમ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments