HomeAllમચ્છુ નદીના પટમાં દબાણ હટાવ કામગીરી શરૂ, હવે કાળમાટ અને અવરોધરૂપ બાંધકામો...

મચ્છુ નદીના પટમાં દબાણ હટાવ કામગીરી શરૂ, હવે કાળમાટ અને અવરોધરૂપ બાંધકામો દૂર કરવાની પણ ઉઠી માંગ

મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીના ભાગરૂપે આજે મચ્છુ નદીના પટ વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટીમ દ્વારા નદીના પટમાં આવેલા ઝૂંપડાઓ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, અગાઉ કરવામાં આવેલી રજૂઆતો અને ફરિયાદોના અનુસંધાને તંત્ર દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોમાસા પૂર્વે નદીનો પટ ખુલ્લો અને પાણીના વહેણ માટે અનુકૂળ રહે તે હેતુસર અંદાજે 80 થી 90 જેટલા ઝૂંપડાઓ દૂર કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.

જો કે, સ્થાનિક લોકોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે શું તંત્ર માત્ર ઝૂંપડાઓ હટાવી કામગીરી પૂર્ણ માની લેશે કે પછી મચ્છુ નદીના પટમાં પાણીના પ્રવાહને અવરોધતા અન્ય કાચા-પાકા દબાણો, ગેરકાયદે બાંધકામો તેમજ આડેધડ ઠાલવવામાં આવેલો કાળમાટ અને કચેરો દૂર કરવા માટે પણ અસરકારક કાર્યવાહી હાથ ધરાશે?

સ્થાનિકોમાંથી એવી માંગ ઉઠી રહી છે કે ચોમાસા દરમિયાન પાણીના વહેણમાં અવરોધ ઊભો ન થાય અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે મચ્છુ નદીના સમગ્ર પટની વ્યાપક સફાઈ અને દબાણમુક્ત કામગીરી હાથ ધરવી જરૂરી છે. માત્ર ઝૂંપડાઓ દૂર કરવા પૂરતી કાર્યવાહી નહીં પરંતુ નદીના કુદરતી પ્રવાહને અસર કરતા તમામ પ્રકારના અવરોધો દૂર કરવામાં આવે તેવી લોકો અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments