
મોરબીના વતની ડો. મેહુલકુમાર મગનલાલ બરાસરાને પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે અધિક નિવાસી કલેક્ટર તરીકે પ્રમોશન મળતાં તેમના પરિવારજનો, મિત્રો તથા શુભેચ્છકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

ડો. મેહુલકુમારે એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોતાના અથાગ પરિશ્રમ અને પ્રતિભાના બળ પર ત્રણ વખત યુ.પી.એસ.સી. પરીક્ષા પાસ કરી હતી. તેઓએ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, નવી દિલ્હી ખાતે આસિસ્ટન્ટ કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ તરીકે યુ.પી.એસ.સી. આધારિત સેવામાં મહત્વપૂર્ણ ફરજ બજાવી હતી.

પછી વતન ગુજરાતમાં સેવા આપવાના ઉદ્દેશ સાથે તેમણે દિલ્હી સ્થિત પ્રતિષ્ઠિત નોકરી છોડી જી.પી.એસ.સી. પાસ કરી ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (G.A.S.) કેડરમાં જોડાયા હતા. ત્યારબાદ રાજકોટ, જસદણ, અમરેલી, નખત્રાણા અને રાજુલા સહિતના વિસ્તારોમાં વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી હતી.

તાજેતરમાં તેઓ અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. પોતાની કામગીરી દરમિયાન લોકહિતના અનેક કાર્યો કરી તેમણે સરકારશ્રીની ગુડ બુકમાં સ્થાન મેળવ્યું હતું તેમજ જનતા વચ્ચે લોકચાહના અને માન-આદર પ્રાપ્ત કર્યો હતો.

હવે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે અધિક નિવાસી કલેક્ટર તરીકેની નવી જવાબદારી સંભાળતા તેઓ જિલ્લા જનતાને વધુ ઉત્તમ સેવા પૂરી પાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડો. મેહુલકુમાર બરાસરાની આ સિદ્ધિ બદલ તેમના મિત્રો, શુભચિંતકો તથા કદરદાનો તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.























