
પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત પ્લોટ ધારકોને લેવલિંગ અને પાણી નિકાલની વ્યવસ્થા ફરજિયાત — બેદરકારી સામે કોર્પોરેશન કરશે કડક કાર્યવાહી

મોરબી શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ખુલ્લા પ્લોટોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બનતી જાય છે. અનેક વિસ્તારોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા મચ્છરોનું પ્રમાણ વધે છે અને ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગચાળાનો ભય પણ ઊભો થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગર પાલિકાએ પ્રી-મોન્સૂન કામગીરી વધુ સક્રિય બનાવી છે.

મહાનગર પાલિકાના આરોગ્ય અને એન્જિનિયરિંગ વિભાગ દ્વારા શહેરના ખુલ્લા પ્લોટ ધારકોને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના પ્લોટમાં વરસાદી પાણી ભરાઈ ન રહે તે માટે યોગ્ય લેવલિંગ તેમજ પાણીના નિકાલની વ્યવસ્થા સમયસર કરે. ચોમાસા પહેલાં જ જરૂરી કામગીરી પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવી છે.

પાલિકાના જણાવ્યા મુજબ જો કોઈ ખુલ્લા પ્લોટમાં પાણી ભરાયેલા જોવા મળશે અથવા ગંદકીના કારણે મચ્છરોનું પ્રજનન થતું જણાશે તો સંબંધિત માલિક સામે દંડાત્મક તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શહેરમાં સ્વચ્છતા અને જાહેર આરોગ્ય જળવાઈ રહે તે માટે આ અભિયાનને વધુ કડક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નાગરિકોને પણ પોતાના આસપાસ સ્વચ્છતા જાળવવા, પાણી ભરાઈ રહે તેવી જગ્યાઓ દૂર કરવા અને મહાનગર પાલિકાના અભિયાનમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.
























