
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે હાથ ધરવામાં આવેલી રીનોવેશન તેમજ લાઈન શિફ્ટિંગ કામગીરીના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં આગામી બે દિવસ પાણી પુરવઠો બંધ રહેશે.

મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આજે રવિવાર તા. ૨૪ અને આવતીકાલે સોમવાર તા. ૨૫ દરમિયાન હાથ ધરાનારી કામગીરીને કારણે દરબારગઢ, પંચાસર રોડ, કેસરબાગ, સામાકાંઠા સહિતના વિસ્તારોમાં આવેલા અનેક વિસ્તારોમાં પાણી નહીં મળે.

તંત્ર દ્વારા વધુમાં જણાવાયું છે કે અંડરગ્રાઉન્ડ રીનોવેશન તથા લાઈન શિફ્ટિંગનું કાર્ય પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો પૂર્વવત કરવામાં આવશે. આ દરમિયાન નાગરિકોને જરૂરી પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુર્જબાગ, હરદ્વાર ગઢ, રણછોડનગર, હાથીખાનુ, સામાકાંઠો, કેસરબાગ તથા પંચાસર રોડ વિસ્તારના રહેવાસીઓને ખાસ અસર થવાની શક્યતા છે. મહાનગરપાલિકાએ નાગરિકોને સહકાર આપવા અને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે.

























